Sun Sep 13 2026

Logo

બંગાળમાં મોદીએ TMCની પોલ ખોલી, કહ્યું રાજ્યમાં સરકારી નોકરીમાં સિન્ડિકેટ

2026-04-05 18:35:00
Author: Mumbai Samachar Team
બંગાળમાં મોદીએ TMCની પોલ ખોલી, કહ્યું રાજ્યમાં સરકારી નોકરીમાં સિન્ડિકેટ

કૉલકાતાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના કુચબિહારમાં એક જનસભા સંબોધી હતી, જેમાં વડાપ્રધાન મોદીએ TMC પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, તૃણમુલ કોંગ્રેસ ભ્રષ્ટાચાર અને ભયની રાજનીતિ કરે છે. હેલિપેડથી લઈને સભાસ્થળ સુધી લોકોનો પ્રેમ અને માહોલ જોવા મળ્યો છે. આવા ઉત્સાહ સામે બીજા કેટલાક રોડ શૉ પણ ફિક્કા પડી જાય. 

જનસમર્થને તમામ રેકોર્ડ તોડ્યા
આ પહેલા પણ આ મેદાનમાં અનેક નેતા આવ્યા પણ આ જનસમર્થને તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. આ ભીડ અને જનસમર્થન નવા બંગાળ અને ઉજ્જળ ભવિષ્ય માટે જનતાના વિશ્વાસને દર્શાવે છે. વડાપ્રધાને બંગાળના નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો. વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધન કરતા કહ્યું હતું કે, આ વખતેની ચૂંટણીમાં બે વિકલ્પો સ્પષ્ટ છે, એક તૃણમૂલ કોંગ્રેસનો ભય અને ભાજપનો ભરોસો. તૃણમૂલ કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર છે, કટકી થઈ રહી છે. ભાજપ વિકાસને રફતાર આપવાનો વાયદો કરે છે. ભરોસો આપે છે. એકબાજુ ઘુસણખોર અંદર આવી જાય એનો ભય છે, બીજી બાજુ ભાજપ ઘુસણખોરોને રોકવા અને એમને દૂર કરવા માટેનો ભરોસો આપી રહી છે. 

લોકતંત્રને નબળું પાડવાના પ્રયાસ
પશ્ચિમ બંગાળમાં બદલી રહેલી ડેમોગ્રાફીના કારણે લોકો પોતાની જ જમીન પર અસુરક્ષિત અનુભવ કરી રહ્યા છે. હવે આવા લોકો મતદાનના દિવસે પણ પ્રજાને ભયભીત કરી દેશે, ચૂંટણી પછી તૃણમૂલ કોંગ્રેસના પાપનો હિસાબ થશે. ગમે એટલે મોટો વ્યક્તિ કેમ ન હોય એનો હિસાબ કરાશે. બંગાળમાં લોકતંત્રને નબળુ પાડવાના પ્રયાસ થઈ રહ્યા છે. બંધારણીય સંસ્થાઓનું કોઈ સન્માન કરતું નથી. માલદાની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ કાયદો વ્યવસ્થાની સૌથી ખરાબ પરિસ્થિતિને અંકિત કરે છે. અહીંયા સુરક્ષા સામે જોખમ છે. 

વિકાસની ચમક ખતમ કરી દીધી
રાજનીતિમાં મહિલાઓને વધુ પડતી ભાગીદારી આપવા માટે સંસદ અને વિધાનસભામાં રીઝર્વેશનને કાયદો બનાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. આનો ફાયદો મહિલાઓને આગામી ચૂંટણીમાં થશે.હવે એ સમય આવી ચૂક્યો છે કે,લાંબા સમયથી બાકી રહેલા અધિકારોને લાગુ કરી દેવામાં આવે, મહિલાઓન ભાગીદારીને મજબૂત કરવામાં આવે, એક એવો પણ સમય હતો જ્યારે બંગાળને દેશનું સૌથી વિકસિત રાજ્ય માનવામાં આવતું હતું. વ્યાપાર, ઉદ્યોગ, કલા, સંસ્કૃતિ દરેક ક્ષેત્રમાં બંગાળ અગ્રેસર હતુ. એ પછી વામપંથી શાસન અને પછી તૃણમૂલ કોંગ્રેસે વિકાસની ચમકને ખતમ કરી નાંખી. 

તૃણમૂલ કોંગ્રેસે બંગાળને પાછળ મૂક્યું
પહેલા બંગાળના લોકો દેશા અન્ય લોકો કરતા વધારે કમાતા હતા પણ હવે હાલાત એવા છે કે, અહીંયા સામાન્ય લોકોની આવક સરેરાશ કરતા પણ ઓછી થઈ ગઈ છે. જ્યાં દેશના બાકીના રાજ્યો ઝડપથી આગળ વધી રહ્યા છે ત્યાં તૃણમૂલ કોંગ્રેસે બંગાળને પાછળ રાખી દીધું છે. દેશના બાકીના રાજ્યોમાં જ્યાં ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે ત્યાં બંગાળમાં ફેક્ટરીઓ છે એ બહાર જઈ રહી છે. પહેલા લોકો રોજગારી માટે બંગાળ આવતા હતા હવે બંગાળ પલાયન કેન્દ્ર બન્યું છે. સરકારી નોકરીઓમાં પણ તૃણમૂલ કોંગ્રેસની સિન્ડિકેટ કામ કરે છે. શિક્ષણ ભરતી વિવાદનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે, શિક્ષણ કૌભાંડમાં તૃણમૂલ કોંગ્રેસના મંત્રી અને ધારાસભ્યો પણ સામેલ હતા.ભ્રષ્ટાચાર અને કટકીએ યુવાનોનું ભાવિ બગાડી નાંખ્યું છે. 

રાજ્ય સરકાર સાથ આપતી નથી
ચૂંટણી સમયે તૃણમૂલ કોંગ્રેસ મોટા મોટા વાયદા કરે છે પણ ગ્રાઉન્ડ લેવલ પર હકીકત જુદી જ હોય છે. અનેક એવી યોજનાઓ અટકેલી પડી છે. જમીનના કેસ અટકી પડ્યા છે. લોકોને પાયાની સુવિધાઓ પણ મળતી નથી. અનેક યોજના અટકવા પાછળનું કારણ એ છે કે, રાજ્ય સરકાર સારા કામમાં સાથ આપતી નથી. દક્ષિણ દિનાપુર અને અલીપુરદ્વાર જેવા જિલ્લાઓ આજે પણ મેડિકલ કૉલેજ માટે રાહ જોઈને બેઠા છે.