Sat Nov 07 2026

Logo

મુંબઈગરાંની લાઈફલાઈન બની ડેથ લાઈન, 24 કલાકમાં એકનું મોત, એક ગંભીર ઘાયલ...

2026-10-24 19:40:07
Author: Vipul Vaidya
મુંબઈગરાંની લાઈફલાઈન બની ડેથ લાઈન, 24 કલાકમાં એકનું મોત, એક ગંભીર ઘાયલ...

પ્રતીકાત્મક તસવીર


કોપર-દિવા વચ્ચે ટ્રેનમાંથી પડી મહિલાનું મોત, વિક્રોલી-ઘાટકોપર વચ્ચે પાટા પર ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો યુવક

મુંબઈ: મુંબઈગરાંની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનો હવે પ્રવાસીઓ માટે ડેથલાઈન સાબિત થઈ રહી છે, છેલ્લા 24 કલાકમાં મધ્ય રેલવેમાં શુક્રવારે બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી હતી. જેમાં કોપર અને દિવા રેલવે સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનમાંથી પડી જવાથી એક મહિલાનું મોત થયું હતું. બીજી તરફ, વિક્રોલી અને ઘાટકોપર વચ્ચે રેલવેના પાટા પાસે માથામાં ગંભીર ઈજા સાથે આશરે 30 વર્ષનો એક અજાણ્યો પુરુષ મળી આવ્યો હતો. 24 કલાકમાં બનેલીઆ બીજી ઘટનાને પગલે મધ્ય રેલવેની લોકલ ટ્રેનોને લગભગ 15 મિનિટ સુધી રોકી રાખવામાં આવી હતી.

કોપર અને દિવા વચ્ચે મહિલાની સાથે દુર્ઘટના સવારે આશરે 7:45 વાગ્યે બની હતી. મહિલા ટ્રેનમાંથી પડી ગયા બાદ ઘટનાસ્થળે જ તેનું મોત થયું હોવાની માહિતી સંબધિત અધિકારીઓએ આપી હતી. આ સમગ્ર મામલે ડોમ્બિવલી રેલવે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, મહિલાની ઓળખ અને તે કયા સંજોગોમાં ટ્રેનમાંથી પડી હતી તે બાબતની જાણકારી હજી સુધી સત્તાવાર રીતે અપાઈ નથી. 

બીજી ઘટના વિક્રોલી અને ઘાટકોપર વચ્ચે સવારે આશરે 8:35 વાગ્યે બની હતી. રેલવે કર્મચારીઓને અપ લાઈન પર પાંચમી અને છઠ્ઠી રેલવે લાઈન વચ્ચે માથામાં ઈજા સાથે એક અજાણ્યો પુરુષ પડેલો જોવા મળ્યો હતો. તેની ઉંમર આશરે 30 વર્ષ હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી. ઘટનાની જાણ થતાં લોકલ ટ્રેનના ટ્રેન મેનેજરે ઈજાગ્રસ્ત વ્યક્તિને મદદ કરી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત પુરુષને ઘાટકોપર સ્ટેશનના ડેપ્યુટી સ્ટેશન માસ્ટરને સોંપવામાં આવ્યો હતો. તેને મદદ પૂરી પાડવામાં આવી રહી હતી તે દરમિયાન લોકલ ટ્રેન સવારે 8:35થી 8:49 વાગ્યા સુધી રોકી રાખવામાં આવી હતી. આ રીતે ટ્રેન લગભગ 15 મિનિટ સુધી અટકતાં રેલવેનો વ્યવહાર પણ આ દરમ્યાન ખોરવાયો હતો.

બંને ઘટનાઓ અંગે પોલીસ અને રેલવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, મહિલાના ટ્રેનમાંથી પડવા પાછળનું કારણ અને ઘાટકોપર પાસે ઈજાગ્રસ્ત મળી આવેલા પુરુષને ઈજા કેવી રીતે થઈ તે બાબતની તપાસ કરાઈ રહી છે. પરંતુ 24 કલાકમાં બનેલી આ બે  દુર્ઘટનાઓને કારણે મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષા ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે.

વધુ જુઓ...