Sat Nov 07 2026

Logo

તહેવારોની ચમક ઘટીઃ મુંબઈમાં નવા વાહનોનું વેચાણ ઘટ્યું, દશેરા-નવરાત્રિમાં ખરીદી ઘટવાનું કારણ શું?

2026-10-21 15:07:00
Author: Mumbai Samachar Team
તહેવારોની ચમક ઘટીઃ મુંબઈમાં નવા વાહનોનું વેચાણ ઘટ્યું, દશેરા-નવરાત્રિમાં ખરીદી ઘટવાનું કારણ શું?

મુંબઈ: દિવાળી પહેલાં દશેરા વખતે નવા વાહનો ખરીદવાની પરંપરા હોવા છતાં આ વર્ષે મુંબઈમાં વાહનોની ખરીદીમાં જોરદાર ઘટાડો નોંધાયો હતો. મુંબઈના ચાર આરટીઓમાં નવરાત્રિ સહિત દશેરાના દરમિયાન કુલ 11,090 નવાં વાહનોની નોંધણી થઈ હતી. ગયા વર્ષે આ જ સમયગાળામાં 12,216 વાહનોની નોંધણી થઈ હતી. 

આરટીઓના આંકડા દર્શાવે છે કે તહેવારોની મોસમમાં પણ આ વર્ષે મુંબઈગરાઓમાં નવાં વાહનો ખરીદવાનો ઉત્સાહ ગત વર્ષની સરખામણીએ ઓછો રહ્યો હતો. અહેવાલ અનુસાર, 13થી 20 ઑક્ટોબર, 2026 દરમિયાન મુંબઈ સેન્ટ્રલ, વડાલા, બોરીવલી અને અંધેરી એમ ચાર આરટીઓમાં વાહનોની નોંધણી કરવામાં આવી હતી. .

આંકડાઓ અનુસાર આઠ દિવસ દરમિયાન ટૂ-વ્હિલર વાહનોની ખરીદી સૌથી વધુ રહી હતી. ચારેય આરટીઓમાં કુલ 7,895 બાઈક અને સ્કૂટરની નોંધણી થઈ હતી, તેમાં મુંબઈ સેન્ટ્રલ આરટીઓ 2,403 વાહનો સાથે પ્રથમ સ્થાને રહ્યું હતું. વડાલા આરટીઓમાં 2,164, બોરીવલી આરટીઓમાં 1,862 અને અંધેરી આરટીઓમાં 1,466 દ્વિચક્રી વાહનોની નોંધણી કરવામાં આવી હતી. આ આંકડા દર્શાવે છે કે કારની સરખામણીએ બાઈક અને સ્કૂટર ખરીદવાનું પ્રમાણ વધુ રહ્યું હતું.

બીજી તરફ, ચારેય આરટીઓમાં કુલ 2,734 ચારચક્રી વાહનોની નોંધણી થઈ હતી. તેમાં મુંબઈ સેન્ટ્રલ આરટીઓમાં સૌથી વધુ 924 કાર નોંધાઈ હતી. બોરીવલી આરટીઓમાં 644, અંધેરી આરટીઓમાં 611 અને વડાલા આરટીઓમાં 555 ચારચક્રી વાહનોની નોંધણી થઈ હતી.
 
આમ, ફોર-વ્હિલર વાહનોની નોંધણીમાં પણ મુંબઈ સેન્ટ્રલ આરટીઓ મોખરે રહ્યું હતું. ટૂ-વ્હિલર અને કાર ઉપરાંત આ સમયગાળા દરમિયાન અન્ય પ્રકારનાં વાહનોની પણ નોંધણી થઈ હતી. 
ચારેય આરટીઓના આંકડા અનુસાર કુલ 461 અન્ય વાહનો નોંધાયાં હતાં. તેમાં ઑટોરિક્ષા, બસ, ક્રેન, એમ્બ્યુલન્સ તથા અન્ય શ્રેણીનાં વાહનોનો સમાવેશ થાય છે. આ વર્ષે મોંઘવારીને કારણે ગ્રાહકોની ખરીદશક્તિમાં એકંદરે અસર જોવા મળી રહી છે, જે આરટીઓના આંકડા પુરવાર કરે છે, એવું વર્તુળોએ જણાવ્યું હતું.

વધુ જુઓ...