નાંદેડ: મહારાષ્ટ્રના નાંદેડ નગર નિગમે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ વખતે ઓફિસના સમય દરમિયાન ફરજ પરથી ગેરહાજર જણાયેલા ૫૪ કર્મચારીઓને કારણદર્શાવો નોટિસ ફટકારવામાં આવી હતી.
સોમવારે સવારે નાંદેડ-વાઘાલા સિટી મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં એક વિશેષ નિરીક્ષણ ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. મ્યુનિસિપલ તંત્રએ જણાવ્યું હતું કે, ઓફિસના સમય દરમિયાન ૫૪ જેટલા કર્મચારીઓ તેમના કાર્યસ્થળ પર ગેરહાજર જણાયા હતા.
વહીવટીતંત્રે તમામ ૫૪ કર્મચારીઓ પાસેથી લેખિત ખુલાસો માંગ્યો છે અને પૂછ્યું છે કે ઓફિસના નિયમોના ઉલ્લંઘન બદલ તેમની સામે શિસ્તભંગના અને શિક્ષાત્મક પગલાં શા માટે ન લેવા જોઈએ.
નગરપાલિકાની કચેરીઓ લોકોને આવશ્યક સેવાઓ પૂરી પાડવા માટેના મુખ્ય કેન્દ્રો છે અને હાજરી, ગણવેશ પહેરવો તથા ઓળખપત્ર સાથે રાખવા બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં, તેમ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાએ ભારપૂર્વક જણાવ્યું હતું.