Mon Nov 16 2026

Logo

નવોદિત બૅટર નિકી પ્રસાદ વિશે દીપ્તિએ કહ્યું, `તે પહેલી આંતરરાષ્ટ્રીય મૅચ રમતી હોય એવું લાગતું જ નહોતું'

2026-10-17 18:06:28
Author: Ajay Motiwala
નવોદિત બૅટર નિકી પ્રસાદ વિશે દીપ્તિએ કહ્યું, `તે પહેલી આંતરરાષ્ટ્રીય મૅચ રમતી હોય એવું લાગતું જ નહોતું'

રાયપુરઃ શુક્રવારે અહીં ઝિમ્બાબ્વે સામેની પહેલી જ આંતરરાષ્ટ્રીય મૅચમાં ભારતને પરાજયની નામોશીથી બચાવનાર અનુભવી ક્રિકેટર દીપ્તિ શર્મા (49 રન, 37 બૉલ, આઠ ચોગ્ગા) અને પહેલી જ આંતરરાષ્ટ્રીય મૅચ રમનાર બૅટર નિકી પ્રસાદ (39 અણનમ, 35 બૉલ, છ ચોગ્ગા)ની જોડીએ ટીમને રોમાંચક વિજય અપાવ્યો ત્યારે ભારતીય ટીમે અને કરોડો ક્રિકેટપ્રેમીઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને આ મૅચ પછી દીપ્તિએ નિકી પ્રસાદ (Niki Prasad)ના ભરપૂર વખાણ કરતા કહ્યું હતું કે `સાચું કહું તો ડેબ્યૂ મૅચ રમતી હોય એવું લાગતું જ નહોતું. તે બહુ જ સરસ રમી. એવું લાગતું હતું કે તે અગાઉ ભારત વતી કેટલીક મૅચો રમી ચૂકી છે. તેનામાં ગજબનો આત્મવિશ્વાસ જોવા મળ્યો. ટીમને મોટી ભાગીદારીની જરૂર હતી ત્યારે તેણે એ રીતે ટીમને કામ લાગી અને મુશ્કેલ પરિસ્થિતિમાં વિજય અપાવ્યો. મને ખાતરી છે કે આ મૅચના પર્ફોર્મન્સથી તેને ઘણો આત્મવિશ્વાસ મળ્યો હશે.'

દીપ્તિ-નિકી સ્કોર 4/19 પરથી 5/101 સુધી લઈ ગઈ

સ્મૃતિ મંધાનાના સુકાનમાં ભારતીય ટીમને જીતવા ફક્ત 115 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ ખુદ સ્મૃતિ સહિત ચાર બૅટરની વિકેટ પહેલી ચાર ઓવરમાં માત્ર બાવીસ રનમાં પડી ગઈ હતી. શેફાલી વર્માની ચોથી વિકેટ ફક્ત 19 રનના ટોટલ પર પડી હતી. જોકે 29 વર્ષની પીઢ ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા સાથે 20 વર્ષીય નિકી પ્રસાદે ક્રીઝ પર જમાવટ કરી હતી અને તેઓ ટીમનું ટોટલ 101 રન સુધી લઈ ગયા હતા. ત્યારે 14મી ઓવરમાં દીપ્તિએ પોતાના 49મા રન પર વિકેટ ગુમાવી હતી, પણ એ પહેલાં તેણે ટીમને વિજયની નજીક લાવી દીધી હતી. ભારતે ચાર વિકેટ અને 26 બૉલ બાકી રાખીને 6/116ના સ્કોર સાથે વિજય નોંધાવ્યો હતો.

દીપ્તિ (Deepti)ની વિકેટ બાદ વિકેટકીપર રિચા ઘોષે સાત રન બનાવીને બિલવ્ડ બિઝા નામની સ્પિનરને કરીઅરની 24મી વિકેટ આપી હતી. પછીથી બે રન પર અણનમ રહેલી અરુંધતી રેડ્ડીએ નિકી સાથેની જોડીમાં ટીમને વિજય અપાવ્યો હતો.

ડ્રેસિંગ-રૂમમાં કોઈ જ ભયભીત નહોતુંઃ દીપ્તિ

દીપ્તિ શર્માએ મૅચ પછી પત્રકારોને એવું પણ કહ્યું હતું કે `ભારતીય ટીમને શરૂઆતમાં જ ઘણી વિકેટો ગુમાવી હતી, પરંતુ ડ્રેસિંગ-રૂમમાં જરા પણ ભયનું વાતાવરણ નહોતું. હું અને નિકી રમી રહ્યા હતા અને પછીથી રિચા ઘોષ અને અરુંધતી રેડ્ડીની બૅટિંગ પણ બાકી હતી. થોડું ઘણું માનસિક દબાણ તો હોય જ, એ સ્થિતિનો સામનો ન કરવો પડે તો ખેલાડીનું મજબૂત ઘડતર જ કેવી રીતે થાય અને ટીમ પણ કેવી રીતે સ્ટ્રૉન્ગ થાય! ટીમ તરીકે આવી જ સ્થિતિની જરૂર હોય છે જેમાં ખેલાડી આત્મવિશ્વાસથી રમીને ટીમને વિજય અપાવતી હોય છે.'