Fri Oct 16 2026

Logo

મુંબઈમાં ગણપતિ વિસર્જન દરમિયાન ધ્વનિ પ્રદૂષણ વધ્યું, રિપોર્ટમાં ખુલાસો

2026-09-26 20:19:16
Author: Vipul Vaidya
મુંબઈમાં ગણપતિ વિસર્જન દરમિયાન ધ્વનિ પ્રદૂષણ વધ્યું, રિપોર્ટમાં ખુલાસો

મુંબઈ: મુંબઈમાં ગણપતિ વિસર્જન દરમિયાન ધ્વનિ પ્રદૂષણનું સ્તર 107.8 ડેસિબલ સુધી પહોંચી ગયું હતું. ‘આવાઝ ફાઉન્ડેશન’ દ્વારા જાહેર કરાયેલા અહેવાલમાં મોડી રાત સુધી લાઉડસ્પીકરના ઉપયોગને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

‘આવાઝ ફાઉન્ડેશન’એ 25 અને 26 સપ્ટેમ્બરના રોજ ગણપતિ વિસર્જન દરમિયાન મુંબઈના વિવિધ વિસ્તારોમાં અવાજનું સ્તર માપ્યું હતું. અહેવાલ મુજબ, કેટલાક સ્થળોએ અવાજનું સ્તર 107.8 ડેસિબલ સુધી નોંધાયું હતું. ફાઉન્ડેશને આ અહેવાલ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, મુંબઈ પોલીસ કમિશનર અને મુખ્ય સચિવને મોકલ્યો છે.

ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, 25 સપ્ટેમ્બરની રાત્રે બાંદ્રા પશ્ચિમમાં સૌથી વધુ અવાજ નોંધાયો હતો. રાત્રે આશરે 10.03 વાગ્યે અહીં 91થી 107.8 ડેસિબલ વચ્ચે અવાજ નોંધાયો હતો. આ દરમિયાન લાઉડસ્પીકર સાથે બેન્જો વગાડવામાં આવી રહ્યો હતો.

ત્યારબાદ થોડા સમય બાદ વર્લીમાં પણ અવાજનું સ્તર ઘણું ઊંચું નોંધાયું હતું. રાત્રે 10.28 વાગ્યે અહીં 94થી 107 ડેસિબલ સુધીની રીડિંગ નોંધાઈ હતી. અહીં લાઉડસ્પીકર વિના ઢોલ-તાશા વગાડવામાં આવી રહ્યા હતા.

ગિરગાંવ ચોપાટી અને ઓપેરા હાઉસમાં પણ ઊંચું ધ્વનિ સ્તર

અહેવાલ મુજબ, 25 સપ્ટેમ્બરની સાંજે ગિરગાંવ ચોપાટી પર 4.41 વાગ્યે 80.4થી 91.4 ડેસિબલ વચ્ચે અવાજ નોંધાયો હતો. અહીં રાજકીય પક્ષોના બૂથ પર લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

બીજી તરફ, ઓપેરા હાઉસ જંક્શન પર સાંજે 5.05 વાગ્યે જનરેટર અને લાઉડસ્પીકર વિના નીકળેલી વિસર્જન યાત્રામાં 90.3થી 96.1 ડેસિબલ સુધીનો અવાજ નોંધાયો હતો. સાંજે 5.28 વાગ્યે આ જ વિસ્તારમાં બીજી એક વિસર્જન યાત્રા દરમિયાન 86થી 93.7 ડેસિબલ સુધીનો અવાજ નોંધાયો હતો.

‘આવાઝ ફાઉન્ડેશન’ના અહેવાલમાં મોડી રાત સુધી લાઉડસ્પીકરના ઉપયોગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, 26 સપ્ટેમ્બરની રાત્રે 12.06 વાગ્યે ઓપેરા હાઉસમાં 84.9થી 87 ડેસિબલ સુધીનો અવાજ નોંધાયો હતો.

તેના આશરે 12 મિનિટ બાદ, રાત્રે 12.18 વાગ્યે ગિરગાંવ ચોપાટી પર 87થી 94 ડેસિબલ વચ્ચે અવાજ નોંધાયો હતો. અહેવાલ મુજબ, અહીં રાજકીય બૂથ પર લાઉડસ્પીકર દ્વારા સંગીત વગાડવામાં આવી રહ્યું હતું. રાત્રે 12.30 વાગ્યે પણ આ જ વિસ્તારમાં 82થી 90 ડેસિબલ સુધીનો અવાજ નોંધાયો હતો અને લાઉડસ્પીકરનો ઉપયોગ ચાલુ હતો.

2026માં મોટાભાગની વિસર્જન યાત્રાઓમાં DJ અને લાઉડસ્પીકરનો ઉપયોગ નહીં

‘આવાઝ ફાઉન્ડેશન’નું કહેવું છે કે 2026માં ગણપતિ વિસર્જન દરમિયાન મોટાભાગની વિસર્જન યાત્રાઓમાં ટ્રક પર લગાવવામાં આવતા ડીજે અને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. જોકે, કેટલાક રાજકીય બૂથ પર મોડી રાત સુધી લાઉડસ્પીકર અને સંગીત વગાડવામાં આવતું હોવા અંગે ફાઉન્ડેશને સવાલો ઉઠાવ્યા છે.

ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, 2025માં ભારે વરસાદને કારણે ડેસિબલ રીડિંગ લેવામાં આવી શકી નહોતી. આ પહેલાં 2024માં ઓપેરા હાઉસમાં મહત્તમ 115 ડેસિબલ, 2023માં 114.7 ડેસિબલ, 2022માં 120.2 ડેસિબલ અને 2021માં 93.1 ડેસિબલનો મહત્તમ અવાજ નોંધાયો હતો.

‘આવાઝ ફાઉન્ડેશન’ની સ્થાપક સુમૈરા અબ્દુલઅલીએ પોતાના અહેવાલમાં સુપ્રીમ કોર્ટના 18 જુલાઈ 2005ના આદેશ અને બોમ્બે હાઈકોર્ટના ઓગસ્ટ 2016ના આદેશનો ઉલ્લેખ કર્યો છે. અહેવાલ મુજબ, ધાર્મિક કાર્યક્રમો દરમિયાન પણ સ્વાસ્થ્ય સંબંધિત ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન કરવું જરૂરી છે.