Thu Oct 08 2026

Logo

ગણપતિ વિસર્જન માટે મુંબઈ પોલીસ સજ્જ: 22,000થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ બંદોબસ્તમાં રહેશે

2026-09-23 19:47:00
Author: Yogesh D. Patel
ગણપતિ વિસર્જન માટે મુંબઈ પોલીસ સજ્જ: 22,000થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ બંદોબસ્તમાં રહેશે

AI


મહત્ત્વનાં સ્થળોએ એસઆરપીએફ, આરએએફની પ્લાટૂન, ફોર્સ વન તહેનાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશ વિસર્જનને દિવસે (શુક્રવારે) મુંબઈ પોલીસ દ્વારા શહેરમાં જડબેસલાક બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 22,000થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે, જ્યારે વાહનવ્યવહારની સરળતા માટે ટ્રાફિક પોલીસે પણ પોતાની તૈેયારી કરી લીધી છે. વિસર્જનને દિવસે શોભાયાત્રા તથા ભીડ પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ગણપતિ વિસર્જન નિર્વિઘ્ને અને શાંતિથી પાર પડે તેમ જ કાયદો-વ્યવસ્થાની સમસ્યા નિર્માણ ન થાય એ માટે શહેરમાં ગોઠવાયેલા બંદોબસ્તમાં 6 જોઇન્ટ પોલીસ કમિશનર, 9 એડિશનલ પોલીસ કમિશનર, 38 ડેપ્યુટી પોલીસ કમિશનર અને 66 આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સહિત 3,213 પોલીસ અધિકારી અને 18,940 પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશે. મહત્ત્વનાં સ્થળોએ બંદોબસ્ત માટે રેપિડ એક્શન ફોર્સ (આરએએફ), સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)ની પ્લાટૂન, ફોર્સ વન અને ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યુઆરટી), રાયટ્સ ક્ધટ્રોલ ફોર્સ, ડેલ્ટા, કોમ્બેટ, એન્ટિ ડ્રોન સ્કવોડ તથા હોમ ગાર્ડસની મદદ લેવામાં આવી છે. એ સિવાય બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ)ની ટીમ પણ રહેશે. વિસર્જનના સ્થળોએ લાઇફ ગાર્ડસને પણ રાખવામાં આવશે.

વિસર્જનના માર્ગો પર ટ્રાફિક પોલીસ કર્મચારીઓ તહેનાત રહેશે અને ટ્રાફિકની સરળ અવરજવર માટે અમુક માર્ગો પર ડાયવર્ઝન, જ્યારે અમુક માર્ગ બંધ રહેશે.વિસર્જનને દિવસે ગિરદીના સ્થળે લોકોને સંયમ જાળવવા, પોલીસને સહકાર કરવા તથા કોઇ પણ નધણિયાતી કે વાંધાજનક વસ્તુ નજરે પડે તો તાત્કાલિક તેની માહિતી પોલીસને આપવા, જ્યારે મદદ માટે પોલીસ હેલ્પલાઇન નંબર 100/112 પર સંપર્ક સાધવાની મુંબઈ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.