મુંબઈ: મુંબઈમાં લક્ઝરી કારના માલિકો દ્વારા રોડ ટેક્સ ભરવાનું ટાળવા માટે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણની ‘ડીડી’ નામે રજિસ્ટ્રેશનની નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ફરિયાદો વચ્ચે મહારાષ્ટ્રના પરિવહન વિભાગની કાર્યવાહીએ હવે જોર પકડ્યું છે.
પાંચમી ઑક્ટોબરથી શરૂ થયેલી આ ઝુંબેશમાં ખાસ કરીને અંધેરી સહિત મુંબઈના પશ્ચિમ ઉપનગરોમાં વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ટેક્સચોરીના 45 કિસ્સા નોંધાયા છે. આરટીઓની કાર્યવાહી દરમિયાન બે વાહનને સ્થળ પર જ જપ્ત કરવામાં આવ્યાં હતાં.
પરિવહન વિભાગે આપેલી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં મોંઘી અને આયાત કરેલી કાર પર સામાન્ય રીતે વાહનની કિંમતના 15થી 20 ટકા જેટલો રોડ ટેક્સ લાગે છે. બીજી તરફ, ‘ડીડી’ રજિસ્ટ્રેશનનો ઉપયોગ કરીને કેટલાક કારમાલિકો ટેક્સની રકમમાં મોટી બચત કરવાનો પ્રયાસ કરતા હોવાની આશંકા છે.
પ્રાથમિક તપાસ મુજબ આ રીતે એક વાહન પર રૂ. 15 લાખથી રૂ. 20 લાખ સુધીની બચત થતી હોવાનો અંદાજ છે. આ કારણે રાજ્યને રૂ. 4 કરોડથી રૂ. 5 કરોડ સુધીની આવકનું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
પરિવહન કમિશનર રાજેશ નાર્વેકરના નિર્દેશ હેઠળ અને ડેપ્યુટી આરટીઓ સ્વપ્નિલ માણેની દેખરેખમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન ‘ડીડી’ નંબર પ્લેટ ધરાવતી લક્ઝરી એસયુવી અને સ્પોર્ટ્સ કાર પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
અધિકારીઓ વાહનોની નોંધણી અને તેના ઉપયોગ સંબંધિત વિગતોની તપાસ કરી રહ્યા છે, જેથી મહારાષ્ટ્રમાં ઉપયોગમાં લેવાતાં વાહનોનું અન્ય પ્રદેશમાં રજિસ્ટ્રેશન કરાવીને ટેક્સ ભરવાનું ટાળવામાં આવ્યું છે કે નહીં તે જાણી શકાય.
આ કાર્યવાહી હવે માત્ર કારમાલિકો પૂરતી મર્યાદિત રહી નથી. પરિવહન વિભાગે ચાર મોટી કાર ડીલરશિપની પણ તપાસ શરૂ કરી છે. આ ડીલરશિપો ગ્રાહકોને મહારાષ્ટ્રની બહાર વાહનોની નોંધણી કરાવવા માટે અન્ય સરનામાં અથવા શેલ વ્યવસ્થાનો ઉપયોગ કરવાની સલાહ આપતી હતી કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, આ ડીલરશિપ સામેના આક્ષેપો અંગે તપાસ પૂર્ણ થઈ નથી.
પરિવહન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વાહનોની નોંધણીમાં ગેરરીતિ કરવામાં મદદ કરનાર વેપારી એકમો વિરુદ્ધ પણ કડક કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. આવી પ્રવૃત્તિમાં સંડોવણી સાબિત થાય તો ડીલરશિપના વેપાર લાઇસન્સને સ્થગિત કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યમાં રસ્તાઓ અને જાહેર માળખાકીય સુવિધાઓ માટે મળતી કરની આવકને નુકસાન ન થાય તે માટે મુંબઈના પશ્ચિમ ઉપનગરોમાં વાહનોની તપાસ ચાલુ રાખવામાં આવશે.