Thu Nov 19 2026

Logo

મુંદરામાં 'SD PAY' એપ્લિકેશનના નામે રૂ. 5 લાખની ઠગાઈ: 100થી વધુ લોકોના રૂ. 9 થી 10 કરોડ ફસાયા હોવાની આશંકા

2026-10-19 11:16:00
Author: Mumbai Samachar Team
મુંદરામાં 'SD PAY' એપ્લિકેશનના નામે રૂ. 5 લાખની ઠગાઈ: 100થી વધુ લોકોના રૂ. 9 થી 10 કરોડ ફસાયા હોવાની આશંકા

ભુજઃ કચ્છના બંદરીય મુંદરા પંથકમાં ઓનલાઈન રોકાણ અને ટાસ્ક આપવાના નામે આચરાયેલા ₹5 લાખથી વધુની ઠગાઈનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 'SD PAY' નામની મોબાઇલ એપ્લિકેશનમાં ટૂંકા ગાળામાં મોટાં આર્થિક વળતરની લાલચ આપીને મુંદરાના એક વેપારી સાથે છેતરાપિંડી આચરવામાં આવી છે. એટલું જ નહીં, આ કૌભાંડમાં મુંદરા અને આસપાસના અંદાજે 100થી વધુ સ્થાનિક લોકો ભોગ બન્યા હોવાની અને તેમના રૂપિયા 9 થી 10 કરોડ જેટલી માતબર રકમ ડૂબી ગયાની આશંકા સેવાઈ રહી છે.

પોલીસ ફરિયાદ થઈ
મુંદરાના નવલખા બંગલા પાસે રહેતા અને ગેસ એજન્સી ચલાવતા અરજદાર નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ ઝાલા દ્વારા મુંદરા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી લેખિત ફરિયાદ અરજી મુજબ, ગત ઓક્ટોબર 2025 દરમિયાન તેમની મુલાકાત સ્થાનિક મુંદરાના હરેશ ભદ્રેશા, હિરેન પાંજરી અને પરેશ પિંગલસુર સાથે થઈ હતી. આ ત્રણેય શખ્સોએ ફરિયાદીને 'SD PAY' નામના મોબાઈલ એપ્લિકેશનમાં રોકાણ કરવા માટે પ્રલોભન આપ્યું હતું. આરોપીઓએ દાવો કર્યો હતો કે ગુગલ-પે અને ફોન-પે જેવી વિદેશી કંપનીઓની મોનોપોલી તોડવા માટે આ એપ બનાવવામાં આવી છે, જેમાં મોબાઈલ રિચાર્જ, બિલ પેમેન્ટ અને ટિકિટ બુકિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનમાં રોકાણ કરવાથી દર મહિને 9 ટકા જેટલું મોટું કેશબેક વળતર અને અન્ય સ્કીમો હેઠળ 30 ટકા સુધીનું કમિશન મળશે તેવી લાલચ આપીને આરોપીઓએ ફરિયાદીનો વિશ્વાસ કેળવ્યો હતો. 

₹500,000 રોકડા પડાવી લીધા
શરૂઆતમાં માત્ર ₹1000નું રોકાણ કરાવીને એપ ડાઉનલોડ કરાવાઈ હતી અને ત્યારબાદ માર્ચ 2026 દરમિયાન અલગ-અલગ તારીખે ટુકડે-ટુકડે કુલ ₹500,000 રોકડા પડાવી લઈને આરોપીઓએ પોતાની આઈડી પરથી ફરિયાદીના એપ વોલેટમાં ડિજિટલ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. સમય જતાં જ્યારે નરેન્દ્રસિંહે પોતાના રોકેલા નાણાં ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે એપ્લિકેશનમાંથી ટ્રાન્ઝેક્શન થવાનું બંધ થઈ ગયું હતું. આ અંગે પૂછપરછ કરતાં જવાબદારોએ એપમાં અપડેટ ચાલુ હોવાના બહાના બતાવ્યા હતા અને માર્ચ 2026થી એપ્લિકેશનની તમામ સુવિધાઓ પણ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. છેતરાપિંડી છુપાવવા માટે રાતોરાત આ એપ્લિકેશનનું નામ બદલીને 'SD PAY' માંથી 'APANA PAY' કરી નાખવામાં આવ્યું હતું. જ્યારે અરજદાર અને અન્ય ભોગ બનનાર સ્થાનિક લોકો જેમાં પરિતોષ ડાભી, મહેશ ગઢવી અને હર્ષ દેસાઈ વગેરેએ રૂબરૂ મળીને પોતાના નાણાં પરત માગ્યા, ત્યારે આરોપીઓએ ઉદ્ધત વર્તન કરી ફોન બ્લોક કરી દીધા હતા. 

સમગ્ર પંથકમાં ચકચાર
એટલું જ નહીં, આરોપીઓએ ખુલ્લી ધમકી આપી હતી કે, "જો તમે અમારી વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ કરશો, તો અમે સામૂહિક આત્મહત્યા કરી લઈશું અને સ્યુસાઇડ નોટમાં તમારા બધાનાં નામ લખતા જઈશું. અરજદાર નરેન્દ્રસિંહે આ આર્થિક કૌભાંડ આચરનાર મુખ્ય ચાર સૂત્રધાર સંતોષ પાઠક, હરેશ ભદ્રેશા, હિરેન પાંજરી અને પરેશ પિંગલસુર (તમામ રહે. મુંદરા) વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરવા પોલીસ સમક્ષ ઉગ્ર માંગ કરી છે. અગાઉ આ જ પ્રકારના રાજ્યવ્યાપી કૌભાંડમાં સાયબર ક્રાઈમ પોલીસે અમરેલીના છ આરોપીઓને ઝડપી કાર્યવાહી કરી હતી, ત્યારે મુંદરામાં પણ આ નેટવર્કના તાર ખૂબ ઊંડા હોવાથી અને અનેક લોકો ફસાયા હોવાથી પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

ઉત્સવ વૈદ્ય