Mon Nov 16 2026

Logo

નીતિન પટેલે કહ્યું, મારા કરતાં ગોપાલ- પરેશ માટે વધુ તાળીઓ પડે, બોલો માટે શું કરવું..

2026-11-01 19:31:14
Author: Chandrakant Kanoja
નીતિન પટેલે કહ્યું, મારા કરતાં ગોપાલ- પરેશ માટે વધુ તાળીઓ પડે, બોલો માટે શું કરવું..

મહેસાણા: ગુજરાતમાં મહેસાણામાં પાટીદાર મહાસંમેલનમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદને ભારે ચર્ચા જગાવી છે.આ સંમેલનમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી, આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે  પરેશ ધાનાણી અને ગોપાલ માટે વધુ તાળીઓ પડતા સ્ટેજ પરથી નીતિન પટેલે કહ્યું કે, મારા કરતા આ બંને માટે વધુ તાળીઓ પડી, બોલો માટે શું કરવું.. 

નીતિન કાકા કરમાઈ ગયા છે અને અમે  નવરા થઈ ગયાં

જ્યારે આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને સંબોધીને પરેશ ધાનાણીએ કહ્યું કે, નીતિન કાકા કરમાઈ ગયા છે અને અમે બધા નવરા થઈ ગયાં. આ રાજકીય મંચ નથી અને હું  સમાજનો દીકરો છું. સરદાર પટેલ  સાદગીનો પર્યાય હતા, સરદાર એટલે સ્વાવલંબી, સરદાર એટલે શિસ્તના સિપાહી હતા.

 છોકરાને ધારાસભ્ય બનવું હોય તો  સંસ્થા નથી 

જ્યારે સભાને સંબોધતા આપ ધારાસભ્ય  ગોપાલ ઇટલીયાએ કહ્યું કે, મારે એક ચિંતા વ્યક્ત કરવી છે. અહીં લાલજીભાઈએ એક લાખ છોકરાઓ પરણાવવાનો ટાર્ગેટ રજૂ કર્યો. હવે છોકરા પરણાવવા માટે એક સંસ્થા છે. છોકરાને આઈએએસ બનાવવાની એક સંસ્થા છે. છોકરા ભણાવવા માટેની એક આપણે ગણપત યુનિવર્સિટી સંસ્થા છે. છોકરા બીમાર પડે તોય એક સંસ્થા છે. છોકરાઓને જે-જે વસ્તુની જરૂર પડે એ બધી વસ્તુ માટે આપણી પાસે એક-એક સંસ્થા છે. પણ છોકરાને ધારાસભ્ય બનવું હોય તો તેના માટે  એક પણ  સંસ્થા નથી.

સંસ્થા ઉભી કરવી જોઇએ 

તેમણે વધુમાં જણાવ્યું કે, આપણે એક એવી સંસ્થા ઉભી કરવી જોઇએ જેમાં જો કો આપણા સમાજનો યુવાન જેને ઈશ્વરે નેતૃત્વના ગુણ આપ્યા હોય તેને આ સંસ્થા સમર્થન કરે અને રાજકારણ આગળ લાવે. તેમજ જો  સરદાર પટેલ નેતા ન હોત તો આટલું યોગદાન  ન આપી શક્યા હોત.
સરદાર પટેલને ઈશ્વરે નેતૃત્વના ગુણ આપ્યા તો એ પાર્ટીમાં ગયા, નેતા બન્યા અને સમાજ આખાને આગળ લઈ જવાનું કામ કર્યું. 

મહાસંમેલનમાં રાજ્યમાંથી પાટીદાર સમાજના અગ્રણીઓ જોડાયા 

ઉલ્લેખનીય છે કે, મહેસાણા નજીકના નુગર સ્થિત ચૌરાસી વિદ્યા સંકુલમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ ગ્રુપ દ્વારા પાટીદાર મહાસંમેલનનું આયોજન કરાયું હતું. આ મહાસંમેલનમાં રાજ્યમાંથી પાટીદાર સમાજના અગ્રણીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.