Thu Oct 15 2026

Logo

મુંબઈમાં શુક્રવાર વહેલી સવાર સુધીમાં ૩૭,૮૪૩ ગણેશમૂર્તિના વિસર્જન

2026-09-19 17:24:38
Author: Sapna Desai
મુંબઈમાં શુક્રવાર વહેલી સવાર સુધીમાં ૩૭,૮૪૩ ગણેશમૂર્તિના વિસર્જન

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
દેશભરમાં ધૂમધામથી ગણેશોત્સવની ઊજવણી ચાલી રહી છે. વિવિધ પરંપરાઓ અનુસાર ભગવાન ગણેશની મૂર્તિઓનું વિસર્જન સ્થાપનાના દોઢ દિવસ પછી, ત્રીજા દિવસે, પાંચમા દિવસે, છઠ્ઠા દિવસે, સાતમા દિવસે અને અનંત ચતુર્દશી (ઉત્સવના સમાપન દિવસે) કરવામાં આવે છે. ગણપતિ વિસર્જનના પાંચમા દિવસનું વિસર્જન શુક્રવારે સવારે છ વાગ્યા સુધી ચાલ્યું હતું, જેમાં  કુલ ૩૭,૮૪૩ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

મુંબઈના જુદા જુદા વિસર્જન સ્થળે  ગુરુવારે પાંચ દિવસના ગણપતિનું વિસર્જન બપોર બાદ શરૂ થયું હતું તે શુક્રવાર વહેલી સવાર સુધી ચાલ્યું હતું. શુક્રવારે ગણપતિ વિસર્જનના પાંચમા દિવસના ગણપતિનું સવારે છ વાગ્યા સુધીમાં કુલ ૩૭,૮૪૩ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં ૩૫,૮૪૩ ઘરની ગણપતિ મૂર્તિઓ, ૧,૦૩૦ સાર્વજનિક ગણપતિ મંડળોની મૂર્તિઓ અને ૧૨૯ દેવી હરતાલિકાની મૂર્તિઓનો સમાવેશ થાય છે.  તો શુક્રવારના છઠ્ઠા દિવસના ગણપતિનું બપોરના ત્રણ વાગ્યા સુધીમાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળની ચાર, ઘરની ૨૭૦ અને ગૌરીની ૩૩ એમ કુલ ૩૦૭ મૂર્તિના વિસર્જન કરવામાં આવ્યા હતા.

૧૫-૧૬ સપ્ટેમ્બર દરમ્યાન દોઢ દિવસના વિસર્જન વખતે સમગ્ર મહાનગરમાં જળાશયોમાં ગણેશ અને હરતાલિકાની કુલ ૬૧,૬૪૦ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ મંડળો કામચલાઉ  મંડપોમાં મોટી અને સુંદર રીતે શણગારેલી મૂર્તિઓ સ્થાપિત કરે છે. મુંબઈ મહાનગરપાલિકાએ ગણેશ ભક્તો માટે સમગ્ર શહેરમાં કૃત્રિમ તળાવો સહિત વિવિધ સ્થળોએ વિસર્જનની વ્યવસ્થા કરી છે. આ ઉત્સવ ૧૪ સપ્ટેમ્બરે શરૂ થયો હતો અને અનંત ચતુર્દશી (૨૫ સપ્ટેમ્બર) ના રોજ સમાપ્ત થશે.