ચૅટ જીપીટીથી આઈ કાર્ડ અને દસ્તાવેજો ગયા વર્ષે જ તૈયાર કર્યાની આરોપીની કબૂલાત: કોર્ટે અદાલતી કસ્ટડીમાં મોકલી આપ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાતની પૂર્વસંધ્યાએ કાર્યક્રમ સ્થળથી થોડે જ અંતરે આવેલા મૉલમાં પ્રાઈમ મિનિસ્ટર ઑફિસ (પીએમઓ)ના નકલી આઈ કાર્ડ અને રિવોલ્વર સાથે પકડાયેલા બે આરોપીની તપાસમાં કેટલીક ચોંકવાનારી માહિતી સામે આવી છે. પોલીસે આરોપી રોહન પરીખના ખારના નિવાસસ્થાને સર્ચ હાથ ધરતાં પીએમઓના બોગસ દસ્તાવેજો મળી આવ્યા હતા. આ દસ્તાવેજો આરોપીએ ચૅટ જીપીટીથી તૈયાર કર્યા હતા. એ સિવાય તેના મોબાઈલ ફોનમાંથી પણ મહત્ત્વના પુરાવા હાથ લાગ્યા હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
બીકેસીમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટનું ઉદ્ઘાટન કરવા નરેન્દ્ર મોદી આવવાના હતા તેની પૂર્વસંધ્યાએ સાતમી સપ્ટેમ્બરે આરોપી રોહન પરીખ (24) અને દિલીપ કુંદે (49) જિયો વર્લ્ડ પ્લાઝામાં ગયા હતા. તે સમયે પરીખે પોતાના મોબાઈલ ફોનમાં વડા પ્રધાન કાર્યાલયનું ઓળખપત્ર દેખાડ્યું હતું અને કુંદે પોતાની સાથે રિવોલ્વર લઈને ગયો હતો. લશ્કરના ભૂતપૂર્વ જવાન હોવાનો દાવો કરનારા કુંદે પાસે નાશિક ગ્રામીણનું રિવોલ્વરનું લાઈસન્સ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ધરપકડ કરાયેલા પરીખ અને કુંદેની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી શુક્રવારે તેમને કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ ડી. એસ. ખેડેકરે બન્નેને 14 દિવસની અદાલતી કસ્ટડીનો આદેશ આપ્યો હતો.
પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે મંગળવારે પરીખના ઘરે સર્ચ કરાઈ હતી, જેમાં એક લૅપટોપ અને હાર્ડડિસ્ક જ્પ્ત કરવામાં આવી હતી. એ સિવાય તેના ઘરમાંથી પીએમઓના દસ્તાવેજો મળી આવ્યા હતા, જેના પરનું લખાણ ઈંગ્લિશમાં છે. આ દસ્તાવેજો વિશે પૂછપરછ કરતાં પરીખે પહેલાં ઉડાઉ જવાબ આપ્યા હતા. જોકે બાદમાં તેણે કબૂલ્યું હતું કે આ દસ્તાવેજો તેણે 2025થી ચૅટ જીપીટી પર તૈયાર કર્યા હતા.
આરોપી પરીખ પાસેનું પીએમઓનું આઈ કાર્ડ પણ તે પોતે જ ચૅટ જીપીટી પર બનાવ્યું હતું. પોલીસે પરીખના મોબાઈલ ફોનની પણ તપાસ કરી હતી. પીએમઓમાં પત્રવ્યવહાર સંબંધી વિગતો મેળવવા માટે તેણે ગૂગલ પર સર્ચ હોવાનું તેના મોબાઈલમાંના સર્ફિંગ હિસ્ટરી પરથી જણાયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું. આરોપીએ નકલી આઈ કાર્ડ અને દસ્તાવેજોનો અન્ય ક્યાંય ઉપયોગ કર્યો છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.
આરોપીઓની વધુ પૂછપરછની જરૂર હોવાથી પોલીસે ચાર દિવસની કસ્ટડીની વિનંતી કોર્ટમાં કરી હતી. જોકે આરોપીઓના વકીલ સતીશ માનેશિંદેએ કોર્ટમાં જણાવ્યું હતું કે આરોપીએ કબૂલ્યું છે કે તેણે દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને આમાં થર્ડ પાર્ટીની સંડોવણી નથી. પરિણામે તેમને પોલીસ કસ્ટડીમાં વધુ સમય રાખવાનો કોઈ અર્થ નથી.
કોર્ટે બન્ને પક્ષને સાંભળ્યા પછી આરોપીઓને પોલીસ કસ્ટડીમાં સોંપવાની જરૂર ન હોવાનું નોંધ્યું હતું અને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.