Tue Nov 10 2026

Logo

મુંબઈની લાઈફલાઈન ખોટકાતા પરીક્ષા મોકૂફ રાખવાની પડી ફરજ!  સોમૈયા કોલેજે સેમેસ્ટર પરીક્ષાની કેમિસ્ટ્રીની પરીક્ષા મોકૂફ રાખી...

2026-10-26 17:23:35
Author: Mumbai Samachar Team
મુંબઈની લાઈફલાઈન ખોટકાતા પરીક્ષા મોકૂફ રાખવાની પડી ફરજ!  સોમૈયા કોલેજે સેમેસ્ટર પરીક્ષાની કેમિસ્ટ્રીની પરીક્ષા મોકૂફ રાખી...

મુંબઈ: મધ્ય રેલવેની મુખ્ય લાઇન પર સોમવારે સવારે લોકલ ટ્રેન સેવા ખોરવાતાં તેની અસર હવે વિદ્યાર્થીઓની પરીક્ષા પર પણ પડી છે. વિદ્યાવિહાર સ્થિત સોમૈયા કોલેજે સોમવારે યોજાનારી મિડ-સેમેસ્ટરની કેમિસ્ટ્રીની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. કોલેજના બે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે કોલેજ તરફથી તેમને સંદેશ મોકલીને પરીક્ષા હવે 28 ઑક્ટોબર, બુધવારે લેવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી. સવારે પીક અવર્સ દરમિયાન લોકલ ટ્રેનમાં વિલંબ થતાં મધ્ય રેલવેમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને કોલેજ પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને રેલવે સ્ટેશનોની વચ્ચે હજારો પ્રવાસીઓ લોકલ ટ્રેનમાં ફસાઈ ગયા હતા.

 મુલુંડ-થાણે વચ્ચે લટકતો વાયર મળતાં ખળભળાટ 

મધ્ય રેલવેના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે લગભગ 9:23 વાગ્યે મુલુંડ અને થાણે સ્ટેશન વચ્ચે ડાઉન સ્લો લાઈન પર ઓવરહેડ ઈક્વિપમેન્ટમાં એક અજાણ્યો વાયર લટકતો જોવા મળ્યો હતી. આ ઘટનાને પગલે વ્યસ્ત સબર્બન રેલવે પર રેલવ્યવહાર ખોરવાયો હતો. વાયરને કારણે સુરક્ષાની દૃષ્ટિએ જરૂરી કાર્યવાહી અને સમારકામ કરવાની જરૂર પડી હતી. સવારે કામકાજ અને કોલેજ જવાના સમયે આ વિક્ષેપ સર્જાતાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

 કાંજુરમાર્ગના રિલે રૂમમાં આગથી સિગ્નલ વ્યવસ્થા ખોરવાઈ

મુલુંડ-થાણે વચ્ચેની ઘટનાની સાથે સાથે જ દુકાળમાં અધિકમાસની જેમ કાંજુરમાર્ગ સ્ટેશનના રિલે રૂમમાં આગ લાગવાની ઘટના પણ સામે આવી હતી. આ આગને કારણે સિગ્નલ વ્યવસ્થામાં ખામી સર્જાઈ હતી અને લોકલ ટ્રેનનો વ્યવહાર ખોરવાયો હતો. એક જ સવારે બે અલગ-અલગ ટેક્નિકલ સમસ્યાઓ સર્જાતાં મધ્ય રેલવેની મેન લાઈન પર ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. રેલવેના અધિકારીઓએ કાંજુરમાર્ગની ઘટનાની વધુ તપાસ સમારકામનું કામ પૂર્ણ થયા બાદ હાથ ધરવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી હતી. 

 મુસાફરોએ ફરિયાદ કરી હતી કે મુખ્ય લાઇન પર લોકલ ટ્રેનો ઓછામાં ઓછી 15થી 20 મિનિટ મોડી દોડી રહી હતી. જોકે, અન્ય અહેવાલોમાં કેટલાક સ્થળોએ વિલંબ વધુ લાંબો રહ્યો હોવાનું પણ જણાવાયું હતું. સવારે ટ્રેનમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત નોકરિયાતો અને રોજિંદા મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સોમૈયા કોલેજની કેમિસ્ટ્રીની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય આ વિક્ષેપની વિદ્યાર્થીઓ પર પડેલી સીધી અસર દર્શાવે છે.

સોમૈયા કોલેજના વિદ્યાર્થીઓને મોકલવામાં આવેલા સંદેશ પ્રમાણે, સોમવારે યોજાનારી કેમિસ્ટ્રીની મિડ-સેમેસ્ટર પરીક્ષા હવે 28 ઑક્ટોબરે લેવામાં આવશે. પરીક્ષા મોકૂફ રાખવાની જાણ વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી કરવામાં આવી હતી. મધ્ય રેલવેની ટેક્નિકલ ખામીઓના કારણે સર્જાયેલી મુશ્કેલીનો શૈક્ષણિક સમયપત્રક પર પણ પ્રભાવ પડ્યો છે. અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચી ન શક્યા હોવાથી કેમેસ્ટ્રીની પરીક્ષા મોકૂફ રાખવાની ફરજ પડી હતી.