મુંબઈ: મુંબઈમાં રોંગ સાઈડ ગાડી ચલાવનારાઓ સામે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. હવે રોંગ સાઇડ પર ગાડી ચલાવશો તો માત્ર દંડ જ નહીં થાય, પણ ડ્રાઈવિંગ લાઈસન્સ પણ રદ થઈ શકે છે.
છેલ્લા દોઢ મહિનામાં પોલીસે નિયમ તોડનારા ૨૩૦ લોકોના લાઈસન્સ રદ કરવા માટે ભલામણ કરી છે. શહેરમાં રોજ ૧,૧૦૦ થી ૧,૨૦૦ જેટલા લોકો રોંગ સાઈડ ગાડી ચલાવતા પકડાય છે. આમાં ટુ-વ્હીલર સવારોની સંખ્યા સૌથી વધુ છે. ટ્રાફિક પોલીસનું કહેવું છે કે રોંગ સાઇડ વાહન ચલાવવાથી રોડ એક્સિડન્ટનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.
મળતા આંકડા મુજબ, વર્ષ ૨૦૨૪માં રોંગ સાઈડમાં વાહન ચલાવવાના ૧૨,૭૯૪ કેસ નોંધાયા હતા. ૨૦૨૫માં આ સંખ્યા ૧૧,૭૧૧ હતી. વર્ષ ૨૦૨૬માં ૯ સપ્ટેમ્બર સુધીમાં કુલ ૨૮,૬૦૦ કેસોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. એટલે કે આ વર્ષે અત્યાર સુધીમાં રોંગ સાઈડ ડ્રાઈવિંગના કેસ ગયા આખા વર્ષની તુલનામાં આશરે ૨.૪૪ ગણા થઈ ગયા છે. એકલા જુલાઈ મહિના દરમિયાન જ ૫,૧૯૯ નવા કેસ ઉમેરાયા હતા.
ટ્રાફિક પોલીસ હવે રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરનારાઓને ફક્ત દંડ ફટકારવા સુધી મર્યાદિત રહેવા માંગતી નથી. તેઓ વાહનો જપ્ત કરવાની અને ગંભીર ઉલ્લંઘન માટે દોષિત ઠરેલા ડ્રાઇવરોના લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવાની પ્રક્રિયા પણ ઝડપી બનાવી રહ્યા છે.
જોઈન્ટ પોલીસ કમિશનર સત્યનારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે રસ્તાની ખોટી બાજુએ વાહન ચલાવવું એ ખૂબ જ ગંભીર ગુનો છે અને તેના પરિણામે મૃત્યુ થઈ શકે છે. શહેરના તમામ ૪૧ ટ્રાફિક વિભાગો ખોટી બાજુએ વાહન ચલાવવા સામે ખાસ ઝુંબેશ ચલાવી રહ્યા છે.