Mon Nov 16 2026

Logo

મુંબઈમાં પ્રદૂષણનું પ્રમાણ જોખમી સ્તરે: ધુમ્મસ અને પ્રદૂષણથી વિઝિબિલીટી ઘટી

2026-10-25 07:59:55
Author: Sapna Desai
મુંબઈમાં પ્રદૂષણનું પ્રમાણ જોખમી સ્તરે: ધુમ્મસ અને પ્રદૂષણથી વિઝિબિલીટી ઘટી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: મુંબઈમાં પ્રદૂષણ જોખમી સ્તરે પહોંચી ગયું છે અને પાલિકાના નગરસેવકોએ આ મુદ્દે પ્રશાસનને માથે માછલાં ધોયાના બીજા દિવસે મુંબઈમાં પ્રદૂષણને કારણે વિઝિબિલિટી (દૃષ્યમાનતા) પર અસર થઈ હોવાનું જોવા મળ્યું હતું.  મુંબઈમાં શનિવારે સવારના ધુમ્મસ અને પ્રદૂષણના કારણે વિઝિબિલિટી અત્યંત ઘટી ગઈ હતી. મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં ઍર ક્વોલિટી ઈન્ડેક્સ સરેરાશ ૧૫૦ની ઉપર નોંધાયો હતો.  અમુક વિસ્તારમાં તો એક્યુઆઈ ૨૦૦ને પાર કરી ગયો હતો.  સાંજે મુંબઈનો સરેરાશ એક્યુઆઈ ૧૯૨ની આસપાસ નોંધાયો હતો. આને કારણે આગામી દિવસોમાં મુંબઈગરાના આરોગ્ય પર ગંભીર અસર જોવા મળે એવી શકયતા જોવાઈ રહી છે.

શનિવારે સવારે મુંબઈના મોટાભાગના  વિસ્તારમાં ધુમ્મસ અને પ્રદૂષણનું મિશ્રણ (સ્મોગ) છવાઈ ગયું હતું, જેના કારણે ત્યાં વિઝિબિલિટીમાંં નોંધપાત્ર ઘટાડો થયો હતો. શહેરના વિવિધ ભાગોમાં આવી ધૂંધળી સ્થિતિ જોવા મળી હતી, જેનાથી સ્થાનિક રહેવાસીઓ અને અધિકારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વહેલી સવારના વિઝિબિલિટી ઓછી હોવાથી હાઈવે પર ટ્રાફિકને અસર થઈ હતી. તો રેલવેની સાથે જ ફ્લાઈટ સર્વિસને પણ વિઝિબિલિટીને કારણે ફટકો પડયો હોવાના અહેવાલ હતા.
મુંબઈમાં શનિવારે વહેલી સવારથી વાતાવરણ ધૂંધળુ જણાઈ રહ્યું છે. સવારના મોટાભાગના વિસ્તારમાં એક્યુઆઈ ઊંચો નોંધાયો હતો, જેનું પ્રમાણ સાંજે પણ કાયમ રહ્યું હતું. સાંજના મુંબઈનો સરેરાશ એક્યુઆઈ ૧૯૨ નોંધાયો હતો. એન્ટોપ હિલમાં ૧૯૨, અણુશક્તિ નગરમાં ૧૮૮, બાન્દ્રા (પૂર્વ)માં ૧૯૮, બીકેસીમાં ૧૯૪, ભાંડુપમાં ૧૮૬, બોરીવલી પશ્ર્ચિમમાં ૧૮૮, ચાંદિવલીમાં ૧૯૨, ચારકોપરમાં ૧૯૯, ચેમ્બુરમાં ૧૯૦, કોલાબામાં ૧૭૮, દાદરમાં ૧૯૦, દેવનારમાં ૧૯૨, ગોવંડીમાં ૧૮૧, અંધેરી પૂર્વમાં ૧૮૯, આંબિવલીમાં ૨૦૨, જુહુ તારામાં ૨૧૩, જુહુમાં ૨૦૮, કાંદિવલી પૂર્વમાં ૧૭૫, કુર્લામાં ૧૯૦, લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં ૧૯૫, મલાડ પશ્ર્ચિમમાં ૨૦૭, મઝગાંવમાં ૧૮૩, મુલુંડ પશ્ર્ચિમમાં ૧૯૯, સાંતાકૃઝ પશ્ર્ચિમમાં ૧૮૯, વિલેપાર્લે ૨૦૭, વડાલા પૂર્વ ૧૯૯, વરલી ૧૮૧ જેટલો એક્યુઆઈ નોંધાયો હતો.

બોકસ
પાલિકાનો દાવો પ્રદૂષણનું પ્રમાણ ઓછું  


મુંબઈ મહાનગરપાલિકાના  અહેવાલ મુજબ બાવીસ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં મુંબઈમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઈ) મુજબ ‘સારા’ (ગુડ ) અને ‘સંતોષકારક’ (સેટીસફેકટરી) શ્રેણીમાં આવતા દિવસોની સંખ્યા ૨૩૧ રહી છે. આ આંકડો વર્ષ ૨૦૨૨ના ૨૧૮ દિવસો, ૨૦૨૧ના ૨૧૬ દિવસો અને ૨૦૨૦ના ૧૮૫ દિવસોની સરખામણીમાં વધારો દર્શાવે છે. છેલ્લાં થોડાં વર્ષોના આંકડા સામે આ વર્ષનો અત્યાર સુધીનો આંકડો સમાધાનકારક જણાતો હોય તો પણ હકીકત એ છે કે મુંબઈમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે અને મુંબઈગરા ઝેરી શ્ર્વાસ લઈ રહ્યા છે.

વધુ જુઓ...