દક્ષિણ અને મધ્ય મુંબઈની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. મધ્ય અને પશ્ચિમ રેલવેને જોડતા ઐતિહાસિક 112 વર્ષ જૂના બ્રિટિશકાલીન પ્રભાદેવી એટલે કે એલ્ફિન્સ્ટન રેલવે બ્રિજની જગ્યાએ બની રહેલા અત્યાધુનિક નવા ડબલ-ડેકર ફ્લાયઓવરનું નિર્માણ કાર્ય નવેમ્બર, 2026 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક મહારેલ (MRIDC) દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો છે.
MMRDA દ્વારા આ બ્રિજના ડિમોલિશન અને નવા કન્સ્ટ્રક્શનની જવાબદારી મહારાષ્ટ્ર રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (મહારેલ)ને સોંપવામાં આવી છે. જમીનનો કબજો મળ્યાના એક જ વર્ષની અંદર આ મહત્વકાંક્ષી બ્રિજ તૈયાર કરીને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાનું આયોજન છે.
સ્ટીલ સ્પેન મુંબઈ પહોંચ્યા, રેલવે બ્લોકની તૈયારીઓ શરૂ
આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે જરૂરી ચારેય વિશાળ સ્ટીલ સ્પેન 15મી ઓગસ્ટ, 2026ના રોજ મુંબઈ લાવી દેવાયા છે. તેમાં 92.5 મીટરના બે અને 34.5 મીટરના બે સ્પેનનો સમાવેશ થાય છે, જે હાલ ચેમ્બુર અને પનવેલના યાર્ડમાં સુરક્ષિત રખાયા છે.
ગર્ડર અને સ્પેન બેસાડવા માટે સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે પાસે 25 દિવસના સમયગાળામાં અઢી-અઢી કલાકના કુલ 39 નાઈટ બ્લોક્સની માંગણી કરવામાં આવી છે. તેમાંથી 32 બ્લોક્સ બે મુખ્ય સ્ટીલ સ્પેન ઈન્સ્ટોલ કરવા માટે વપરાશે. રેલવે હેડક્વાર્ટરના ચીફ બ્રિજ એન્જિનિયર અને પ્રિન્સિપલ ચીફ એન્જિનિયર પાસેથી અંતિમ મંજૂરી મેળવવાની પ્રક્રિયા તેજ ગતિએ ચાલી રહી છે.
પ્રભાદેવી ડબલ-ડેકર ફ્લાયઓવરની મુખ્ય વિશેષતાઓ:
કુલ લંબાઈ અને અંદાજિત ખર્ચ: આ પ્રોજેક્ટની કુલ લંબાઈ 132 મીટર છે અને તેનો અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ 167.35 કરોડ રૂપિયા છે.
ડબલ-ડેકર સ્ટ્રક્ચર: આ ફ્લાયઓવર સેન્ટ્રલ અને વેસ્ટર્ન બંને રેલવે લાઈનોની ઉપરથી એકસાથે પસાર થશે.
લોઅર ડેક એટલે કે નીચલો ભાગ: સ્થાનિક વાહનવ્યવહાર માટે 2+2 લેનનો રસ્તો અને બંને બાજુ ફૂટપાથ હશે, જે પ્રભાદેવી પૂર્વ અને પશ્ચિમને સીધું જોડશે.
અપર ડેક એટલે કે ઉપરનો ફ્લાયઓવર 2+2 લેનનો હશે (ફૂટપાથ વિના), જે સીધો શિવડી-વરલી કનેક્ટર (Sewri-Worli Elevated Corridor) સાથે કનેક્ટ થશે. આનાથી પ્રભાદેવીથી સીધા અટલ બિહારી વાજપેયી શિવડી-ન્હાવા શેવા અટલ સેતુ (MTHL) પર અવરજવર કરવી અત્યંત સરળ અને ઝડપી બનશે.