ભુજ: કચ્છ જિલ્લામાં નવરાત્રી પર્વની ઉજવણી ઉત્સાહભેર માહોલમાં પૂર્ણ થઇ છે પણ આ પર્વ દરમ્યાન ગરમીએ લોકોને ધોળે દિવસે તારા દેખાડ્યા છે.
કચ્છના મોટાભાગના મથકોએ મહત્તમ તાપમાનનો આંક ૩૭થી ૪૦ ડિગ્રી જેટલો રહેવા પામતાં બપોરે ઘરની બહાર નીકળવું લગભગ મુશ્કેલ બની જવા પામ્યું છે.ગોવા સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસનોગ્રાફી અને હવામાન ખાતાનાં જણાવ્યા પ્રમાણે આ વખતનો ઓક્ટોબર મહિનો છેલ્લા ૧૨૬ વર્ષમાં સૌથી ગરમ મહિનો રહેવા પામ્યો છે અને હજુ આગામી નવેમ્બર-ડિસેમ્બર પણ સૌથી ગરમ મહિનો બની રહેશે તેવું હાલ જણાઈ રહ્યું છે.
ઓક્ટોબર મહિના દરમ્યાન સરેરાશ હવાનું તાપમાન એટલે કે 'મીન ટેમ્પરેચર' ૨૮.૯૨ ડિગ્રી સે.રહેવા પામ્યું છે. આટલું ઊંચું મીન તાપમાન ઇ.સ ૧૯૦૧ બાદ નોંધાયું છે. સામાન્ય તાપમાન કરતાં ૨.૨૩ ડિગ્રી સેલ્સિયસ વધારે રહેવા પામ્યું છે જેથી ચાલુ ઓક્ટોબર મહિના દરમ્યાન પણ શિયાળો બેસવાના કોઈ એંધાણ મળતાં નથી. આવી ગરમી પડવાનું મુખ્ય કારણ પશ્ચિમી વિક્ષોભની ગેરહાજરી અને પ્રશાંત મહાસાગરમાં ઉભા થયેલા સુપર અલ-નીનોના કારણે પૂર્વના પવનો ઠલવાઇ રહ્યા છે જેને લઈને સમગ્ર વિશ્વમાં ગરમી વધવા પામી છે.
તાપમાન ઘટાડવા ઉત્તર-પશ્ચિમી પવનો મુખ્ય ભાગ ભજવે છે.હજુ પણ તાપમાન સામાન્ય કરતાં ૨થી ૫ ડિગ્રી સેલ્સિયસ ઊંચું રહેવાની ધારણા છે જેને કારણે દેશના ઉત્તર-પશ્ચિમ મેદાની વિસ્તારોમાં હજુ એક-દોઢ માસ સુધી કડકડતી ઠંડી પડે તેવો શિયાળો શરૂ થવાના કોઈ સંકેત મળતા નથી જે અસામાન્ય બાબત છે.
બીજી તરફ, પ્રશાંત મહાસાગરમાં હાલે સક્રિય 'અલ-નિનો'ની પરિસ્થિતિ પણ શિયાળાના આગમનને વિપરીત અસર પહોંચાડી રહી છે. આજે પણ ભુજમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સે.જેટલું રહેવા પામ્યું છે. મોડી રાત્રે અને વહેલી સવારે સામાન્ય ઝાકળ પડે છે જેને લઈને ઠંડક અનુભવાય છે પણ સૂર્યોદય થવાની સાથે જ પ્રચંડ ગરમીનું મોજું જનજીવનને ઝપટમાં લઇ લે છે.
દરમ્યાન, કચ્છમાં ઓક્ટોબર મહિનામાં ગરમીએ રેકોર્ડ તોડ્યો છે અને ૧૨૬ વર્ષનો ગરમ ઓક્ટોબર નોંધાયો છે, ત્યારે બીજી તરફ મુંદરાના મોખા ગામમાં સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતાં ભારે પવન સાથે અડધો ઇંચ કમોસમી વરસાદી ઝાપટું વરસી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
(ઉત્સવ વૈદ્ય)