વીજળીનો આંચકો લાગીને આઠ વર્ષની બાળકી સહિત બેનાં મોત, ચાર જખમી
બેસ્ટ દ્વારા ખામીયુક્ત વીજજોડાણ બદલ ગણેશ મંડળને ‘૩૮-બી’ નોટિસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આ વર્ષે મુંબઈમાં ગણેશોત્સવની ઉજવણીને જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ ગણેશોત્સવ શરૂ થયો છે ત્યારથી એકપછી એક દુર્ઘટના બની રહી છે. અગાઉ ભુલેશ્ર્વરમાં ગણેશમૂર્તિ તૂટી પડીને બેનાં મૃત્યુ થવાની ઘટના હજી તાજી છે ત્યારે શનિવારે મુંબઈના કાલાચોકીના જગપ્રખ્યાત મહાગણપતિ ઉત્સવ મંડળના ગણેશ મંડપ નજીક શનિવાર મધરાત બાદ ભીષણ દુર્ઘટના ઘટી હતી, જેમાં મંડપ પાસે ઊભા કરવામાં આવેલા તાત્પૂરતા પાણીના સ્ટોલ નજીક વીજળીનો આંચકો લાગવાથી આઠ વર્ષની બાળકી સહિત બેનાં મોત થયાં હતાં અને ચાર લોકો જખમી થયા હોવાની દુર્ઘટના બની હતી.
શનિવાર-રવિવારની રજા હોવાથી દક્ષિણ મુંબઈના પ્રખ્યાત લાલબાગ-પરેલ, કાલાચોકી અને ભાયખલા વિસ્તારમાં આખી રાત ભક્તોની મોટા પ્રમાણમાં ભીડ ઊમટી હતી. ગણેશમંડળોના કાર્યકર્તા સહિત પોલીસને પણ ભીડને નિયંત્રણમાં રાખવામાં નાકે દમ આવી ગયો હતો. ખાસ કરીને લાલબાગચા રાજા, ગણેશગલી સહિતના પ્રખ્યાત મંડળોના ગણપતિ હોવાથી આખી રાત ભક્તોની અવરજવર રહેતી હોય છે, તેમાં શનિવારે રાત્રે લગભગ ૨.૨૦ વાગ્યે કાલાચોકીમાં દત્તારામ લાડ માર્ગ પર સાંકડી ગલીમાં આવેલા મહાગણપતિ ઉત્સવ મંડળના પ્રવેશદ્વાર નજીક શોર્ટ સર્કિટ થયા બાદ છ લોકો જખમી થયા હોવાની દુર્ઘટના બનતા ખળભળાટ મચી ગયો હતો.
પાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર મંડપના પ્રવેશદ્વાર નજીક પીવાના પાણી અને કોલ્ડ ડ્રિંકના કામચલાઉ સ્ટોલ પર વીજ પ્રવાહ હોવાનું જણાયું હતું. મુંબઈ ફાયર બ્રિગેડને રાત્રે ૨.૪૨ વાગ્યે આ ઘટનાનો કોલ મળ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનો, પોલીસ, પાલિકાના અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી દીધો હતો.
સાવચેતીના પગલારૂપે તે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો.
વીજળીનો આંચકો લાગવાથી અસરગ્રસ્ત છ લોકોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. તેમાંથી બેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ આઠ વર્ષની રાગિની યાદવ અને ૩૩ વર્ષની સુજાતા તરીકે કરવામાં આવી છે. અન્ય ત્રણ વ્યક્તિઓ જખમી થયા હતા, જેમાં કિરણ અકબર નાઈક (૧૯), તન્વી નરેશ હાંડે (૧૯) અને સાહિલ સંદીપ તારે (૧૯) હાલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે. ૧૨ વર્ષની બાળકી, રૂહી સિંહને ગંભીર હાલતમાં હૉસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટ(આઈસીયુ)માં દાખલ કરવામાં આવી હતી. ભાયખલામાં આવેલી મસીના હોસ્પિટલમાં રાગિનીને સારવાર મળે તે પહેલા જ મૃત જાહેર કરવામાં આવી હતી. જયારે સુજાતાને પરેલી ગ્લોબલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પણ સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું.
રાગિણીની નજીકની વ્યક્તિના જણાવ્યા મુજબ પરિવાર રાત્રે બે વાગ્યાની આસપાસથી લાઈનમાં તેમનો નંબર આવે તેની રાહ જોઈ રહ્યો હતો પરંતુ ભીડને કારણે ત્યાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો હતો. તેઓ એક બાજુના રસ્તે ગયા અને ભીડને પસાર થવા દેવા માટે મંડપની બહાર એક દુકાન પાસે ઊભા રહ્યા, ત્યારે આ ઘટના બની હતી ત્યાં મંડપ પાસે લાઈટો લગાવવામાં આવી હતી.
બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ના અધિકારીઓને દિગ્વિજય મિલ ચાલ ખાતે તપાસ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે ગણેશ ઉત્સવની ઉજવણી અને કોલ્ડ ડ્રિંક સ્ટોલ માટે લાઈટની વ્યવસ્થા કરવા માટે ત્યાં કામચલાઉ વીજળીનું મીટર લગાવવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક ઈલેક્ટ્રિશિયન દ્વારા વાયરિંગ અને એમસીબીનું જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું.
દરમ્યાન રવિવારે સાંજે જાહેર કરાયેલા એક નિવેદનમાં બેસ્ટ ઉપક્રમે જણાવ્યું હતું કે આ ઘટના બાદ તેમના અધિકારીઓએ કાલાચોકી વિભાગ સાર્વજનિક ઉત્સવ મંડળ ખાતે લગાવવામાં આવેલા કામચલાઉ મીટર નંબર એમ-૨૧૭૩૯૨નો વીજપુરવઠો કાપી નાખ્યો હતો. તેમ જ બેસ્ટ દ્વારા ખામીયુક્ત વીજજોડાણ બદલ મંડળને ‘૩૮-બી’ નોટિસ પણ ફટકારી હતી.
રવિવારે મધરાતે આ ઘટના ઘટી એ બાદ સ્થાનિક વાયરમેને ડિસ્ટ્રિબ્યૂશન બોક્સનો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. બેસ્ટના નિવેદન અનુસરા બેસ્ટ અને પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ સ્થળની તપાસ કરી હતી, જ્યારે પોલીસની ટીમે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટનું કારણ જાણવા માટે કાલાચોકી પોલીસે તપાસ શરૂ કરી છે.
આ દરમ્યાન આ દુર્ઘટના બાદ મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતના પ્રધાને ગણપતિ મંડળોને અનુરોધ કર્યો હતો કે તેઓ ભક્તોની સુરક્ષાને સર્વોચ્ય પ્રાથમિકતા આપે અને ભીડના સંચાલન બાબતે સર્તક તથા જવાબદાર રહે.
પોલીસ ભીડ નિયંત્રણમાં રાખવામાં નિષ્ફળ
સ્થાનિક રહેવાસીઓએ આ ઘટના માટે ભીડ અને લોકો વચ્ચેની ધક્કામુક્કીને જવાબદાર ગણાવી હતી. મંડળના વરિષ્ઠ હોદ્દેદારના જણાવ્યા મુજબ શનિવારે રાત્રે દત્તારામ લાડ માર્ગ પર ભારે ભીડ જોવા મળી હતી. દુર્ઘટના સમયે ત્યાં ૫૦,૦૦૦ કે તેથી વધુ લોકો હોવાનો અંદાજ લગાવ્યો હતો. સ્થાનિક લોકોએ પોલીસ દ્વારા ગેરવહીવટ અને ભીડ નિયંત્રણમાં નિષ્ફળતાનો આરોપ મૂક્યો હતો. ગણપતિ ઉત્સવ દરમ્યાન રજાના દિવસે મધ્યરાત્રિની આસપાસ પોલીસ સામાન્ય રીતે ડો. આંબેડકર રોડ અને દત્તારામ લાડ માર્ગના જંકશન પર બેરિકેડ્સ મૂકે છે, જેથી કાલાચૌકી તરફ જતા ભક્તોના પ્રવાહને નિયંત્રિત કરી શકાય અને તેમને ભાયખલા તરફ વાળવામાં આવે.
સ્ટોલના લોખંડના સળિયા તૂટીને વીજપ્રવાહના સંપર્કમાં આવ્યો
પ્રત્યદર્શીના જણાવ્યા મુજબ ઘટના સમયે ‘મુખ દર્શન’ની લાઈનમાં ભારે ભીડ હતી, જેના કારણે બેરિકેડ્સ વળી ગયા અને તૂટી ગયા. ઉપરાંત બંને દિશામાં જતી ભારે ભીડને કારણે આખો રસ્તો જામ થઈ ગયો હતો, ખાસ કરીને મહાગણપતિ ગેટની બહાર ભારે ભીડ હતી. ભીડની ધક્કામુક્કી વચ્ચે કેટલાક લોકોને સ્ટોલ તરફ ધકેલી દેવામાં આવ્યા હતા. જેના કારણે સ્ટોલના લોખંડના સળિયા તૂટી પડ્યા અને કદાચ તે વીજપ્રવાહના સંપર્કમાં આવ્યા હશે. આ બધું માત્ર થોડી સેક્ધડોમાં જ બની ગયું. ગણપતિ મંડળમાં લાઈનનું સંચાલન કરતા મંડળના કાર્યકરોને પણ લોકોને મદદ કરતી વખતે વીજળીનો આંચકો લાગ્યો હતો.