Wed Oct 07 2026

Logo

મુંબઈગરા સંભાળજો!  સ્વાઈનફ્લૂ અને મલેરિયાએ બીએમસીની ચિંતા વધારી

2026-09-19 22:50:04
Author: Sapna Desai
મુંબઈગરા સંભાળજો!  સ્વાઈનફ્લૂ અને મલેરિયાએ બીએમસીની ચિંતા વધારી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈમાં મચ્છરોના કરડવાથી થતા મલેરિયા અને શ્ર્વાસની ગંભીર બીમારી ગણાતી સ્વાઈનફ્લૂના દર્દીમાં ગયા વર્ષની સરખામણીમાં નોંધનીય વધારો થયો છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાનું આરોગ્ય ખાતુ સતર્ક થઈ ગયું છે. છેલ્લા સાડા ત્રણ મહિનામાં મુંબઈમાં મલેરિયાના ૫,૯૮૪ અને સ્વાઈનફ્લૂૂ (એચવનએનવન)ના ૪૮૮ દર્દી નોંધાયા છે.

પાલિકાના સાર્વજનિક આરોગ્ય ખાતાએ આપેલા આંકડા મુજબ જૂનથી ૧૫ સપ્ટેમ્બર સુધીના સાડા ત્રણ મહિનાના સમયગાળામાં મુંબઈમાં મલેરિયાના ૫,૯૮૪ દર્દી નોંધાયા છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં  મલેરિયાના ૪,૩૦૪ દર્દી નોંધાયા હતા. સૌથી મોટા ચિંતાજનક વધારો સ્વાઈનફ્લૂમાં જોવા મળ્યો છે.  પહેલી જૂનથી ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીના સમયગાળામાં સ્વાઈનફ્લૂના ૪૮૮ કેસ નોંધાયા છે, જે ગયા વર્ષે આ જ સમયગાળામાં માત્ર ડબલ આંકડો એટલે ૬૫ હતો.

સ્વાઈનફ્લૂ અને મલેરિયાના કેસમાં ચિંતાજનક વધારા સામે જોકે ગયા વર્ષની સરખામણીમાં  ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા, લેપ્ટો, ગેસ્ટ્રો અને કોવિડના કેસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જૂનથી ૧૫ સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યૂના ૨,૧૬૧ કેસ નોંધાયા છે. ગયા વર્ષે આ સમયગાળામાં આ આંકડો ૨,૩૭૭ હતો. ચિકનગુનિયાના  આ વર્ષે ત્રણ મહિનામાં માત્ર ૫૯ કેસ સામે ગયા વર્ષે આ સમયગાળામાં  ૪૨૭ હતા.લેપ્ટોના  જૂનથી ૧૫ સપ્ટેમ્બરમાં ૨૭૭ ગયા વર્ષે ૪૯૩ હતા. ગેસ્ટ્રોના  ૨,૦૫૦ સામે ગયા વર્ષે આ સમયગાળામાં  ૨,૪૧૨ કેસ નોંધાયા હતા. જયારે કોવિડના  જૂનથી ૧૫ સપ્ટેમ્બર સુધીમાં ૧૬૨ કેસ સામે ગયા વર્ષે આ સમયગાળામાં ૬૭૭ કેસ નોંધાયા હતા.

ગણેશોત્સવમાં જનજાગૃતિ અભિયાન

હાલ ચાલી રહેલા ગણેશોત્સવની પાર્શ્ર્વભૂમિ પર મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ મારફત મુંબઈમાં મલેરિયા અને સ્વાઈનફ્લૂ સહિતના કેસમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને નાગરિકોમાં જનજાગૃતિ લાવવા માટે વોર્ડ સ્તરે જનજાગૃતિના અનેક ઉપક્રમ હાથ ધરવામાં આવ્યા છે. સાર્વજનિક ગણેશમંડળોના મંડપમાં પોસ્ટરો લગાવવાની સાથે જ મંડપોમાં મલેરિયા અને ડેન્ગ્યૂને લઈને જનજાગૃતિ લાવવા માટે જિંગલ્સ વગાડવામાં આવી રહ્યા છે. મચ્છરોની  ઉત્પત્તિ રોકવા માટે અને તેના લાર્વા નષ્ટ કરવા માટે સફાઈ કર્મચારીઓ મારફત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.