ક્રાઇસ્ટચર્ચઃ ટી-20 આંતરરાષ્ટ્રીયમાં ભારતને મૅચ ફિનિશ કરવા માટે નવો વિકલ્પ મળી ગયો છે. નમન ધીરે છેલ્લી બે ટી-20માં ભારતને વિજય સાથે મૅચ ફિનિશ કરી આપવામાં જે યોગદાન આપ્યું એના પરથી ભારતીય ક્રિકેટમાં એવી ચર્ચા છે કે આ સ્પિન-ઑલરાઉન્ડરના ટીમ ઇન્ડિયામાં ઓચિંતા આગમનને લીધે લગભગ ત્રણ ખેલાડી માટે ટીમમાં સ્થાન ટકાવી રાખવું મુશ્કેલ છે.
17મી ઑક્ટોબરે નમન ધીરે વેસ્ટ ઇન્ડિઝ સામેની નિર્ણાયક ટી-20 મૅચમાં નવ મિનિટ સુધી ક્રીઝમાં રહીને માત્ર છ બૉલમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી અણનમ 24 રન બનાવીને પોતાની બૅટિંગ તાકાતની માત્ર ઝલક આપી હતી. એ મૅચ વરસાદને કારણે પૂરી ન રમાતાં સિરીઝ 2-2થી ડ્રૉમાં ગઈ હતી, પરંતુ પાંચ જ દિવસ બાદ નમને ક્રાઇસ્ટચર્ચની કઠિન પિચ ઉપર ન્યૂ ઝીલૅન્ડ સામેની ટી-20માં 15 બૉલમાં બે સિક્સર અને પાંચ ફોરની મદદથી અણનમ 42 રન બનાવીને ભારતને છેલ્લી ઓવરમાં 230 રનનો મોટો લક્ષ્યાંક અપાવ્યો હતો.
એટલું જ નહીં, શનિવારે નમન ધીરે કિવીઓ સામેની બીજી મૅચમાં કટોકટીના સમયે તિલક વર્માને સાથ આપીને 17 બૉલમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતા. તેણે તિલક સાથે 42 રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી અને ત્યાર પછી તિલકે નીતીશ રેડ્ડી (26 અણનમ) સાથેની 69 રનની અતૂટ ભાગીદારીથી ભારતને વિજય અપાવ્યો હતો.
નમન ધીર (Naman Dhir)એ અચાનક જ મિડલ-ઑર્ડરમાં મૅચ ફિનિશર (Finisher) તરીકેની ક્ષમતા બતાવી હોવાથી રિન્કુ સિંહ તેમ જ બે ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર અને શિવમ દુબે માટે આવનારા દિવસો મુશ્કેલ બનાવી દીધા છે એમ કહી શકાય.
રિન્કુ સિંહ પાવરફુલ ફિનિશર છે, પરંતુ નમન ધીરે સ્પિન બોલિંગના વિકલ્પ ઉપરાંત રિન્કુ જેવા જ આક્રમક ફિનિશરની ક્ષમતા દેખાડી હોવાથી ટીમ મૅનેજમેન્ટ મૂંઝવણમાં છે. વૉશિંગ્ટનના રૂપમાં ભારત પાસે ઉપયોગી સ્પિન-ઑલરાઉન્ડર છે, પણ નમન ધીરે અનાયાસે તેનો વિકલ્પ બનવાની કાબેલિયત પણ બતાવી છે. શિવમ દુબે પેસ બોલિંગ ઑલરાઉન્ડર છે, પરંતુ તેણે નીતીશ રેડ્ડી ઉપરાંત હવે નમન ધીરની હરીફાઈનો પણ સામનો કરવો પડશે.