લાહોર/અબુ ધાબીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)નો ચીફ અને ભારત-વિરોધી વલણ માટે જગવિખ્યાત મોહસિન નકવી થોડો સમય થાય એટલે કોઈ તમાશો ઊભો કરતો જ હોય છે. 2025માં સૂર્યકુમાર યાદવની ટી-20 એશિયા કપ ચૅમ્પિયન ટીમને ટ્રોફી પોતાના જ હાથે આપવાની હઠ પકડ્યા બાદ મેદાન પર તેને ભારતીયો તરફથી જાકારો મળતાં તેણે ટ્રોફી જ ગાયબ કરી દીધી હતી અને 2026માં ભારતની એશિયા કપ વિજેતા મહિલા ક્રિકેટરોને ટ્રોફી આપવાની જીદ પકડયા બાદ દુબઈના મેદાન પરથી ગુમ થઈ ગયો હતો. હવે તેણે પૈસાની લાલચ બતાવીને પોતાના જ ક્રિકેટરોને શરમમાં મૂકી દીધા છે.
પીટીઆઇના અહેવાલ અનુસાર નકવીનું પીસીબી દુનિયાભરની ફ્રૅન્ચાઇઝી લીગ પાસે પૈસા માગી રહ્યું છે. નકવી પોતાની તો બદનામી કરી જ રહ્યો છે, પાકિસ્તાન ક્રિકેટનું નાક કપાય એની પણ તેને કંઈ દરકાર નથી.
સામાન્ય રીતે જો કોઈ ખેલાડીને કોઈ વિદેશી લીગ ટૂર્નામેન્ટમાં રમવાની છૂટ આપવાનો સમય આવે ત્યારે એ ખેલાડીનું ક્રિકેટ બોર્ડ પેલી વિદેશી લીગના ફ્રૅન્ચાઇઝીઓ પાસેથી કંઈ પણ પૈસા લીધા વગર પોતાના ખેલાડીને (નિયમો અનુસાર) એમાં રમવા નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપે છે. જોકે અહેવાલ મુજબ નકવીનું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ શનિવાર, છઠ્ઠી નવેમ્બરે શરૂ થનારી અબુ ધાબી (Abu Dhabi) ટી-10 લીગમાં રમવા માટે પોતાના ખેલાડીઓને જે છૂટ આપી એના બદલામાં અબુ ધાબી ટૂર્નામેન્ટના ફ્રૅન્ચાઇઝીઓ પાસેથી ખેલાડી દીઠ 10,000 ડૉલર (અંદાજે 10 લાખ રૂપિયા) માગી રહ્યું છે. આ લીગના સત્તાધીશોને આ જરાય નથી ગમ્યું એટલે એણે આ ટૂર્નામેન્ટમાંથી પાકિસ્તાની ખેલાડીઓને તગેડી મૂકવાનું શરૂ કરી દીધું છે.
એક ફ્રૅન્ચાઇઝીના અધિકારીએ ગુરુવારે પીટીઆઇના રિપોર્ટરને ફોન પર કહ્યું, `અમે સપ્ટેમ્બરમાં પીસીબીને કહ્યું હતું કે તમારા ખેલાડીઓને અમારી લીગમાં રમવા એનઓસી આપો. જોકે થોડા દિવસ પહેલાં પીસીબીએ એ એનઓસીના બદલામાં અમારી પાસે (ખેલાડી દીઠ) 10,000 ડૉલર માગ્યા છે. ટૂર્નામેન્ટ શનિવારે શરૂ થઈ રહી છે એટલે હવે અમે ફ્રૅન્ચાઇઝીઓ આટલા ઓછા સમયમાં 14થી 15 પાકિસ્તાની ખેલાડીઓના વિકલ્પ તરીકે કોને બોલાવીએ? પીસીબીએ અમને મુસીબતમાં મૂકી દીધા છે. પીસીબીએ અમને પહેલાં જ કહ્યું હોત તો અમે કોઈ ઉકેલ લાવી શક્યા હોત.'
કયા મુખ્ય પાકિસ્તાની ખેલાડીઓ અબુ ધાબીમાં રમવાના હતા?
નસીમ શાહ, શાદાબ ખાન, મોહમ્મદ આમિર, ફખર ઝમાન, ઇફ્તિખાર અહમદ, અબ્બાસ આફ્રિદી, ફહીમ અશરફ, હસન નવાઝ, અલી રઝા, ખ્વાજા નેફે, સુફિયાન મૉકિમ, ખુશદિલ શાહ વગેરે.
પીસીબી ગયા વર્ષથી જ પૈસા માગે છે
વાસ્તવમાં પીસીબીએ ગયા વર્ષથી જ વિદેશી લીગના ફ્રૅન્ચાઇઝીઓ પાસે પૈસા માગવાનું શરૂ કરી દીધું હતું. તાજેતરમાં નેપાળ પ્રીમિયર લીગના ફ્રૅન્ચાઇઝીઓએ પણ ફરિયાદ કરી હતી કે પાકિસ્તાની ખેલાડીઓને એનઓસી આપવાના બદલામાં (પીસીબી) અમારી પાસે 25,000 ડૉલર (અંદાજે 24 લાખ રૂપિયા) માગે છે. અહેવાલો મુજબ પીસીબી અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (એમએલસી) તથા યુએઇની ઇન્ટરનૅશનલ ટી-20 લીગ જેવી ટૂર્નામેન્ટોના ફ્રૅન્ચાઇઝી પાસે પાકિસ્તાન બોર્ડ પ્લેયર દીઠ
એનઓસી બદલ 25,000 ડૉલર માગે છે.