Wed Oct 14 2026

Logo

મોનોરેલ દિવાળી પહેલાં શરૂ થવાની શક્યતા ધૂંધળી: સેફ્ટી નેટ લગાવવામાં લાગશે કેટલો ટાઈમ?

2026-09-10 19:53:47
Author: Mumbai Samachar Team
મોનોરેલ દિવાળી પહેલાં શરૂ થવાની શક્યતા ધૂંધળી: સેફ્ટી નેટ લગાવવામાં લાગશે કેટલો ટાઈમ?

મુંબઈ: મુંબઈ મોનોરેલની સેવા છેલ્લા એક વર્ષથી બંધ છે અને સલામતી મંજૂરી મળ્યા છતાં દિવાળી સુધી સેવા શરૂ થવાની શક્યતા ધૂંધળી જણાઈ રહી છે. લગભગ એક વર્ષથી બંધ છે અને તેની યંત્રણાને પ્રવાસીઓ માટે સલામત જાહેર કરવામાં આવી હોવા છતાં હજુ સુધી સેવા ફરી શરૂ થઈ નથી. 3 જૂનના મોનોરેલ સિસ્ટમને મુસાફરો માટે સલામત હોવાની મંજૂરી મળી હતી. જોકે, એલિવેટેડ ટ્રેક પરથી કોઈ સામાન નીચે રસ્તા પર ન પડે તે માટે ટ્રેકની નીચે સેફ્ટી નેટ લગાવવાની શક્યતાને કારણે સેવા શરૂ કરવામાં વધુ સમય લાગશે.

મહા મુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશન લિમિટેડ, જે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ની સહાયક સંસ્થા છે, દ્વારા મોનોરેલ સેવા ફરી શરૂ કરવા માટે આશરે 3થી 4 મહિનાનો સમય લાગી શકે છે. હાલમાં એલિવેટેડ કોરિડોરની નીચે સેફ્ટી નેટ લગાવવાની કામગીરી અંગે પણ વિચારણા ચાલી રહી છે.

ટ્રેકની નીચે સેફ્ટી નેટ લગાવવાની યોજના

મોનોરેલના એલિવેટેડ ટ્રેક અને રસ્તા વચ્ચે કેટલીક જગ્યાએ એવી કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી કે જે ટ્રેક પરથી નીચે પડતી ઢીલી વસ્તુઓને રોકી શકે. આવી સ્થિતિમાં ટ્રેન અથવા ટ્રેકમાંથી કોઈ સામાન છૂટો પડે તો તે સીધો રસ્તા પર રહેલા વાહનો અથવા રાહદારીઓ પર પડી શકે છે. અધિકારીઓ હવે આ જોખમને ઘટાડવા માટે ટ્રેકની નીચે સેફ્ટી નેટ લગાવવાની શક્યતા ચકાસી રહ્યા છે. આ નિર્ણય પાછળ ભૂતકાળમાં બનેલી એક ગંભીર ઘટના પણ મહત્વની છે.

2016માં ટ્રેનનો લોડ વ્હીલ રસ્તા પર પડ્યું હતું

જુલાઈ 2016માં ચેમ્બુરના રામકૃષ્ણ ચેમ્બુરકર રોડ પર મોનોરેલ ટ્રેનનો એક લોડ વ્હીલ તૂટીને નીચે રસ્તા પર પડ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આવી ઘટના ફરી ન બને અને એલિવેટેડ ટ્રેક નીચેથી પસાર થતા વાહનચાલકો તથા રાહદારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તે માટે સેફ્ટી નેટ લગાવવાની વ્યવસ્થા અંગે વિચારણા થઈ રહી છે.

