નાના પાટેકરે ‘રિયલ લાઇફ હીરો’ બનીને લાખો ખેડૂતોની જિંદગીમાં પરિવર્તન આણ્યું હતું
- આશુ પટેલ
નાના પાટેકર
થોડા દિવસ અગાઉ પ્રખ્યાત ફિલ્મ અભિનેતા નાના પાટેકરનું અવસાન થયું એ પછી તેમના વિશે ઘણું લખાયું. નાના પાટેકર એક ઉત્તમ અભિનેતા હતા, ભયંકર ગુસ્સાવાળા માણસ હતા, અલગારી પ્રકૃતિના હતા અને જાતે ખેતી પણ કરતા હતા અને ખેતરમાં રહેવાનું પસંદ કરતા, ઇત્યાદિ એવી ઘણી વાતો તેમના વિશે લખાઈ, પણ તે ઘણા ગરીબ માણસો માટે સુખના પાસવર્ડ સમા હતા એ વિશે બહુ ઓછું લખાયું છે.
નાના પાટેકરને લોકો એક સશક્ત અભિનેતા તરીકે ઓળખતા હતા. તેમની આંખોમાં દેખાતો આક્રોશ, સંવાદો બોલવાની આગવી શૈલી અને પાત્રમાં જીવ રેડી દેવાની ક્ષમતા તેમને અન્ય કલાકારોથી અલગ પાડતી હતી. જોકે તેમના વ્યક્તિત્વનું એક એવું પાસું પણ હતું જે ફિલ્મોના પડદા કરતાં ઘણું વિશાળ હતું. ખેડૂતો અને ગ્રામીણ પરિવારો પ્રત્યેની તેમની વેદના- સંવેદના તેમને બીજા કલાકારોથી અલગ પાડતી હતી.
2015નાં વર્ષમાં મહારાષ્ટ્રના મરાઠવાડા અને વિદર્ભના સંખ્યાબંધ ખેડૂતો દુકાળ, પાક નિષ્ફળ જવાની સમસ્યા અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. ખેડૂતો માટે ખેતીનો ખર્ચ કાઢવો મુશ્કેલ બની રહ્યો હતો, પરિવારો પર દેવાનો બોજ વધતો હતો અને અનેક ઘરોમાં ભવિષ્ય વિશેની આશા ધૂંધળી બની રહી હતી. એ સમયે નાના પાટેકરે ટીવી પર એક ખેડૂતના મૃત્યુ પછી તેના પરિવારની સ્થિતિ અંગેનો રિપોર્ટ જોયો હતો. એમાં એ પરિવારની વેદના અને આર્થિક મુશ્કેલી દર્શાવાઈ હતી એ જોઈને તે અંદરથી હચમચી ગયા.
નાનાએ તે સમયે મોંઘી કાર ખરીદવા માટે આશરે દોઢ કરોડ રૂપિયા ભેગા કર્યા હતા, પરંતુ તે અજાણ્યા ખેડૂત પરિવારની સ્થિતિ જોઈને તેમને વિચાર આવ્યો કે પોતાની સુખસગવડ માટે આટલી મોટી રકમ ખર્ચવાને બદલે તેનો ઉપયોગ કોઈના જીવનમાં આશા જગાડવા માટે કેમ ન કરવો?
એ વિચારને કારણે તેમના જીવનમાં વળાંક આવ્યો. તેમણે શરૂઆતમાં એક હજાર ખેડૂતોના પરિવારોને 15,000 રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું. જોકે આ કામ આગળ વધારતાં તેમને સમજાયું કે કોઈ પરિવારને એક વખત નાણાં આપી દેવાથી તેની તમામ મુશ્કેલીઓ દૂર થતી નથી. ગરીબીને કારણે કેટલાય ખેડૂતો આત્મહત્યા કરી લેતા હોય છે. એવા ખેડૂતોની વિધવાઓ અને બાળકોની ચિંતા તેમના મનમાં જાગી. ખેડૂતના પરિવારમાં કમાનારી વ્યક્તિ ન રહી હોય, તો પાછળ રહી ગયેલી પત્ની, બાળકો અને વૃદ્ધ માતા-પિતાનું જીવન કેવી રીતે ચાલશે? બાળકોનો અભ્યાસ કેવી રીતે ચાલુ રહેશે? બીમારી આવે તો સારવારનો ખર્ચ ક્યાંથી નીકળશે? ખેતી માટે પાણી ન હોય તો આગામી પાક કેવી રીતે ઊગશે?
આ બધા સવાલોએ નાનાને માત્ર વ્યક્તિગત સહાયથી આગળ વિચારવા પ્રેર્યા. નાનાએ ખેડૂતોના પરિવારોને મળીને તેમની પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો. તેમને સમજાયું કે જરૂરતમંદ પરિવારોને માત્ર સહાનુભૂતિ નહીં, પરંતુ એવી વ્યવસ્થાની જરૂર છે જે તેમને ફરી પોતાના પગ પર ઊભા થવામાં મદદ કરે.
તેમણે ‘નામ ફાઉન્ડેશન’ની સ્થાપના કરી અને ગરીબ ખેડૂતોનાં જીવનમાં પ્રદાન શરૂ કર્યું. તેમના એ અભિયાનને લોકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. શરૂઆતના સમયમાં જ સંસ્થાને મોટી રકમનું દાન મળવા લાગ્યું.
