Fri Aug 14 2026

Logo

રણબીર કપૂરને રામની ભૂમિકા માટે પસંદ કરવા બદલ નિકિતા રાવલ ભડકીઃ બોયકોટની કરી માગ

2026-08-05 18:52:27
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: નિતેશ તિવારીની 'રામાયણ' ફિલ્મ આ વર્ષની સૌથી મોટી મેગા બજેટ ફિલ્મોમાંથી એક છે, જ્યારથી ટ્રેલર રિલીઝ થયું છે ત્યારે આ ફિલ્મને લઈને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. 'રામાયણ' ફિલ્મને લઈને વિવાદ પણ ઊભો થઈ શકે છે. આ ફિલ્મમાં અભિનેતા રણબીર કપૂરના રામ બનવા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે. 

અભિનેત્રી નિકિતા રાવલએ એક્ટરના જૂના બીફવાળા નિવેદનને આધારે તેનો વિરોધ કર્યો છે. અગાઉ પણ શ્રી રામલીલા મહાસંઘે પણ 'રામાયણ'ના મેકર્સને ચેતવણી આપી કહ્યું હતું કે તે રિલીઝ પહેલા આ ફિલ્મની સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખે, જો આ ફિલ્મમાં સનાતન સંસ્કૃતિ વિરુદ્ધ કોઈ પણ છેડછાડ મળશે તો તેઓ વિરોધ કરશે. 

બીફ ખાનાર રામ બની શકે નહીં

એક ઇન્ટરવ્યૂની વાતચીત દરમિયાન એક્ટ્રેસ નિકિતા રાવલે રણબીર કપૂરના રામ બનવા પર વિરોધ નોંધાવ્યો હતો. તેણે કહ્યું હતું કે તે પ્રભુ રામના પાત્ર માટે યોગ્ય પસંદગી નથી. જે માણસ બીફ ખાતું હોય તે કઈ રીતે આ પાત્ર ભજવી શકે છે. આ તો હિન્દુઓની લાગણી દુભાવવાનું કર્યું છે. તેને આગળ કહ્યું હતું કે 'વિચારો તે કેટલો નીચ અને ચરિત્રહીન માણસ છે. તમને શું લાગે છે કે આવો માણસ પ્રભુ રામના રોલને સમજી શકશે?'

ફિલ્મના મેકર્સ પર આકરા પ્રહારો 

નિકિતા રાવલે રણબીર કપૂરની કાસ્ટિંગને લઈને મેકર્સની પણ આકરી નિંદા કરી હતી. તેણે કહ્યું, 'જે માણસ બીફ ખાવા વિશે જાહેરમાં સ્પષ્ટતા કરી ચુક્યો છે તે જ આવું પાત્ર ભજવે તો ભગવાન રામની આસ્થા અને ચરિત્રનું હનન છે.' એટલું જ નહી, અભિનેત્રીએ તો હિન્દુ સંગઠનને પણ ચેતવણી આપી કે તેઓ આ મુદ્દે ચૂપ કેમ છે.' 

ફિલ્મને બોયકોટ કરવાની માગ કરી 

નિકિતા રાવલે બધાના મૌન પર નિશાન સાધતા કહ્યું હતું કે કોઈ કંઈ ન કહે પણ તે આ માણસ વિશે બોલશે. તેને માગ કરી કે રણબીર કપૂરને માફી માગવી જોઈએ, કારણકે આ કરોડો લોકોની આસ્થાનો સવાલ છે. જેટલું પાત્ર ભજવવાનું મહત્ત્વ છે તેટલું જ લોકોની લાગણીઓનું સમ્માન પણ જરૂરી છે. આ ફિલ્મને બોયકોટ કરવી જોઈએ. તે હેશટેગ બોયકોટ ચલાવતી રહેશે, એવું પણ તેણે સ્પષ્ટ કર્યું હતું.