Mon Sep 07 2026

Logo

નેપાળની તબાહીમાં ચીનના સેંકડો નાગરિકો લાપતાઃ જિનપિંગના પગ નીચેથી જમીન ખસી ગઈ....

Kathmandu and Beijing   2026-08-27 15:29:20
Author: Mayur Patel
નેપાળની તબાહીમાં ચીનના સેંકડો નાગરિકો લાપતાઃ જિનપિંગના પગ નીચેથી જમીન ખસી ગઈ....

કાઠમંડુ/બેઇજિંગઃ તિબેટથી આવેલી નેપાળની અવકાશી આફતનો રેલો હવે ચીન સુધી પહોંચી રહ્યો છે. નેપાળમાં તબાહી મચાવનારા પૂરમાં હવે ચીનના નાગરિકો પણ ફસાયા હોવાના રિપોર્ટથી ડ્રેગનના પેટમાં ફાળ પડી છે. ચીન પ્રશાસન દ્વારા નેપાળને કથિત મોડા જાણ કરવાના અહેવાલ વચ્ચે ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે નેપાળમાં ભયાનક ભૂસ્ખલન અને પૂરથી પ્રભાવિત વિસ્તારમાં ચીનના આશરે 100 નાગરિકો લાપતા છે. તબાહીના વીડિયો જોઈને શી જિનપિંગ પણ કાંપી ઊઠ્યા છે.

બેઇજિંગમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાનએ કહ્યું કે ગુમ થયેલા ચીની નાગરિકોમાં પ્રવાસીઓ, યાત્રાળુઓ અને અન્ય લોકો સામેલ છે. ચીન, નેપાળ સાથે મળીને શોધ અને બચાવ અભિયાન માટે સતત સંપર્કમાં છે અને સંબંધિત દૂતાવાસોને પણ પરિસ્થિતિની જાણકારી આપવામાં આવી છે. 

ગુમ થયેલા વિદેશીઓની રાષ્ટ્રીયતા વિશે લિને કહ્યું કે આ અંગેની ચોક્કસ માહિતીની હજુ પુષ્ટિ કરવામાં આવી રહી છે. ચીન આ દુર્ઘટનામાં બચાવ કામગીરી માટે પૂરી તાકાતથી લાગેલું છે. ચીને PLA વેસ્ટર્ન થિયેટર કમાન્ડ, સશસ્ત્ર પોલીસ અને અન્ય ટીમોને મોકલી છે.

ચીનને પણ મોટું નુકસાન

આ ભૂસ્ખલનથી ચીનને મોટો ફટકો પડ્યો છે. નેપાળ-ચીનનું મુખ્ય લેન્ડ ક્રોસિંગ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ઇમારતો માટી/કાટમાળમાં દબાઈ ગઈ છે, મલ્ટિ-લેવલ પાર્કિંગ ધરાશાયી થઈ ગયું છે, કાર અને બસો વહી ગઈ છે. વીડિયોમાં પાણી અને માટીની દીવાલ ઇમારતો પર પડતી જોવા મળી છે. પોર્ટ સુધીના રસ્તાઓ સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે. નેપાળ-ચીન સરહદ પર આવેલા 'ફ્રેન્ડશિપ બ્રિજ' સાથે ઘણા કલાકો સુધી સંપર્ક થઈ શક્યો નહોતો. 
સંદેશાવ્યવહાર અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. અહીં ચીનની ટીમો પાવર ગ્રીડનું સમારકામ કરી રહી છે. સરકારે જનરેટર અને અન્ય સાધનો મોકલ્યા છે. આસપાસના જોખમી વિસ્તારોમાંથી ગામડાં ખાલી કરાવવામાં આવ્યા છે. ચીની અધિકારીઓને ઉપલા પ્રવાહમાં વધુ એક સરોવર હોવાની માહિતી મળી છે, જેથી તેની દેખરેખ વધારી દેવામાં આવી છે.

જિનપિંગ થયા સક્રિય

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બુધવારે સવારે દક્ષિણ-પશ્ચિમ ચીનના શિઝેંગ સ્વાયત્ત પ્રદેશમાં ગિરોંગ બોર્ડર પોર્ટ પર 'મડસ્લાઇડ'ને કારણે થયેલા નુકસાન બાદ ગુમ થયેલા લોકોની શોધ અને બચાવ માટે શક્ય તમામ પ્રયાસો કરવાનો આદેશ આપ્યો છે. તેમણે  ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા અને ઇજાગ્રસ્તોને સમયસર સારવાર આપવા જણાવ્યું હતું. 

વડા પ્રધાન લી કિયાંગે પણ નિર્દેશો જારી કર્યા છે, જેમાં ગુમ થયેલા અને પ્રભાવિત લોકોની સંખ્યાની તાત્કાલિક પુષ્ટિ કરવા તેમ જ બચાવ અને રાહત માટે દરેક શક્ય પ્રયાસ કરવા જણાવાયું છે. CPC સેન્ટ્રલ કમિટીના પોલિટિકલ બ્યુરોની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય લીએ વિદેશ મંત્રાલયને નિર્દેશ આપ્યો હતો કે તેઓ સંબંધિત દેશો સાથે વાતચીત અને સંકલન વધારે, તાત્કાલિક માહિતીની આપ-લે કરે અને બચાવ-રાહત કામગીરીને યોગ્ય રીતે સંભાળવા માટે સાથે મળીને કામ કરે.

CPC સેન્ટ્રલ કમિટીના પોલિટિકલ બ્યુરોના સભ્ય અને નાયબ વડા પ્રધાન ઝાંગ ગુઓકિંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને બચાવ તથા આપત્તિ વ્યવસ્થાપનની કામગીરીનું માર્ગદર્શન કર્યું હતું.
આ દરમિયાન નેપાળથી ભારત માટે સારા સમાચાર આવ્યા છે. અહીં નેપાળી સત્તાવાળાઓએ પૂર બાદ ગુમ થયેલા આશરે 100 ભારતીય પ્રવાસીઓને શોધી કાઢ્યા છે. નેપાળના અધિકારીઓએ 25 ચીની કામદારોને પણ સુરક્ષિત શોધી લીધા છે.