Thu Nov 19 2026

Logo

દિવાળી પહેલા ખેડૂતોને ₹ ૨૫,૦૦૦ની સહાય આપો અને બાંધકામ માટે પાણી પુરવઠો બંધ કરો: NCP (SP)ની માંગ

2026-10-25 21:14:37
Author: Mumbai Samachar Team
દિવાળી પહેલા ખેડૂતોને ₹ ૨૫,૦૦૦ની સહાય આપો અને બાંધકામ માટે પાણી પુરવઠો બંધ કરો: NCP (SP)ની માંગ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ભવેલી ગંભીર દુષ્કાળની સ્થિતિને ધ્યાનમાં રાખીને એનસીપી (એસપી) એ રાજ્ય સરકાર સમક્ષ મહત્ત્વની માંગણીઓ મૂકી છે. એનસીપી (એસપી) એ મહારાષ્ટ્ર સરકારને અપીલ કરી છે કે દુષ્કાળની સ્થિતિને ધ્યાનમાં રાખીને બાંધકામ પ્રોજેક્ટ્સને આપવામાં આવતો પાણી પુરવઠો અટકાવવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતો માટેની આર્થિક સહાય દિવાળી પહેલા વધારીને ૨૫,૦૦૦ રૂપિયા કરવામાં આવે.

પત્રકારો સાથે વાત કરતા, એનસીપી (એસપી)ના નેતાઓ જિતેન્દ્ર આવ્હાડ અને શશિકાંત શિંદેએ આક્ષેપ કર્યો હતો કે પાણીની ફાળવણીના નિયમોની અવગણના કરવામાં આવી રહી છે અને ડેમમાંથી પાણી છોડવાના નિર્ણયો રાજકીય દબાણ હેઠળ લેવામાં આવી રહ્યા છે.

અહીં આવેલા યશવંતરાવ ચવ્હાણ સેન્ટર ખાતે એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે પક્ષની કોર કમિટીની બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે મહારાષ્ટ્રમાં દુષ્કાળની સ્થિતિની સમીક્ષા કરી હતી; રાજ્યના ૩૫૮ તાલુકાઓમાંથી ૩૦૫ તાલુકાઓમાં (એટલે કે ૮૫ ટકા તાલુકાઓમાં) સરકારે દુષ્કાળ જાહેર કર્યો છે. પવારે એનસીપી (એસપી)ના સાંસદો, ધારાસભ્યો અને અન્ય નેતાઓ પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે દુષ્કાળનો સામનો કરવા માટે જરૂરી વધારાના પગલાં, આગામી મહિનાઓમાં ઊભા થઈ શકે તેવા પડકારો અને તેને પહોંચી વળવા માટે જરૂરી આયોજન અંગે ચર્ચા કરી હતી.

બિલ્ડરોની પરિયોજનાઓ માટે પાણીની ફાળવણી તાત્કાલિક અટકાવવાની માંગ કરતા આવ્હાડે કહ્યું કે, વ્યાપારી હિતો કરતાં સામાન્ય નાગરિકો અને ખેડૂતોને પ્રાથમિકતા આપવી જોઈએ. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી ખેડૂત દીઠ ૫,૦૦૦ રૂપિયાની સહાયને અપૂરતી ગણાવતા, શિંદેએ માંગ કરી કે આ રકમ વધારીને ઓછામાં ઓછી ૨૫,૦૦૦ રૂપિયા કરવામાં આવે અને દિવાળી પહેલાં ચૂકવી દેવામાં આવે. તેમણે પશુધનને ઘાસચારો મળી રહે અને તેમની યોગ્ય સંભાળ લેવાય તે માટે 'કેટલ કેમ્પ' (પશુ શિબિરો) શરૂ કરવાની પણ અપીલ કરી હતી.

શિંદેએ દુષ્કાળ દરમિયાન બળજબરીથી લોનની વસૂલાત ન કરવા અંગે રાજ્ય સરકારની સૂચનાઓ હોવા છતાં, માઇક્રોફાઇનાન્સ કંપનીઓ અને ધિરાણકર્તાઓ દ્વારા નાના લોનધારક ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યા હોવા અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે ખેડૂતોની મુશ્કેલીઓ વધતી અટકાવવા માટે આવા ધિરાણકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી.

પીટીઆઈ