(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (એસઆઈઆર) અંતર્ગત મતદાર યાદીના મુસદ્દા (ડ્રાફ્ટ રોલ) પર દાવા અને વાંધાઓ રજૂ કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે, ત્યારે પાલિકા દ્વારા ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરના રોજ સમગ્ર મુંબઈમાં વિશેષ મતદાર નોંધણી શિબિરોનું આયોજન કરવામાં આવશે. આ શિબિરો મુંબઈ શહેર અને ઉપનગરોના તમામ ૩૬ વિધાનસભા મતવિસ્તારોમાં નિર્ધારિત સ્થળોએ યોજવામાં આવશે.
પાલિકાએ બુધવારે જણાવ્યું હતું કે નવા મતદારો, પાત્ર મતદારો કે જેમનાં નામ ડ્રાફ્ટ યાદીમાં નથી અને જેઓ વિગતોમાં સુધારા કે નામ કઢાવવા માગે છે, તેઓ આ શિબિરોનો સંપર્ક કરી શકે છે.
ભારતીય ચૂંટણી પંચના નિર્દેશોને પગલે મુંબઈ શહેર અને ઉપનગર જિલ્લાઓમાં મતદાર યાદીના ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (એસઆઈઆર) ૨૦૨૬ના ભાગરૂપે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જે મતદારોનાં નામ મતદાર યાદીના મુસદ્દામાં નથી અથવા જેમને નોંધાયેલી વિગતો સામે વાંધો છે, તેઓ ૩૦ સપ્ટેમ્બર સુધી પોતાના દાવા અને વાંધાઓ રજૂ કરી શકે છે.
પાલિકાએ જણાવ્યું હતું કે મતદારોની ગેરહાજરી, રહેઠાણ બદલવું અથવા અન્ય કારણોસર કેટલાક નામ મુસદ્દા યાદીમાં ન પણ હોઈ શકે. આવા મતદારો તેમના વર્તમાન સામાન્ય રહેઠાણના સ્થળેથી ૩૦ સપ્ટેમ્બર સુધી દાવા અને વાંધાઓ રજૂ કરી શકે છે. આ શિબિરોમાં એવા નવા મતદારોનો પણ સમાવેશ કરવામાં આવશે જેઓ ૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ અથવા તે પહેલાં ૧૮ વર્ષની વય પૂર્ણ કરી રહ્યા છે. નવું નામ ઉમેરવા માટે મતદારો ‘ફોર્મ ૬’ ભરી શકે છે. વિગતોમાં સુધારો કરવા, દિવ્યાંગતાની નોંધણી કરવા અથવા રહેઠાણ બદલવા માટે ‘ફોર્મ ૮’નો ઉપયોગ કરી શકાય છે, જ્યારે મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવા માટે ‘ફોર્મ ૭’નો ઉપયોગ થાય છે.
સંબંધિત બૂથ લેવલ ઓફિસર્સ (બીએલઓ) પાસેથી ફોર્મ મેળવી શકાય છે. મતદારો ચૂંટણી પંચના મતદાર સેવા પોર્ટલ અથવા ઈસીઆઈએનઈટી મોબાઈલ એપ દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકે છે. પાલિકાએ જણાવ્યું હતું કે અરજીઓ સબમિટ કરવા માટે વિશેષ શિબિરોમાં સહાય ઉપલબ્ધ રહેશે.