સમયસર ઊતરી ગયેલા પ્રવાસીઓ બચી ગયા: એસી સિસ્ટમમાં ખામીને કારણે આગ લાગ્યાની શક્યતા
મુંબઈ: રાજસ્થાનથી પુણે જઈ રહેલી ખાનગી બસમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર અચાનક આગ લાગતાં આખી બસ ભડકે બળી ઊઠી હતી. સદ્નસીબે સમયસર પ્રવાસીઓ બસમાંથી ઊતરી જતાં કોઈ જાનહાનિ થઈ નહોતી. બસની ઍરકન્ડિશનિંગ (એસી) સિસ્ટમમાં ખામી સર્જાવાને કારણે આગ લાગી હોવાની શક્યતા પ્રથમદર્શી વ્યક્ત કરાઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની સવારે 7.20 વાગ્યાની આસપાસ પનવેલ નજીક ખાલાપુર ટોલનાકા પાસે બની હતી. રાજસ્થાનના ઉદયપુરથી નીકળેલી ખાનગી સ્લીપર કોચ બસ પુણે જઈ રહી હતી.
કહેવાય છે કે બસના એન્જિનના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગતાં પ્રવાસીઓને સતર્ક કરી દેવાયા હતા. પ્રવાસીઓ બસમાંથી ઊતર્યા ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતાંમાં આખી બસ ભડકે બળવા લાગી હતી.
આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. બસમાં લાગેલી આગ રસ્તા પર પણ ફેલાઈ હોવાનું વીડિયોમાં નજરે પડે છે. પોલીસના જણાવ્યા મુજબ બસની એસી સિસ્ટમમાં ટેક્નિકલ ખામીને કારણે આગ લાગી હોવાનું પ્રથમદર્શી જણાયું હતું. ઘટના એક્સપ્રેસવે પર પુણેની લેન પર બની હતી, જેને કારણે વાહનવ્યવહારને અસર થઈ હતી.
બનાવની જાણ થતાં જ રસાયણી પોલીસ સ્ટેશનની ટીમ, પનવેલ મહાનગરપાલિકા અને ખોપોલી નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો અને રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવી વાહનવ્યવહાર પૂર્વવત્ કરાયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)