Thu Nov 19 2026

Logo

'રોજ 15-20 મિનિટ ટ્રેન કેમ લેટ થાય છે?' દાદર સ્ટેશન પર મહિલા પ્રવાસીએ RPF સામે કાઢી ભડાસ; વીડિયો થયો વાઈરલ...

2026-10-23 18:43:16
Author: Darshana Visaria
'રોજ 15-20 મિનિટ ટ્રેન કેમ લેટ થાય છે?' દાદર સ્ટેશન પર મહિલા પ્રવાસીએ RPF સામે કાઢી ભડાસ; વીડિયો થયો વાઈરલ...

મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનોમાં સમયપાલનનો અભાવ હવે મુસાફરો માટે રોજિંદી માથાનો દુખાવો બની ગયો છે. દરરોજ ધસારા સમયે લોકલ ટ્રેનો 15થી 20 મિનિટ મોડી પડવી એ તો જાણે સામાન્ય થઈ ગયું છે. આ રોજિંદી હાડમારી વચ્ચે દાદર રેલવે સ્ટેશન પર બનેલી એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહિલા પોતાની વ્યથા માંડતી જોવા મળી રહી છે જેને કારણે લાખો મુંબઈગરાનું ટાઈમટેબલ ખોરવાઈ રહ્યું છે. 

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં એક મહિલાપ્રવાસી પ્લેટફોર્મ પર તહેનાત રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના જવાનો સમક્ષ રોજિંદી ટ્રેનો મોડી પડવાને લઈને ઉગ્ર રજૂઆત કરતી જોવા મળે છે. મહિલા પ્રવાસીએ સવાલ ઉઠાવ્યો હતો કે દરરોજ ટ્રેનો શા માટે 15થી 20 મિનિટ મોડી પડે છે અને સામાન્ય પ્રવાસીઓની આ કનડગતનો કાયમી ઉકેલ ક્યારે આવશે?

ભલે વીડિયોમાં મરાઠી ભાષામાં પોતાની વ્યથા માંડી રહી છે પરંતુ મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેમાં મુસાફરી કરતા લાખો પ્રવાસીઓ આ પરિસ્થિતિ સાથે સીધા કનેક્ટ કરી રહ્યા છે. મુંબઈમાં લાખો લોકોની દિનચર્યા સેકન્ડો અને મિનિટોના હિસાબથી ચાલતી હોય છે. એક ટ્રેન ચૂકી જવાય કે 15 મિનિટ મોડી પડે એટલે કર્મચારીઓની ઓફિસમાં લેટ-માર્ક લાગી જાય છે, મહત્વની મીટિંગ્સ ખોરવાય છે અને મોડી રાત્રે ઘરે પહોંચતા પરિવારો હેરાન-પરેશાન થાય છે.

વાઈરલ થઈ રહેલી ક્લિપમાં મહિલાપ્રવાસી અત્યંત આક્રોશ સાથે આરપીએફ અધિકારીઓને પૂછતી દેખાય છે કે પ્રશાસન આ બાબતે કેમ કોઈ ગંભીર પગલાં નથી લેતું. રેલવે સુરક્ષા દળના જવાનોએ મહિલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ વીડિયો સામે આવ્યા બાદ મુંબઈના ડેઇલી પેસેન્જર્સનો ગુસ્સો ફરી સોશિયલ મીડિયા પર ફાટી નીકળ્યો છે.

મુંબઈગરાઓ સોશિયલ મીડિયા પર પ્રશ્ન કરી રહ્યા છે કે રેલવે તંત્ર દ્વારા મોટા દાવાઓ અને સુધારાઓની વાતો વચ્ચે પણ લોકલ ટ્રેનોનું ટાઈમટેબલ ઓન ટ્રેક કેમ નથી આવતું? સિગ્નલિંગ ફેઈલ્યોર્સ, પોઈન્ટ ફેઈલ્યોર્સ, ટેકનિકલ ખરાબી કે મેઈન્ટેનન્સના નામે રેલવે દ્વારા નિયમિત ધોરણે બ્લોક લેવામાં આવે છે અને તેમ છતાં પણ પ્રવાસીઓને રોજિંદા ધોરણે જે યાતના તો વેઠવી જ પડે છે. રેલવેના આ રેઢિયાળ કારભારને કારણે હવે પ્રવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. 

મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે પર દરરોજ ધસારાના સમયે કોઈને કોઈ કારણ અનુસાર લોકલ ટ્રેનો 30થી 35 મિનિટ મોડી દોડે છે, જેને કારણે નોકરિયાત વર્ગના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.