Thu Nov 19 2026

Logo

“સત્ય બદલાશે નહીં…” તનુશ્રી દત્તાના નિવેદનો વચ્ચે નાનાના પુત્ર મલ્હારનો સ્પષ્ટ જવાબ!

2026-10-16 22:16:02
Author: Mumbai Samachar Team
“સત્ય બદલાશે નહીં…” તનુશ્રી દત્તાના નિવેદનો વચ્ચે નાનાના પુત્ર મલ્હારનો સ્પષ્ટ જવાબ!

મુંબઈઃ સિનિયર એક્ટર નાના પાટેકરના નિધન બાદ, તેમનો પરિવાર અત્યંત મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ શોકના માહોલ વચ્ચે, તેમના પુત્ર મલ્હાર પાટેકરે પિતાના અવસાન પછીના પારિવારિક જીવન વિશે ખુલીને વાત કરી છે. તેમની સાથે જોડાયેલા વિવિધ વિવાદો પર પણ સ્પષ્ટતા કરી છે. એક મુલાકાત દરમિયાન, અભિનેત્રી તનુશ્રી દત્તા દ્વારા ભૂતકાળમાં કરવામાં આવેલા આરોપોનો જવાબ આપતા મલ્હારે કહ્યું કે, જે મુદ્દાને વારંવાર ઉછાળવામાં આવે છે, તે ક્યારનોય ઉકેલાઈ ચૂક્યો છે. 

અનેક દાવા પર સ્પષ્ટતા કરી
સોશિયલ મીડિયા પર ફરી રહેલા અનેક દાવાઓ જેમાં તેમના માતા-પિતાના સંબંધો અને નાના પાટેકરના જીવનના અંતિમ દિવસો વિશેની વાતો છે. તે તદ્દન ખોટા છે. મલ્હારે ભારપૂર્વક જણાવ્યું કે તેમના પિતા તેમના જીવનની અંતિમ ક્ષણોમાં એકલા નહોતા. પરિવારનો કોઈને કોઈ સભ્ય હંમેશા તેમની સાથે હાજર હતો. આ ઉપરાંત, તેમણે નાના પાટેકરના સામાજિક કાર્યો અને સિનેમા પ્રત્યેના તેમના દ્રષ્ટિકોણ વિશે પણ કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવી. મલ્હાર પાટેકરે તનુશ્રી દત્તા સાથે જોડાયેલા વિવાદ અંગે વાત કરી, જોકે તેમણે તેમનું નામ સ્પષ્ટપણે લીધું ન હતું.

તેમણે જણાવ્યું કે આ મામલો, જેને બિનજરૂરી રીતે ફરી ચર્ચામાં લાવવામાં આવી રહ્યો છે, તે ક્યારનોય પૂરો થઈ ચૂક્યો છે. મલ્હારના મતે, આ મુદ્દો ન્યાયિક પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂક્યો છે, તેથી તેના વિશે વારંવાર ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. 

હું કંઈ કહેવા માગતો નથી.
હું આવા લોકો વિશે કંઈ કહેવા માંગતો નથી. સત્ય એ સત્ય જ રહે છે. ભગવાન તેમનું ભલું કરે. મલ્હારના આ નિવેદનને નાના પાટેકર સાથે જોડાયેલા લાંબા સમયથી ચાલતા વિવાદના જવાબ તરીકે જોવામાં આવી રહ્યું છે. વર્ષ 2018માં તનુશ્રી દત્તાએ 'હોર્ન 'ઓકે' પ્લીઝ' (Horn 'OK' Pleassss) ફિલ્મનાં શૂટિંગ દરમિયાન નાના પાટેકર અને અન્ય લોકો પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. બાદમાં, ભારતમાં #MeToo (મી-ટૂ) આંદોલન દરમિયાન તેમણે આ મામલાને ફરી ઉઠાવ્યો હતો.

તા.8  ઓક્ટોબરે નાના પાટેકરના નિધન બાદ, તનુશ્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો, જેમાં તેમણે અભિનેતા પ્રત્યે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, તેઓ તે કથિત ઘટનાને કે તે સમયે તેમની સાથે જે વર્તાવ કરવામાં આવ્યો હતો તેને ક્યારેય ભૂલી શકતા નથી.

પતિ-પત્ની વચ્ચેના સંબંધો અંગે કહ્યું
મલ્હાર પાટેકરે તેના માતા-પિતા, નાના પાટેકર અને નીલકાંતિ પાટેકર વચ્ચેના સંબંધો અંગેના અહેવાલો પર પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર જે વાતો ફેલાઈ રહી છે, તેમાંથી મોટાભાગની બાબતો ખોટી છે. માત્ર એટલા માટે કે તેમનો પરિવાર ઇન્સ્ટાગ્રામ પર સાથે તસવીરો શેર કરતો નથી, તેનો અર્થ એ નથી કે તેમની વચ્ચે કોઈ સંબંધ કે જોડાણ નથી. પ્રેમાળ પરિવારમાં ઉછર્યો છું અને માતા-પિતાએ તેને એક અદ્ભુત બાળપણ આપ્યું છે.

તેણે વધુમાં ઉમેર્યું કે, સમય જતાં તેના માતા-પિતાના સંબંધોમાં કદાચ બદલાવ આવ્યો હશે, પરંતુ પરસ્પર આદર હંમેશા જળવાઈ રહ્યો છે. તેના કહેવા મુજબ, તેના માતા-પિતા લગભગ 38-39 વર્ષથી સાથે છે, અને બહારથી જોઈને કોઈ પરિવારની વાસ્તવિક પરિસ્થિતિને સંપૂર્ણપણે સમજી શકાતી નથી. મલ્હારની આ પ્રતિક્રિયાનો ઉદ્દેશ્ય નાના અને નીલકાંતિ વચ્ચેના સંબંધોના સ્વરૂપ અંગે ચાલી રહેલી અટકળોને સ્પષ્ટ કરવાનો હતો.

અટકળો પર અલ્પવિરામ
નાના પાટેકરના નિધન બાદ, એવી અટકળો વહેતી થઈ હતી કે શું અભિનેતા તેમના અંતિમ દિવસોમાં એકલા હતા અથવા શું તેઓ લાંબા સમયથી ખરાબ રીતે પીડાઈ રહ્યા હતા. આ દાવાઓને નકારી કાઢતા, મલ્હારે જણાવ્યું કે તેમના પિતા ક્યારેય એકલા નહોતા. પરિવારનો કોઈને કોઈ સભ્ય હંમેશા તેમની સાથે રહેતો હતો અને દરેક વ્યક્તિએ તેમની ખૂબ સારી સંભાળ રાખી હતી. મલ્હારે જણાવ્યું કે નાના પાટેકર તેમના અંતિમ દિવસો સુધી ખૂબ જ સક્રિય હતા.

તેઓ નિયમિતપણે જિમમાં જતા અને લગભગ અઢી કલાક સુધી કસરત કરતા હતા. મલ્હારના જણાવ્યા અનુસાર, તેમના પિતાનું ફિટનેસ લેવલ એટલું ઊંચું હતું કે ઘણા યુવાનોને પણ આટલા લાંબા સમય સુધી કસરત કરવામાં મુશ્કેલી પડે.  પરિવારે ક્યારેય તેમના પિતાનો સાથ છોડ્યો ન હતો  અને તેમના સ્વાસ્થ્ય વિશે ફેલાઈ રહેલી અટકળો વાસ્તવિક પરિસ્થિતિને દર્શાવતી નથી.