મુંબઈ: બોલિવૂડની જાણીતી પ્લેબેક સિંગર નીતિ મોહનના પિતા બૃજ મોહન શર્માનું 15 ઑક્ટોબર, 2026ના રોજ નિધન થયું હતું. નીતિ મોહને રવિવાર, 18 ઑક્ટોબરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પિતાની તસવીર શેર કરીને આ દુઃખદ સમાચાર આપ્યા હતા. પિતાના નિધનથી નીતિ મોહન સહિત સમગ્ર પરિવાર શોકમાં ડૂબી ગયો છે. નીતિએ પોતાના પિતાને પરિવારનો આધારસ્તંભ અને જીવનમાં સાચો માર્ગ બતાવનાર વ્યક્તિ ગણાવ્યા હતા.
નીતિ મોહને પોતાની ભાવુક પોસ્ટમાં લખ્યું હતું કે ભારે દુઃખ અને હૃદયના બોજ સાથે તે પોતાના પ્રિય પિતા બૃજ મોહન શર્માના નિધનના સમાચાર શેર કરી રહી છે. તેણે પિતાને પ્રેમાળ પતિ, પિતા અને પરિવારને માર્ગદર્શન આપનાર પ્રકાશ ગણાવ્યા હતા. નીતિના જણાવ્યા અનુસાર, પિતાની સમજદારી, દયાળુ સ્વભાવ, સંસ્કાર અને નિઃસ્વાર્થ પ્રેમ હંમેશાં પરિવારના હૃદયમાં જીવંત રહેશે.
તેણે વધુમાં લખ્યું કે પિતા હવે તેમની વચ્ચે નથી, પરંતુ તેમના આશીર્વાદ, શીખવેલી બાબતો અને તેમની સાથે જોડાયેલી સુંદર યાદો જીવનભર પરિવારને માર્ગદર્શન આપતી રહેશે. પિતાની વિદાયથી જીવનમાં ક્યારેય ન પૂરી શકાય તેવો ખાલીપો સર્જાયો છે, પરંતુ તેમનો પ્રેમ હંમેશાં દિલમાં જીવંત રહેશે. નીતિએ ભાવુક શબ્દોમાં લખ્યું હતું, 'પપ્પા અમે તમને ખૂબ યાદ કરીશું.'
નીતિની આ પોસ્ટ સામે આવ્યા બાદ ફિલ્મ અને સંગીત જગતની અનેક હસ્તીઓએ શોક વ્યક્ત કરીને પરિવારને સાંત્વના આપી હતી. જેમાં વરુણ ધવન, હૃતિક ધનજાની, નેહા ધૂપિયા, શંકર મહાદેવન, અનન્યા બિરલા, અપારશક્તિ ખુરાના અને મનીષ પૉલ સહિતની હસ્તીઓએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી..