પહેલી નવેમ્બરથી નવા નિયમો: પ્રાઇવેટ કાર અને પેસેન્જર વાહનોને મંજૂરી
મુંબઈ: મુંબઈ-પુણે યશવંતરાવ ચવ્હાણ એક્સપ્રેસવે પર આવેલા કનેક્ટિંગ રોડની વાહનવ્યવહાર વ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. ટનલની રચના, ટેકનિકલ મર્યાદાઓ અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર ટ્રાફિક પોલીસે આગામી ૧ નવેમ્બર ૨૦૨૬થી પિકઅપ વેન, છોટા હાથી સહિત તમામ પ્રકારના માલવાહક વાહનો માટે આ કનેક્ટિંગ રોડ પર પ્રવેશબંધી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
આ નિયંત્રણો ૧ નવેમ્બરથી આગામી આદેશ ન મળે ત્યાં સુધી અમલમાં રહેશે. અગાઉ કનેક્ટિંગ રોડ પરથી મુસાફરી કરવાની છૂટ ધરાવતા હળવા વ્યાવસાયિક વાહનો પણ હવે આ માર્ગનો ઉપયોગ કરી શકશે નહીં. તેથી માલસામાનની હેરફેર માટે સંબંધિત વાહનોએ એક્સપ્રેસવેના મૂળ માર્ગ પરથી જ મુસાફરી કરવી પડશે.
જ્વલનશીલ પદાર્થો, વિસ્ફોટકો તેમજ અન્ય જોખમી સામાનનું વહન કરતા વાહનોને પણ કનેક્ટિંગ રોડ પર પ્રવેશ આપવામાં આવશે નહીં. બીજી તરફ, ખાનગી કાર, જીપ અને માલવાહક તરીકે ઉપયોગમાં ન લેવાતા અન્ય હળવા વાહનો તેમજ મુસાફર બસ અને અન્ય પેસેન્જર વાહનો માટે આ માર્ગ પરથી પસાર થવાની પરવાનગી યથાવત રાખવામાં આવી છે.
નવા જાહેરનામા મુજબ, ખાનગી કાર અને અન્ય હળવા મોટર વાહનો માટે કલાકદીઠ ૧૦૦ કિલોમીટરની ઝડપ મર્યાદા નક્કી કરવામાં આવી છે. મુસાફર બસ અને અન્ય પેસેન્જર વાહનો માટે પણ અલગ ઝડપ મર્યાદા લાગુ રહેશે.