(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના દાદર રેલવે સ્ટેશન પર મહિલા સરકારી રેલવે પોલીસ જીઆરપીની સતર્કતા અને બહાદુરીના કારણે એક 28 વર્ષીય યુવકનો જીવ બચી ગયો. ગુરુવારે રાત્રે બનેલી ઘટના સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગણતરીની જ સેકન્ડની અંદર મહિલા હેડ કોન્સ્ટેબલે દોડી જઈ યુવકને ચાલતી લોકલ ટ્રેનની અડફેટમાં આવતાં બચાવી લીધો.
પશ્ચિમ રેલવેમાં આ ઘટના 30 જુલાઈની રાત્રે લગભગ 10.52 વાગ્યે દાદર સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર બની હતી. બોરીવલી જતી ધીમી લોકલ જ્યારે દાદરના પ્લેટફોર્મ પરથી આગળ વધી રહી હતી ત્યારે રાત્રિના પેટ્રોલિંગ પર રહેલી જીઆરપીની હેડ કોન્સ્ટેબલ અનિતા નરવડે, સહાયક પોલીસ નિરીક્ષક પઠાણ અને ચવાણ, હેડ કોન્સ્ટેબલ રૂપનવર તેમ જ પોલીસ કોન્સ્ટેબલ તાપોલે ફરજ પર હતા. જોકે, એ વખતે યુવક અચાનક પ્લેટફોર્મ પર સૂઈ ગયો અને ચાલતી લોકલ ટ્રેનના ફૂટબોર્ડ નીચે પોતાનું માથું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોન્સ્ટેબલની સમયસૂચકતાએ યુવકનો જીવ બચાવ્યો હતો.
યુવકની આ હરકત ધ્યાનમાં આવતા જ હેડ કોન્સ્ટેબલ અનિતા નરવડે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તેની તરફ દોડી ગઈ. તેમણે યુવકના પગને પકડીને જોરથી ખેંચી લીધો અને તેને ચાલતી ટ્રેનની અડફેટમાં આવતાં સેકન્ડોમાં બચાવી લીધો. મુંબઈ સેન્ટ્રલ GRPના સિનિયર ઇન્સ્પેક્ટર રવિન્દ્ર કાટકરે જણાવ્યું કે હેડ કોન્સ્ટેબલ નરવડેએ સમયસર કાર્યવાહી કરીને સંભવિત જીવલેણ અકસ્માત ટાળ્યો. સમગ્ર ઘટનાનો CCTV વીડિયો પણ હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર યુવકને કોઈ ગંભીર ઇજા પહોંચી નથી. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે તે પારિવારિક વિવાદને કારણે માનસિક તણાવમાં હતો. તે પરિણીત છે અને તાજેતરમાં ઉત્તર પ્રદેશમાંથી મુંબઈ આવ્યો હતો તેમ જ પોતાના સગાંઓ સાથે રહેતો હતો. જોકે, તેણે પોતાની ઓળખ કે સરનામું પોલીસને જણાવવાનો ઇનકાર કર્યો હતો. પોલીસનું કહેવું છે કે ઘટના સમયે તે દારૂના નશામાં હોવાની પણ શંકા છે.
જીઆરપીએ યુવકને કાઉન્સેલિંગ માટે મોકલવાની અને જરૂર પડે તો ડી-એડિક્શન સેન્ટરમાં સારવાર અપાવવાની તૈયારી શરૂ કરી છે. સાથે જ તેની ઓળખ મેળવવાની, પરિવારજનોનો સંપર્ક સાધવાની તેમજ ભવિષ્યમાં તે ફરી આવું પગલું ન ભરે તે માટે જરૂરી માનસિક સહાય પૂરી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહિલા હેડ કોન્સ્ટેબલ અનિતા નરવડેએ દર્શાવેલી સમયસૂચકતા અને હિંમતના કારણે એક યુવાનનો જીવ બચી જતાં તેમની કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.