Wed Oct 14 2026

Logo

મુંબઈમાં ગણેશવિસર્જન માટે ભવ્ય તૈયારી ગણેશમૂર્તિના વિસર્જન માટે ૬૭ નૈસર્ગિક અને ૩૮૩ કૃત્રિમ તળાવ

2026-09-19 22:47:38
Author: Sapna Desai
મુંબઈમાં ગણેશવિસર્જન માટે ભવ્ય તૈયારી ગણેશમૂર્તિના વિસર્જન માટે ૬૭ નૈસર્ગિક અને ૩૮૩ કૃત્રિમ તળાવ

૨૫,૦૦૦થી વધુ અધિકારી-કર્મચારી તહેનાત રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
આ વર્ષે પર્યાવરણને અનુરૂપ ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે અને ગણેશમૂર્તિના વિસર્જન પણ પર્યાવરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યાં છે, જેમાં હાઈ કોર્ટના નિર્દેશ અનુસાર છ ફૂટ સુધીની મૂર્તિના વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવામાં આવી રહ્યા છે, તે માટે પાલિકા દ્વારા ૨૭૮ સ્થળોએ ૩૮૩ કૃત્રિમ તળાવો તૈયાર કર્યાં છે અને ૬૭ કુદરતી વિસર્જન સ્થળોએ વ્યવસ્થાઓ પૂર્ણ કરી છે. તેમજ સમગ્ર શહેરમાં ૨૫,૦૦૦થી વધુ પાલિકાના અધિકારી અને  કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. આ દરમ્યાન દરિયાકિનારા પર જેલીફિશ જેવી દરિયાઈ જીવોથી ગણેશભક્તોને સાવધાન રહેવાની અપીલ કરવામાં આવી છે.

મુંબઈમાં ૧૪ થી ૨૫ સપ્ટેમ્બર દરમ્યાન ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે પાલિકા પ્રશાસને મુંબઈ હાઈ કોર્ટના ૨૦ ઑગસ્ટના નિર્દેશના આધારે વિસર્જન માટેની માર્ગદર્શિકા અમલમાં મૂકી છે. છ ફૂટ  કે તેથી ઓછી ઊંચાઈ ધરાવતી મૂર્તિઓનું વિસર્જન માત્ર કૃત્રિમ તળાવોમાં જ કરવાનું રહેશે, જ્યારે છ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી મૂર્તિઓનું વિસર્જન માત્ર ૬૭ અધિકૃત કુદરતી સ્થળોએ જ થઈ શકશે, જેમાં ૪૪ દરિયાકિનારા અને જેટી તેમજ ૨૩ કુદરતી તળાવો અને સરોવરોનો સમાવેશ થાય છે.

નૈસર્ગિક વિસર્જન સ્થળે ૧,૧૯૪ સ્ટીલ પ્લેટ, ૨૩ જર્મન તરાફા, ૩૪ ક્રેન, ૮૫ એમ્બ્યુલન્સ, ૧૦ મોટરબોટ, ૪૯૮ કચરો એકત્રિત કરતાં વાહનો, ૩૨૬ કચરાના ડમ્પર્સ, ૨૬૧ સ્વાગત કેબિન્સ, ૨૨૮ કંટ્રોલ રૂમ્સ, ૭૫ નિરીક્ષણ ટાવર, ૧,૧૩૨ લાઈફગાર્ડ, ૬,૦૫૨ ફ્લડલાઇટ્સ/સર્ચલાઇટ અને ૪૮૯ મોબાઈલ ટોઈલેટનો સમાવેશ થાય છે.

ગિરગામમાં ૧૨ કૃત્રિમ તળાવ

‘સ્વરાજ્યભૂમિ’ તરીકે ઓળખાતા અને મુંબઈના સૌથી વ્યસ્ત વિસર્જન સ્થળ એવા ગિરગાંવ ચોપાટી ખાતે પાલિકાએ ૧૨ કૃત્રિમ તળાવો બનાવ્યાં છે અને ઉત્સવની દેખરેખ માટે લગભગ ૧,૦૦૦ કર્મચારીઓને તહેનાત કર્યા છે.  ગણેશભક્તોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ર્ચિત કરવા માટે આ સ્થળ પર ૨૦ વોચટાવર, ૯૦ મોબાઈલ ટોઈલેટ, બાવીસ નિર્માલ્ય કલશ, એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૫૪૮ ફ્લડલાઈટ, ૧૧ સર્ચલાઈટ, બાવીસ તરાફા અને ત્રણ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

પર્યાવરણ સંવર્ધનનો સંદેશ

પર્યાવરણીય સંધર્વનને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે પાલિકાએ ‘એક ગણપતિ, એક ઝાડ’ પહેલ શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય મુંબઈમાં વિસર્જન કરવામાં આવતી દરેક ગણેશ મૂર્તિ દીઠ એક વૃક્ષ વાવીને મુંબઈના હરિયાળા ભવિષ્ય માટે યોગદાન આપવાનો ઉપક્રમ છે. આ પહેલની કલ્પના મેયર રીતુ તાવડે દ્વારા કરવામાં આવી હતી. ગણેશોત્સવના માધ્યમથી નાગરિકોમાં વૃક્ષોનું વાવેતર, વૃક્ષસંવર્ધન અને પર્યાવરણના સંરક્ષણ બાબતે જનજાગૃતિ નિર્માણ કરવામાં આવી રહી છે. તેમ જ પર્યાવરણ-અનુકૂળ મૂર્તિ નિર્માણને પ્રોત્સાહન આપવા માટે પાલિકાએ આ વર્ષે મૂર્તિ બનાવતા કારીગરોને ૯૪૦ મેટ્રિક ટન ‘શાડુ’ માટી અને ૨૫,૪૦૦ લિટર ઇકો-સર્ટિફાઇડ (પર્યાવરણ-પ્રમાણિત) રંગ વિનામૂલ્યે વિતરિત કર્યા હતા.

વિસર્જન રૂટ પર તૈયારી

વિસર્જન પ્રક્રિયા પહેલાં પાલિકા પ્રશાસને ૨૮૧ સ્થળ પસાર થતાં અને નીચે લટકતા કેબલ્સ હટાવ્યા હતા. ૪,૨૭૯ ખાડાઓનું સમારકામ કર્યું અને ૫૦૬ માર્ગો પર ૧૭૧ ડ્રેનેજ કવર (ગટરના ઢાંકણાં) ઠીક કર્યાં છે. તેમજ વિસર્જન સરઘસો સરળતાથી પસાર થઈ શકે તે માટે ૫૧૫ માર્ગખંડો પર વૃક્ષોની ડાળખી છટણીનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. 

અનંત ચર્તુદર્શીના ચોપાટી પર જેલીફિશથી સાવધાન રહેવું

મુંબઈમાં દર વર્ષે ગણેશવિસર્જન દરમ્યાન ચોપાટીઓ પર કિનારપટ્ટી પર ‘બ્લૂ બટન જેલીફિશ’ અને ‘સ્ટિંગ રે’ પ્રજાતિઓની માછલીઓનું જોખમ રહેતું હોય છે. ચોપાટી પર કિનારા પર  પ્રવેશતા ભક્તોને ‘બ્લૂ બટન જેલીફિશ’ અને ’સ્ટિંગરે’ જેવા મોસમી દરિયાઈ જીવોથી સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. સદ્નસીબે અત્યાર સુધી છેલ્લા છ દિવસ દરમ્યાન ચોપાટીઓ પર એક પણ માછલીના ડંખના કેસ નોંધાયા નથી.