૩૯૯ ફૂટપાથ પરથી ૨,૮૦૩ અતિક્રમણ અને ફેરિયાઓને હટાવાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની ફૂટપાથ અતિક્રમણ મુક્ત હોય અને તેના પર નાગરિકો સહજતાથી ચાલવા માટે તેનો ઉપયોગ કરી શકે તે માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ’ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત પહેલા તબક્કામાં મુંબઈની ૩૯૯ ફૂટપાથ પરથી અતિક્રમણ હટાવવામાં આવ્યા છે અને લગભગ ૫૦૦ કિલોમીટર લંબાઈના રસ્તા રાહદારીઓ માટે અતિક્રમણ મુક્ત થયા છે.
પાલિકાના જણાવ્યા મુજબ મુંબઈના ૨૬ પ્રશાસકીય વોર્ડમાં ૩૯૯ ફૂટપાથ પરથી અતિક્રમણ હટાવ્યા છ. આ કાર્યવાહીને કારણે લગભગ ૫૦૦ કિલોમીટર લંબાઈના રસ્તા રાહદારીઓ માટે મુક્ત થયા છે. અત્યાર સુધી ૨,૮૦૩ અતિક્રમણ તથા ફેરિયાઓને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે હૉસ્પિટલ, સ્કૂલ, કૉલેજ, રેલવે-બસ સ્ટોપ જેવા સાર્વજનિક સ્થળોનો સમાવેશ થાય છે.
પાલિકાના કમિશનર અશ્ર્વિની ભીડએ શનિવારે જણાવ્યું હતું કે ફૂટપાથ પર ટૂ-વ્હીલરના ગેરકાયદે રીતે કરવામાં આવતા પાર્કિંગને રોકવા માટે ટ્રાફિક પોલિસ સાથે સમન્યવ સાધીને નિયમિત કાર્યવાહી કરવામાં આવવાની છે. ફૂટપાથની પહોળાઈ અને રાહદારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવશ્યક ઠેકાણે આયોજનબદ્ધ રીતે પાર્કિંગ માટે માર્કિંગ કરવામાં આવશે. તેમ જ રસ્તાની એક તરફ પાર્કિંગ માટે યોગ્ય જગ્યા ઉપલબ્ધ હશે તો સ્વતંત્ર પાર્કિંગ-બે વિકસિત કરીને ગેરકાયદે રીતે પાર્કિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
કમિશનરે વધુમાં કહ્યું હતું કે ફૂટપાથ પર લાઈસન્સ ધરાવતી કાયદેસર દુકાનો અને સ્ટોલનું સ્ળાંતર કરીને અથવા તેમનું પુનર્વસન કરતા સમયે મૂળ જગ્યાના ક્ષેત્રફળને ગણીને તે મુજબ જ મંજૂરી આપીને પુનવર્સન કરવામાં આવશે. અતિક્રમણ હટાવ્યા બાદ ફૂટપાથનું તાત્કાલિક સમારકામ કરીને ચાલવા યોગ્ય બનાવવામાં આવશે.
અમુક હાઉસિંગ સોસાયટીઓએ ફૂટપાથમાં ગેરકાયદે રીતે ફેરફાર કરીને વાહનોની અવરજવર માટે રૅમ્પ બનાવ્યા છે, તેની તપાસ કરીને સંંબંધિત સોસાયટીને નોટિસ મોકલીને રૅમ્પ હટાવીને ફૂટપાથ ચાલવા યોગ્ય બનાવવા બાબતે પણ કમિશનરે નિર્દેશ આપ્યો છે.