રવિવાર અને મુંબઈ લોકલ ટ્રેનમાં મેગા બ્લોકનું સમીકરણ મુંબઈકરો માટે નવું નથી, છતાં તહેવારોની ખરીદી કે જરૂરી કામે નીકળતી વખતે મુસાફરીમાં વિક્ષેપ ન પડે તે માટે સમયનું આયોજન કરવું અત્યંત મહત્વનું છે. જો તમે પણ આવતીકાલે એટલે કે 18મી ઓક્ટોબરના ખરીદી કે મુંબઈ દર્શન માટે બહાર નીકળવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર ખાસ તમારા માટે જ છે. મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનમાં એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવા માટે રવિવારે વિવિધ ઉપનગરીય માર્ગો પર મેગા બ્લોક રહેશે.
મધ્ય રેલવે પર થાણે- કલ્યાણ વચ્ચે પાંચમી છઠ્ઠી લાઈન વચ્ચે સવારે 9થી બપોરે એક વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન થાણે અને કલ્યાણ વચ્ચે દોડતી મેલ તથા એક્સપ્રેસ ટ્રેનોને ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે, જેના કારણે આ ટ્રેનો પોતાના ગંતવ્ય સ્થાને 10થી 15 મિનિટ મોડી પહોંચશે. આ ઉપરાંત વસઈ દિવા વચ્ચે દોડનારી વસઈ રોડ-દિવા મેમુ કોપર સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે અને કોપરથી જ તે વસઈ માટે રવાના થશે.
હાર્બર લાઈન પર પનવેલથી સીએસએમટી અને થાણે વચ્ચે અપ-ડાઉન લાઈન પર સવારે 11થી બપોરે ચાર વાગ્યા વાગ્યા સુધી મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકને કારણે પનવેલ-સીએસએમટી વચ્ચે ટ્રેન વ્યવહાર બંધ રહેશે. સીએસએમટીથી સવારે 9.45થી બપોરે 3.12વાગ્યા સુધી બેલાપુર અને પનવેલ જતી તમામ લોકલ સેવાઓ રદ રહેશે. પનવેલથી સવારે 11થી બપોરે ચાર સુધી થાણે જતી અને થાણેથી સવારે 10થી બપોરે 3.20 કલાક સુધી પનવેલ જતી ટ્રાન્સ હાર્બર લોકલ ટ્રેનો બંધ રહેશે.
બ્લોકના સમયગાળા દરમિયાન મુસાફરોની સગવડ માટે સીએસએમટીથી વાશી વચ્ચે સ્પેશિયલ લોકલ ટ્રેનો ચલાવવામાં આવશે. ટ્રાન્સ હાર્બર માર્ગ પર થાણેથી વાશી અને નેરુળ સ્ટેશનો વચ્ચે લોકલ ટ્રેન સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.
વાત કરીએ પશ્ચિમ રેલવેની તો પશ્ચિમ રેલવે પર મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે. પશ્ચિમ રેલવે દ્વારા આવતીકાલે કોઈ પણ પ્રકારનો ડે કે નાઈટ બ્લોક હાથ નહીં ધરવામાં આવે. પરિણામે પશ્ચિમ રેલવે પર ટ્રેનવ્યવહાર રવિવારના ટાઈમટેબલ પ્રમાણે યથાવત્ રહેશે.