Wed Oct 07 2026

Logo

ઓડિશામાં ભારે વરસાદનો કહેર: 8,000થી વધુ લોકોનું સ્થળાંતર, પ્રધાનો દોડતા થયા

2026-09-24 19:52:44
Author: Mumbai Samachar Team
ઓડિશામાં ભારે વરસાદનો કહેર: 8,000થી વધુ લોકોનું સ્થળાંતર, પ્રધાનો દોડતા થયા

ભુવનેશ્વર/કોરાપુટ/મલકાનગિરીઃ ઓડિશાના કેટલાક ભાગોમાં પડોશી રાજ્ય આંધ્ર પ્રદેશમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસરના લીધે આજે ભારે વરસાદ પડ્યો હતો. જેને પગલે રાજ્ય સરકારને નીચાણવાળા અને ભૂસ્ખલન સંભવિત વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની ફરજ પડી હતી. 

રાજ્યમાં દક્ષિણના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની આશંકાને ધ્યાને લેતા સરકારે પરિસ્થિતિનો સામનો કરવા માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા બે વરિષ્ઠ પ્રધાનો રબી નારાયણ નાયક(પંચાયતી રાજ) અને ગોકુલાનંદ મલ્લિક(મત્સ્યઉદ્યોગ)ને અનુક્રમે કોરાપુટ અને ગજપતિ જિલ્લામાં મોકલ્યા હતા.

દક્ષિણ જિલ્લાઓમાંથી વધુ વરસાદ અને જળભરાવના અહેવાલો બાદ રાજ્ય સરકારે વધુ બે પ્રધાનો વિભૂતિ ભૂષણ જેના(પરિવહન) અને નિત્યાનંદ ગોંડ(શાળા અને જન શિક્ષણ)ને અનુક્રમે ગંજમ અને નબરંગપુર જિલ્લાઓની મુલાકાત લેવાનો નિર્દેશ આપ્યો હતો.

મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન સુરેશ પૂજારીએ જણાવ્યું કે રાહત કામગીરીની દેખરેખ અને નુકસાનની આકારણી માટે ચાર વરિષ્ઠ અધિકારીઓને પણ અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા છે. ડીપ ડિપ્રેશનની અસરના લીધે વરસી રહેલા વરસાદથી છ જિલ્લાઓ- ગંજમ, ગજપતિ, મલકાનગિરી, કોરાપુટ, રાયગડા અને નબરંગપુર પ્રભાવિત થયા છે.