નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકવાદી કાવતરા ઘડવાના આરોપસર તથા ઉશ્કેરણી બાબતે કેમ્પ આયોજિત કરવાના કેસમાં ગંભીર આરોપસર સામેલ એક અમેરિકન સહિત સાત વિદેશી નાગરિકને લઈ મંગળવારે એક ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે. તપાસ એજન્સીએ આરોપીઓ સામે ગેરકાયદે પ્રવૃતિ અધિનિયમ 1967 UAPAની કલમ 18 લગાવી હતી.
સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, ચાર્જશીટમાંથી તમામ આરોપીઓ સામે લગાવેલી આ કલમ દૂર કરવામાં આવી છે. માત્ર ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ 2025 અંતર્ગત કલમ 21 અને 23 લખવામાં આવી છે. આ બન્ને કલમમાં ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ અંતર્ગત સમજૂતી યોગ્ય ગુના અંતર્ગત આવે છે.
કોર્ટમાં શું બન્યું?
સુપ્રીમ કોર્ટના વકીલ રોહિત દાંડરિયાલે, જેમણે કોર્ટમાં આરોપીઓનું તરફી દલીલ રજૂ કરી હતી, તેમણે જણાવ્યું હતું કે આ કેસ તપાસ એજન્સી સામે એમની તપાસ સામે અનેક પ્રશ્નો ઊભા કરે છે. આરોપીઓની 180 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે, એજન્સીએ આતંકવાદી કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો.
એડવોકેટ રોહિતે જણાવ્યું હતું કે, તેમણે એજન્સીને જાણ કરી હતી કે વ્યક્તિઓ મુલાકાત માટે આવ્યા હતા અને તેમની પાસે બધા જરૂરી દસ્તાવેજો હતા. આમ છતાં, તેમને શરૂઆતમાં 30 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, જે સમયગાળો પછીથી 90 દિવસ સુધી લંબાવવામાં આવ્યો હતો.
આરોપીઓના વકીલે તપાસ એજન્સીને વિનંતી કરી કે, તેઓ હવે તેમને મુક્ત કરે, અને દલીલ કરી કે તપાસમાં દરેક પાસાને આવરી લેવામાં આવ્યો છે. આના જવાબમાં, એજન્સીએ જણાવ્યું હતું કે, અવાજના નમૂના એકત્રિત કરવા જેવી પ્રક્રિયાઓ હજુ બાકી છે અને અન્ય ઘણા પાસાઓની તપાસ બાકી છે.
વધારાના 90 દિવસનો સમય માગવામાં આવ્યો
પરિણામે, તેઓએ વધારાના 90 દિવસનો સમય માંગ્યો. એડવોકેટ રોહિત દાંડરિયાલના જણાવ્યા અનુસાર, 180 દિવસની તપાસ પછી પણ, એજન્સીને UAPA હેઠળ ગુનાના પુરાવા મળ્યા નથી. એજન્સીએ કોર્ટને જાણ કરી કે, ચાર્જશીટમાં UAPA જોગવાઈઓનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ એક આશ્ચર્યજનક કેસ છે.
એજન્સીના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે UAPA એંગલ અંગેની તપાસ હજુ પૂર્ણ થઈ નથી. હાલ પૂરતું, આ પાસું બાકી છે. જો વધુ તપાસમાં UAPA હેઠળ ગુનો બહાર આવે છે, તો રાષ્ટ્રીય તપાસ એજન્સી પૂરક ચાર્જશીટ દાખલ કરી શકે છે.
'ઇમિગ્રેશન અને વિદેશી અધિનિયમ' ની કલમ 21 અને 23 ત્રણ વર્ષની જેલની સજા અને દંડની જોગવાઈ કરે છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં અમેરિકાના નાગરિક મૈથ્યુ એરન વૈનડાઈક સહિત યુક્રેનના નાગરિક હુરબા પેટ્રો, સ્લીવિયાક તારાસ, ઈવાન સુકામાનોવ્સ્કી મારિયન હોચારુક મોક્સિવ અને કામિન્સ્કી વિક્ટરનો સમાવેશ થાય છે.
ટ્રમ્પ સરકારને કરી મહત્ત્વની અપીલ
આ કેસમાં, અમેરિકન નાગરિક વાનડાઇકના પરિવારે તાજેતરમાં જ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રને અપીલ કરી હતી, જેમાં તેમની મુક્તિની માગ કરવામાં આવી હતી. વાનડાઇકની માતા, શેરોન વાનડાઇકે, આ માટે રાજદ્વારી હસ્તક્ષેપની માંગ કરી હતી અને એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે પરિસ્થિતિને તેમના પરિવાર માટે કટોકટી તરીકે વર્ણવી હતી. એરોન વાનડાઇક વિશે બોલતા, તેમણે નોંધ્યું હતું કે તે મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કરે છે અને માનવતાવાદી કાર્ય માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. પરિણામે, તેઓએ યુએસ સરકારને તેમને સુરક્ષિત રીતે ઘરે લાવવા વિનંતી કરી છે.
કોર્ટને જાણ કરવામાં આવી હતી કે, આ સાત વિદેશી નાગરિકો મ્યાનમાર મુસાફરી કરતા પહેલા મિઝોરમમાં ગેરકાયદે રીતે પ્રવેશ્યા હતા. એવો આરોપ છે કે, તેઓએ ભારતમાં કાર્યરત આતંકવાદી સંગઠનોને ટેકો આપતા 'વંશીય સશસ્ત્ર જૂથો'ને તાલીમ આપી હતી. આ જૂથો મ્યાનમારમાં વિવિધ બળવાખોર જૂથો સાથે જોડાયેલા હતા જે દેશના લશ્કરને નિશાન બનાવે છે.