મુંબઈઃ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીની મુશ્કેલીઓ વચ્ચે દિલ્હી કોર્ટ તરફથી મહત્વનો આદેશ આવ્યો છે. ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા રૂપિયા 200 કરોડના ખંડણી કેસમાં નોરા ફતેહીને સરકારી પક્ષના સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. દિલ્હી સ્થિત રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા તેને 2 નવેમ્બર, 2026ના રોજ કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
પૂરક ચાર્જશીટમાં નોરા ફતેહીનું નામ સાક્ષી તરીકે સામેલ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ કેસમાં દાખલ કરવામાં આવેલી ત્રીજી પૂરક ચાર્જશીટમાં નોરા ફતેહીનું નામ સાક્ષી તરીકે સામેલ કરવામાં આવ્યું છે. ચાર્જશીટમાં તેને સાક્ષી તરીકે દર્શાવવામાં આવી છે. આ મામલે નોરાને કોર્ટમાં હાજર રહી કેસ સંબંધિત માહિતી અને પોતાનું નિવેદન રજૂ કરવાનું રહેશે. જોકે, સમન્સ અંગે અભિનેત્રી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
નોરાએ સુકેશ સાથે અફેર હોવાના દાવાઓને ખોટા ગણાવ્યા
તાજેતરમાં એક પોડકાસ્ટમાં નોરાએ આ વિવાદ અંગે વાત કરતાં સુકેશ સાથે અફેર હોવાના દાવાઓને ખોટા ગણાવ્યા હતા. તેણે પોતે આ કેસમાં પીડિત હોવાનો દાવો કર્યો હતો. નોરાના જણાવ્યા અનુસાર, સુકેશ અને તેની પત્નીએ તેને મોંઘી ભેટો આપી હતી, પરંતુ તે સમયે તેને સુકેશની વાસ્તવિકતા વિશે જાણ નહોતી. આ મુદ્દે વાત કરતી વખતે અભિનેત્રી ભાવુક પણ થઈ હતી. સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા આ રૂપિયા 200 કરોડના ખંડણી કેસમાં નોરા ફતેહીને હવે કોર્ટમાં સાક્ષી તરીકે હાજર રહેવાનું છે.