Thu Nov 19 2026

Logo

મ્યુચ્યુઅલ ફંડ હાઉસોએ સોનાના ફંડ ઑફ ફંડનાં નવા ભરણા હાલ પૂરતા બંધ કર્યા

2026-10-16 21:08:37
Author: Ramesh Gohil
મ્યુચ્યુઅલ ફંડ હાઉસોએ સોનાના ફંડ ઑફ ફંડનાં નવા ભરણા હાલ પૂરતા બંધ કર્યા

નવી દિલ્હીઃ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ અને કોટક મ્યુચ્યુઅલ ફંડ સહિત ડઝનબંધ મ્યુચ્યુઅલ ફંડ હાઉસોએ આજથી કામચલાઉ ધોરણે તેના સોનાના ફંડ ઑફ ફંડ (એફઓએફ)નાં નવાં ભરણા અથવા તો સબસ્ક્રિપ્શન સ્વીકારવાનું પ્રતિબંધિત કર્યું છે. 

આગામી નોટિસ જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે, એમ ફંડ હાઉસોએ જાહેર કરેલી નોટિસમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે ફંડ ઑફ ફંડ અંતર્ગત રોકાણ હાજર સ્વરૂપે સોનું ન ખરીદતા તે નાણાનું રોકાણ સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં થતું હોય છે. આ પ્રતિબંધ હેઠળ ઉચક રકમમાં થતાં રોકાણ, સ્વિચ ઈન ટ્રાન્ઝેક્શન તથા નવાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) અને સિસ્ટેમેટિક ટ્રાન્સફર પ્લાન સહિત અને સ્કીમોના આંતરપ્રવાહનો આવરી લેવામાં આવ્યા છે. 

આ પ્રતિબંધ અંગે ઈન ક્રેડ મની મ્યુચ્યુઅલ ફંડનાં ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર નીતિન અગ્રવાલે જણાવ્યું હતું કે હાલમાં ઈક્વિટી માર્કેટમાં જોવા મળેલા ઘટાડા અને ડેબ્ટ ફંડોમાં વળતરની અનિશ્ચિતતાને કારણે સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં જોવા મળતું રોકાણ સંરક્ષણાત્મક મૂડી રોકાણ છે, સટ્ટાકીય નથી. 

અમુક ફંડ હાઉસોએ સોના ઉપરાંત ચાંદીનાં એફઓએફ સુધી વિસ્તારિત કર્યો છે. નોંધનીય બાબત એ છે કે દશેરા, ધનતેરસ અને દિવાળી જેવાં સોનાની ખરીદી માટેનાં સપરમાં દહાડા નજીક આવી રહ્યા છે ત્યારે મુકવામાં આવેલા આ પ્રતિબંધની માગ પર માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. બજારના હિસ્સેધારકોના જણાવ્યાનુસાર સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયાના નિર્દેશ અનુસાર આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને હજુ વધુ ફંડ હાઉસો પ્રતિબંધ મૂકે તેવી શક્યતા છે. જોકે, ફંડ હાઉસો દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં પ્રતિબંધનું કોઈ કારણ દર્શાવવામાં નથી આવ્યું. 

નોટિસ અનુસાર રોકાણકારો તેનાં હાલના રોકાણ છૂટા કરી શકશે, જ્યારે રજિસ્ટર્ડ એસઆઈપી અને અન્ય માન્યતાપ્રાપ્ત એસઆઈપીમાં રોકાણની પ્રક્રિયા યથાવત્‌‍ રહેશે. જે ફંડોએ પ્રતિબંધની જાહેરાત કરી છે તેમાં એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, ટાટા મ્યુચ્યુઅલ ફંડ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ, ઝીરોદા મ્યુચ્યુઅલ ફંડ, ગ્રો મ્યુચ્યુઅલ ફંડ, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, એચએસબીસી મ્યુચ્યુઅલ ફંડ, ડીએસપી મ્યુચ્યુઅલ ફંડ, ઈન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડ, નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ, ક્વૉન્ટમ મ્યુચ્યુઅલ ફંડ, મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ, એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ, યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ અને કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ થાય છે.

કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીએ રોકાણકારોને આપેલી નોટિસમાં જણાવ્યું છે કે કોટક ગોલ્ડ ફંડ અને કોટક ગોલ્ડ સિલ્વર પેસિવ એફઓએફ પર આજથી અથવા તો 16મી ઑક્ટોબરથી કામચલાઉ ધોરણે નવાં/વધારાના ઉચક (લમ્પ સમ) રોકાણ, સ્વિચ-ઈન ટ્રાન્ઝેક્શન, નવાં એસઆઈપી/એસટીપી (ઈનફ્લો) રજિસ્ટ્રેશન (સ્ટેપ અપ અને હાલની એસઆઈપી) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે જ પ્રમાણે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે પણ તેની એક્સિ ગોલ્ડ ઍન્ડ સિલ્વર પેસિવ એફઓએફ પર કામચલાઉ ધોરણે આજે 16મી ઑક્ટોબરનાં રોજ બપોરે ત્રણ વાગ્યાથી ટ્રાન્ઝેક્શન પર કામચલાઉ ધોરણે પ્રતિબંધ મૂક્યો હોવાનું જણાવ્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે ગત સપ્ટેમ્બર મહિનમાં સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં ચોખ્ખો આંતરપ્રવાહ જે આગલા ઑગસ્ટ મહિનાના રૂ. 2597 કરોડનો હતો તેની સામે વધીને રૂ. 4450 કરોડનો રહ્યો હોવાનું એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયાએ આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.