Tue Nov 17 2026

Logo

મુંબઇ પોલીસની નશીલા પદાર્થ વિરુદ્ધ વિશેષ  ઝુંબેશ: પંદર કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું

2026-10-16 19:54:25
Author: Yogesh D. Patel
મુંબઇ પોલીસની નશીલા પદાર્થ વિરુદ્ધ વિશેષ  ઝુંબેશ: પંદર કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું

 બે દિવસમાં 72 ગુના દાખલ, ફરાર 21 આરોપીની ધરપકડ : બિનજામીનપાત્ર વૉરન્ટ બજાવી 40 જણને ઝડપી પાડ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈ પોલીસ દ્વારા નશીલા પદાર્થ વિરુદ્ધ હાથ ધરાયેલી ઝુંબેશ હેઠળ બે દિવસમાં પંદર કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જ્યારે 72 ગુના દાખલ કરીને ફરાર 21 આરોપીની ધરપકડ કરાઇ હતી. એ સિવાય બિનજામીનપાત્ર વૉરન્ટ બજાવીને 40 જણને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝુંબેશ દરમિયાન ડ્રગ્સ સંબંધી કેસના આરોપીઓના 20 ગેરકાયદે ઘર તેમ જ 145 પાનના સ્ટોલ પર કાર્યવાહી કરવામાં આવી હતી.

મુંબઈમાં 30 જુલાઇ, 2026થી શરૂ કરવામાં આવેલા ‘ડ્રગ્સ ફ્રી મુંબઈ’ અભિયાન અને કેન્દ્ર સરકાર દ્વારા 2 ઑગસ્ટ, 2026થી શરૂ કરાયેલા ‘નશામુક્ત ભારત’ અભિયાન અંતર્ગત મુંબઈ પોલીસ દ્વારા 14 અને 15 ઑક્ટોબર, 2026ના રોજ મહાનગરમાં નશીલા પદાર્થ વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં નશીલો પદાર્થ રાખનારા, વેચનારાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવા, દાખલ ગુનામાં ફરાર આરોપીઓને પકડી પાડવા અને કોર્ટ પાસેથી પ્રાપ્ત બિનજામીનપાત્ર વૉરન્ટ બજાવવા વિગેરે પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

પોલીસ સ્ટેશન, એન્ટિ-નાર્કોટિક્સ સેલ, ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય વિભાગના અધિકારીઓ સાથે મળી કરાયેલી કાર્યવાહીમાં કુલ 72 ગુના દાખલ કરવામાં આવ્યા હતા અને ફરાર 21 આરોપીની ધરપકડ કરાઇ હતી. વિશેષ ઝુંબેશ હેઠળ 46.16 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું હતું, જ્યારે કોડીન મિશ્રિત કફ સિરપની 9,549 બોટલો પકડી પાડવામાં આવી હતી. જપ્ત કરાયેલા ડ્રગ્સમાં ગાંજો, મેફેડ્રોન (એમડી), હેરોઇન/બ્રાઉન શુગર, ચરસ, એલએસડી પેપર, કોકેન, હશિશ અને હાઇડ્રો ગાંજાનો સમાવેશ હતો.

ઝુંબેશ દરમિયાન ડ્રગ્સ સંબંધી અગાઉ દાખલ ગુનાનો આરોપી તેના ચાર સાથીદારો સાથે સંગઠિત ટોળકી બનાવીને ડ્રગ્સની તસ્કરી  કરતો હોવાનું જણાયા બાદ પાંચેય આરોપી વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) હેઠળ કાર્યવાહી કરી હતી. તો એક આરોપીને પીઆઇટી-એનપીડીએસ એક્ટ હેઠળ એક વર્ષ માટે નાશિક જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. 2026માં અત્યાર સુધી 14 આરોપી વિરુદ્ધ પીઆઇટી-એનડીપીએસ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

વધુ જુઓ...