નાના પાટેકરની લોકપ્રિયતાને કારણે તેમના અભિયાન તરફ લોકોનું ધ્યાન ખેંચાયું અને નાનાને વધુ સહયોગ મળવા માંડ્યો. એ પછી નામ ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોના પરિવારોને નાણાકીય મદદ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય અને આજીવિકા માટે સહાય પહોંચાડવાના પ્રયાસો શરૂ થયા. 2016-17 દરમિયાન મરાઠવાડાના આશરે 500 ખેડૂતોની વિધવાઓ માટે આરોગ્ય કાર્ડની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્ડના આધારે તેઓ છત્રપતિ સંભાજીનગરની મહાત્મા ગાંધી મિશન હૉસ્પિટલમાં નિ:શુલ્ક સારવાર મેળવી શકતી હતી. આ વ્યવસ્થા લગભગ પાંચ વર્ષ સુધી ચાલી હતી. સંબંધિત શૈક્ષણિક સંસ્થાએ આ પરિવારોનાં બાળકોનાં શિક્ષણ માટે પણ સહાય આપી હતી.
નાના પાટેકરના સેવાકાર્યનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે તેમણે ખેડૂતોની સમસ્યાને માત્ર આર્થિક સંકટ તરીકે જોઈ નહોતી. તેમને સમજાયું કે ખેતીની સફળતા માટે પાણી જરૂરી છે. વરસાદ ઓછો પડે, જળાશયો સુકાઈ જાય અને ભૂગર્ભ જળનું સ્તર ઘટે તો ખેડૂતની મહેનત છતાં પાક નિષ્ફળ જઈ શકે છે.
આથી નામ ફાઉન્ડેશને જળસંચય અને જળસ્રોતોના પુનર્જીવન પર ભાર મૂક્યો. તેમની સંસ્થાએ નદીઓ અને નાળાં ઊંડાં કરવાનું, જળાશયોમાંથી કાંપ દૂર કરવાનું, જૂની નહેરોનું સમારકામ કરવાનું, બંધ પડેલી જળયોજનાઓને પુનર્જીવિત કરવાનું અને ભૂગર્ભ જળનું સ્તર સુધારવાનું જેવાં અનેક કાર્યો હાથ ધર્યાં.
નામ ફાઉન્ડેશન દ્વારા 2015થી 2025ના દાયકા દરમિયાન જળસંરક્ષણના પ્રયાસોથી 2,246 જળસ્રોતોનું પુન:સ્થાપન કરવામાં આવ્યું અને 178 નદીઓના પુનર્જીવન માટે કામ થયું. સંસ્થાએ 515 નાળાં અને નાની જળધારાઓ તથા 769 જળસંચય માળખાં પર પણ કામ કર્યું. આ પ્રવૃત્તિઓથી 77 લાખથી વધુ ખેડૂતોને લાભ પહોંચ્યો.
નાનાએ પોતાની લોકપ્રિયતાનો ઉપયોગ દાતાઓ, સ્વયંસેવકો, સ્થાનિક લોકોનો સહયોગ મેળવવા કર્યો. તેમણે ખેડૂતોને માત્ર આર્થિક રાહત આપવાને બદલે તેમની આવક વધારવાના માર્ગો વિશે પણ વિચાર્યું. 2017ના વર્ષમાં તેમણે સામૂહિક ખેતીની પહેલ કરી હતી. તેમનો વિચાર એ હતો કે ખેડૂતોની મદદ માત્ર તેમની મુશ્કેલીના સમયે પૈસા આપવા પૂરતી ન હોવી જોઈએ. ખેતી વધુ વ્યવસ્થિત બને, ઉત્પાદનનું યોગ્ય વેચાણ થાય અને આવકમાં સ્થિરતા આવે તો ખેડૂત પરિવારને ભવિષ્ય માટે વધુ સુરક્ષા મળી શકે છે.
નાનાએ વિચાર્યું કે આત્મહત્યા કરનારા ખેડૂતોની વિધવા પત્નીઓને સહાય કરવા કરતાં તેમને સ્વાવલંબી બનાવવાનું કામ વધુ મહત્ત્વનું છે. તેમણે જોયું હતું કે કોઈ ખેડૂતના મૃત્યુ પછી તેની પત્ની પર ઘણી જવાબદારીઓ આવી પડે છે. પરિવારનું ભરણપોષણ, બાળકોનો અભ્યાસ અને ઘરખર્ચની સાથે ખેતી કે અન્ય કામની જવાબદારી પણ તેણે સંભાળવી પડે છે. તેમણે જરૂરતમંદ મહિલાઓને આજીવિકાનાં સાધનો પૂરાં પાડવાના પ્રયાસો કર્યા.
માણસના જીવનની સફળતાનો માપદંડ આર્થિક સફળતા જ ન હોવો જોઈએ. પોતાના માટે તો લગભગ બધા માણસો જીવતા હોય છે, પણ બીજાને મદદરૂપ બનવાની ભાવના સાથે બહુ ઓછા લોકો જીવતા હોય છે. નાના પાટેકર એમાંના એક હતા.