દિવાળી આસપાસ સેવા શરૂ થવાની શક્યતા

મોનોરેલ સેવા દિવાળી આસપાસ એટલે કે નવેમ્બરની શરૂઆતમાં ફરી શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, અન્ય સૂત્રોના જણાવ્યા મુજબ ડિસેમ્બર પહેલાં સેવા સંપૂર્ણ રીતે શરૂ થવાની શક્યતા ઓછી છે. જો દિવાળી સુધીમાં સેવા શરૂ કરવામાં આવશે તો શરૂઆતમાં સમગ્ર રૂટ પર નહીં પરંતુ ચેમ્બુરથી વડાલા ડેપો સુધીના 8.93 કિલોમીટરના ભાગમાં સેવા શરૂ થઈ શકે છે. ચેમ્બુરથી વડાલા ડેપો સુધીનો આ ભાગ સમગ્ર 19.54 કિલોમીટર લાંબા ચેમ્બુર-સંત ગાડગે મહારાજ ચોક (જેકબ સર્કલ) કોરિડોરનો આશરે અડધો ભાગ છે.

સમગ્ર રૂટમાં નેટ લાગશે કે જોખમી વિસ્તારોમાં?

એમએમએમઓસીએલ હાલમાં એ પણ અવઢવમાં છે કે સેફ્ટી નેટ સમગ્ર ચેમ્બુરથી સંત ગાડગે મહારાજ ચોક સુધીના કોરિડોર પર લગાવવામાં આવે કે પછી માત્ર એવા વિસ્તારોમાં જ લગાવવામાં આવે જ્યાં મોનોરેલનો એલિવેટેડ ટ્રેક સીધો રસ્તા અને રાહદારીઓની અવરજવર ઉપરથી પસાર થાય છે. આ અંગે ટેક્નિકલ મૂલ્યાંકન કરવામાં આવી શકે છે. સંભવિત રીતે પ્રથમ તબક્કામાં પાયલટ ધોરણે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં સેફ્ટી નેટ લગાવવામાં આવશે અને તેના પરિણામોના આધારે અન્ય વિસ્તારોમાં પણ આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી શકે છે.

સપ્ટેમ્બર 2025થી મોનોરેલ સેવા બંધ

મુંબઈ મોનોરેલની સેવા 20 સપ્ટેમ્બર 2025થી બંધ છે. મોનોરેલ ટ્રેનોમાં વારંવાર ટેક્નિકલ ખામીઓ સર્જાતી હતી અને કેટલીક વખત ભરચક ટ્રેનો રસ્તામાં જ અટવાઈ જતી હતી. આ ઘટનાઓને કારણે મુસાફરોની સુરક્ષાને લઈને પણ ચિંતા ઊભી થઈ હતી ત્યાર બાદ મોનોરેલ સિસ્ટમમાં મોટા પાયે સુધારણા હાથ ધરવામાં આવ્યા. તેમાં મોનોરેલ ટ્રેનના કાફલામાં સુધારો, આધુનિક કમ્યુનિકેશન-બેઝ્ડ ટ્રેન કંટ્રોલ (સીબીટીસી) સિગ્નલિંગ સિસ્ટમ અને ટ્રેકની મરામત જેવા કામો કરવામાં આવ્યા.

સિસ્ટમના ઓવરહોલ બાદ વિવિધ ટ્રાયલ અને પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. આ તમામ પ્રક્રિયા બાદ નિવૃત્ત કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી દ્વારા 3 જૂનના રોજ મુસાફરો માટે સેવા ફરી શરૂ કરવા માટે સલામતી મંજૂરી આપવામાં આવી હતી. જોકે, સલામતી મંજૂરી મળી ગઈ હોવા છતાં ટ્રેકની નીચે વધારાની સુરક્ષા વ્યવસ્થા અંગે વિચારણા ચાલી રહી હોવાથી મોનોરેલ સેવા ફરી શરૂ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.

હવે સેફ્ટી નેટની જરૂરિયાત, તેનો વ્યાપ અને ટેક્નિકલ શક્યતાઓ અંગેનો નિર્ણય મહત્વપૂર્ણ બન્યો છે. જો કામગીરી ઝડપથી પૂર્ણ થાય તો દિવાળી આસપાસ ચેમ્બુરથી વડાલા ડેપો સુધી મોનોરેલ સેવા આંશિક રીતે શરૂ થઈ શકે છે, જ્યારે સમગ્ર રૂટ પર સેવા શરૂ થવામાં વધુ સમય લાગી શકે છે.