મુંબઈઃ મધ્ય રેલવે પર સોમવારે સવારે સર્જાયેલી અંધાધૂંધીને કારણે લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. એક તરફ સિગ્નલિંગ ખામી અને ઓવરહેડ વાયરમાં ભંગાણને લીધે લોકલ ટ્રેન વ્યવહાર ઠપ થઈ ગયો હતો, તો બીજી તરફ તેનો ફાયદો ઉઠાવીને ઓનલાઈન એપ આધારિત કેબ કંપનીઓએ સર્જ પ્રાઇસિંગના નામે ભાડાં આસમાને પહોંચાડી દીધાં હતાં, જેને કારણે પ્રવાસીઓમાં રોષની લાગણી જોવા મળી હતી.
સોમવારે એટલે કે અઠવાડિયાના પહેલાં જ દિવસે સમયસર ઓફિસ પહોંચવા મજબૂર બનેલા મુંબઈગરાં પાસેથી થાણેથી સીએસએમટી જવા માટે રૂપિયા 900 તો પરેલ જવા માટે રૂપિયા 800નું ભાડું વસૂલવામાં આવ્યું હતું, જેના કારણે નોકરિયાતોને માનસિક ત્રાસની સાથે મોટો આર્થિક ફટકો પણ સહન કરવો પડ્યો હતો.
સોમવારે સવારે 9.30 વાગ્યા પછી કાંજુરમાર્ગમાં સિગ્નલિંગ રિલે રૂમમાં આગ અને મુલુંડ પાસે OHE વાયરમાં અડચણ સર્જાતાં થાણેથી CSMT તરફ જતી તમામ લોકલ ટ્રેનો અટવાઈ ગઈ હતી. લોકલ ટ્રેનો ક્યારે શરૂ થશે તેની રેલવે તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ જાહેરાત ન હોવાથી, ઓફિસે લેટ-માર્કથી બચવા હજારો પ્રવાસીઓએ તાત્કાલિક એપ ટેક્સી અને કેબ બુકિંગ તરફ દોટ લગાવી હતી.
ડિમાન્ડ વધતાં સર્જ પ્રાઇસિંગનો આતંક: ક્યાં કેટલું ભાડું વસૂલાયું?
પ્રવાસીઓની મજબૂરી અને અચાનક વધેલી ડિમાન્ડનો ગેરલાભ ઉઠાવીને એપ ટેક્સી કંપનીઓએ બપોર સુધી તોતિંગ રેટ વસૂલ્યા હતા-
થાણે થી સીએસએમટી: સામાન્ય કરતાં બમણાથી પણ વધુ એટલે કે રૂપિયા 900 સુધી પહોંચી ગયું હતું.
થાણે થી પરેલ (લોઅર પરેલ/દાદર કોર્પોરેટ હબ): એક સફરના રૂપિયા 800 દર્શાવવામાં આવતા હતા.
થાણે થી કુર્લા: ટૂંકા અંતર માટે પણ ભાડું રૂપિયા 650થી વધુ બોલાઈ રહ્યું હતું.
આટલું ઊંચું ભાડું ચૂકવવા મુસાફરો તૈયાર હોવા છતાં, કેબ સરળતાથી બુક થતી નહોતી અને બુકિંગ કેન્સલેશનનો પણ સામનો કરવો પડ્યો હતો.
ડ્રાઇવરોની મનમાની: મીટર કે એપ વગર મનફાવે તેવું ભાડું માંગ્યું
ઘણા પ્રવાસીઓએ ફરિયાદ કરી હતી કે સ્ટેશન બહાર ઊભેલા કેટલાક કેબ અને પ્રાઇવેટ ટેક્સી ચાલકોએ એપના નિર્ધારિત રેટ પણ માન્યા નહોતા અને ‘ઓફ-ધ-રેકોર્ડ’ મનફાવે તેવા એકસામટા (લમસમ) ઊંચા રૂપિયા માંગીને પ્રવાસીઓની લાચારીનો ખુલ્લેઆમ ફાયદો ઉઠાવ્યો હતો. સ્થાનિક પ્રવાસી સંગઠનોએ રોષ વ્યક્ત કર્યો હતો કે જ્યારે પણ સેન્ટ્રલ રેલવે ખોરવાય છે ત્યારે ખાનગી કેબ ચાલકો અને એપ કંપનીઓ પ્રવાસીઓની લૂંટ ચલાવે છે, જેની સામે ટ્રાન્સપોર્ટ ઓથોરિટી કે આરટીઓ (RTO) દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવતાં નથી.