Sat Nov 07 2026

Logo

ઓમર અબ્દુલ્લાની નવી જીવનયાત્રા શરૂ! નિધિ રાઝદાન સાથે લગ્ન બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી

2026-10-31 19:13:33
Author: Mumbai Samachar Team
ઓમર અબ્દુલ્લાની નવી જીવનયાત્રા શરૂ! નિધિ રાઝદાન સાથે લગ્ન બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પૂર્વ પત્રકાર નિધિ રાઝદાન સાથે લગ્ન કર્યા છે. શનિવારે, ઉમરે આ યુગલની બે તસવીરો પોસ્ટ કરી અને લખ્યું, ગઈકાલે એક નવી શરૂઆત થઈ, નિધિ. તેમણે આ પોસ્ટમાં એક વીંટીનું ઈમોજી પણ મૂક્યું હતું. આ પછી, સોશિયલ મીડિયા યુઝર્સે તેમની સગાઈ અને લગ્ન વિશે અટકળો લગાવવાનું શરૂ કરી દીધું છે. નિધિએ પણ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં વીંટીનું ઈમોજી મૂક્યું અને લખ્યું. થઈ ગયું, ભાઈ.  ઉમરના તેમની પ્રથમ પત્ની પાયલ સાથેના છૂટાછેડા આ વર્ષે 31 જુલાઈએ કાયદેસર રીતે પૂર્ણ થયા હતા.

કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા

તા.31 જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટે ઉમર અબ્દુલ્લા અને તેમની પત્ની પાયલને છૂટાછેડા મંજૂર કર્યા. આ દંપતીના લગ્નને 32 વર્ષ થયા હતા અને તેઓ 2011થી એકબીજાથી અલગ રહેતા હતા. આ પછી તેમણે બીજી પત્ની સાથે સંસાર શરૂ કરવા માટેનો નિર્ણય કર્યો હતો.  કોર્ટને તેમણે જણાવ્યું કે, તેઓએ પરસ્પર સંમતિથી પોતાના લગ્નજીવનનો અંત લાવવાનો અને તમામ વિવાદો ઉકેલવાનો નિર્ણય લીધો છે. ઉમરે દિલ્હી હાઈકોર્ટના એક ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જે ચુકાદામાં અગાઉ તેમના લગ્ન સંબંધનો અંત લાવવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.

હવે તેઓ નિધિ રાઝદાન સાથે જીવનની નવી શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે. નિધિ રાઝદાને પણ ટ્વિટ કરીને હળવા અંદાજમાં લખ્યું હતું કે ઈટ્સ ડન બ્રો. પહેલી પત્ની પાયલ સાથે લાંબા સમય સુધી વિવાદ રહ્યા  બાદ આખરે કાયદાકીય રીતે એમના સંબંધનો અંત આવ્યો છે. આ પછી તેમણે નિધિ સાથે જીવન પસાર કરવા અંગે નિર્ણય કર્યો છે. પહેલી પત્નીથી ઉમરને બે દીકરાઓ છે. જ્યારે નિધિ નેશનલ ટીવી ચેનલની એક જાણીતી પત્રકાર અને એન્કર પણ છે. 

પહેલા નિકાહ વિધિ કરવામાં આવી

આ પહેલા તે દિલ્હીના જ એક ગીતકાર અને જાણીતા પત્રકાર સાથે લગ્ન કરી ચૂકી હતી. આ સમગ્ર પ્રસંગને સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક જાહેર કાર્યક્રમોમાં નિધિ અને ઉમર સાથે જોવા મળ્યા હતા. દિલ્હીના હાફ મેરેથોનમાં અને કાશ્મીરના ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બન્ને એકબીજા સાથે જોવા મળ્યા હતા. શ્રીનગરના હરિ નિવાસ પેલેસમાં પરિવાર અને કેટલાક મિત્રો વચ્ચે એ પ્રસંગ પૂરો થયો હતો.

31 મી ઑક્ટોબરના રોજ દિલ્હીની એક જાણીતી હોટેલમાં ખાનગી ધોરણે એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન સ્પેશ્યલ મેરેજ એક્ટ અંતર્ગત થયેલા છે. સૂત્રો એમ પણ જણાવે છે કે 'સ્પેશિયલ મેરેજ એક્ટ' (Special Marriage Act) હેઠળ નોંધણી કરાવતા પહેલા 'નિકાહ'ની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ વિધિ શ્રીનગરના હરિ નિવાસ પેલેસમાં બંને પરિવારોની હાજરીમાં યોજાઈ હતી. આવતા અઠવાડિયે જમ્મુમાં અને અંતે શ્રીનગરમાં રિસેપ્શન યોજાશે.