Thu Nov 19 2026

Logo

નૅશનલ પાર્કમાં શિકારી જ બન્યો શિકાર, મોબાઈલની ફ્લૅશ લાઈટને પ્રાણીની આંખ સમજી ગોળી ચલાવતાં સાથીનું મોત

2026-10-21 21:10:31
Author: Yogesh C. Patel
નૅશનલ પાર્કમાં શિકારી જ બન્યો શિકાર, મોબાઈલની ફ્લૅશ લાઈટને પ્રાણીની આંખ સમજી ગોળી ચલાવતાં સાથીનું મોત

ડૉક્ટરે વીડિયો કૉલથી શબ જોઈને ડેથ સર્ટિફિકેટ આપી દેતાં મૃતદેહ બાળવામાં આવ્યો: સાત વિરુદ્ધ ગુનો નોંધી બેની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
સંજય ગાંધી નૅશનલ પાર્કમાં બનેલી વિચિત્ર ઘટનામાં જંગલી જનાવરોનો શિકાર કરવા ગયેલી ટોળકીમાંથી એક જણે મોબાઈલ ફોનની ફ્લૅશ લાઈટને પ્રાણીની આંખ સમજી ગોળી મારી હતી. ગોળી વાગવાને કારણે શિકારીઓના સાથીનું મોત નીપજ્યું હતું, જ્યારે બે ગંભીર રીતે ઘવાયા હતા. આશ્ર્ચર્યજનક રીતે હૉસ્પિટલના ડૉક્ટરે વીડિયો કૉલ પર શબ જોઈને ડેથ સર્ટિફિકેટ આપતાં પોલીસની જાણબહાર મૃતદેહને બાળી દેવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે સાત આરોપી વિરુદ્ધ ગુનો નોંધી બેની ધરપકડ કરી હતી.

કાશીગાવ પોલીસના જણાવ્યા મુજબ સોમવારની રાતે બનેલી ઘટના પ્રકરણે મહેશ ગાયકર (52), રોહિત સાપટે (21), કલ્પેશ ડગલા (25), કુણાલ શેલાર (31), કાઠોડ લાબડ (55), પ્રવીણ જાધવ (55) અને ડૉ. રાજેશ પાલાંડે (56) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ મહેશ ગાયકર અને કાઠોડ લાબડની ધરપકડ કરવામાં આવી હતી.

ઘોડબંદર રોડ પરના ચેનાગાંવમાં વેલકરી પાડામાં રહેતો વિજય સાપટે (60) સાથીઓ સાથે નૅશનલ પાર્કના જંગલમાં જંગલ જનાવરોનો શિકાર કરવા ગયો હતો, જ્યાં ગોળી વાગવાથી તેનું મૃત્યુ થયું હોવાની માહિતી કાશીગાવ પોલીસને મંગળવારની સવારે મળી હતી. સાપટેના દીકરા રોહિત અને ગામના અન્ય લોકોની પૂછપરછ કરતાં પહેલાં તેમણે ઉડાઉ જવાબ આપ્યા હતા, પરંતુ બાદમાં પોલીસની આકરી પૂછપરછમાં હકીકત સામે આવી હતી.

તપાસમાં જણાયું હતું કે વિજય સાપટે તેના છ સાથી સાથે આગલી રાતે નવ વાગ્યાની આસપાસ જંગલમાં શિકાર માટે ગયો હતો. આ ટોળકીમાંથી બે જણ પાસે બંદુક હતી. એક સાથીના મોબાઈલ ફોનની ફ્લૅશ લાઈટ થતાં જાનવરની આંખ સમજી એક સાથીએ એ દિશામાં ગોળી ચલાવી હતી. ગોળી વિજયની છાતીમાં વાગી હતી અને તેના છરા અન્ય બે સાથીને વાગ્યા હતા. 

ગંભીર હાલતમાં વિજયને જંગલમાંથી બહાર લાવવામાં આવ્યો ત્યારે તે મૃત્યુ પામ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરિણામે શિકાર અને ઘટના અંગે કોઈને જાણ ન થાય તે માટે ડૉ. રાજેશ પાલાંડેનો સંપર્ક સાધ્યો હતો. ડૉક્ટરે વૉટ્સઍપ વીડિયો કૉલ પર જ શબને જોઈ ડેથ સર્ટિફિકેટ આપી દીધું હતું. એ સર્ટિફિકેટની મદદથી ચેનાગાવ ખાતેની સ્મશાનભૂમિમાં વિજયના શબના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. પોલીસે વિજયના દીકરા રોહિત અને ડૉક્ટર વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો હતો.