પુનર્વિકાસના કામ વખતે પ્રવાસીઓ બન્યા ભોગ, પેસેન્જરની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલ
મુંબઈ: મુંબઈના ઐતિહાસિક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) રેલવે સ્ટેશન પર ગુરુવારે રાત્રે એક દુર્ઘટના બની હતી. સ્ટેશનના બુકિંગ હોલના પ્રવેશદ્વાર નજીક છતનો એક ભાગ અચાનક તૂટી પડતાં બે મુસાફરો ઘાયલ થયા હતા. રાત્રે લગભગ 10.05 વાગ્યે બનેલી આ ઘટનાને પગલે સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસ અને જાળવણીના કામ દરમિયાન મુસાફરોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે.
સીએસએમટીમાં જે વિસ્તારમાં છતનો ભાગ તૂટી પડ્યો હતો ત્યાં રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (આરએલડીએ) દ્વારા પુનર્વિકાસ અને જાળવણીનું કામ ચાલી રહ્યું છે. આ રેલવેના વિકાસના પ્રોજેક્ટ હેઠળ ઐતિહાસિક સ્ટેશનની અંદર આવેલી કચેરીઓના સુધારા સહિત સ્ટેશનની આસપાસના વિસ્તારો અને પ્લેટફોર્મ ડેકના વિકાસનાં કામો હાથ ધરવામાં આવી રહ્યાં છે.
Ceiling collapses at Mumbai’s CSMT during RLDA work, injuring two passengers. Questions are being raised over construction safety and accountability. #Mumbai #CSMT #Railways #RLDA #BreakingNews https://t.co/derSDp5MOD
— Chetna Raja (@ChetnaRaja) October 23, 2026
આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા મુસાફરોની ઓળખ વિનાયક હટકર (28) અને અયાન માતવણકર (24) તરીકે થઈ છે. બંનેને સારવાર માટે સીએસએમટી નજીક આવેલી સરકારી સેન્ટ જ્યોર્જ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યા હતા. વિનાયક હટકરના માથા પર ઈજા થઈ હતી, જ્યારે અયાન માતવણકરને ડાબી આંખની પાંપણ પાસે ઘા અને જમણા પગના ઘૂંટણ પર સોજો આવ્યો હતો. હટકરના માથા પરના ઘા પર ટાંકા લેવા પડ્યા હતા.
સીએસએમટીએ મુંબઈના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોમાંનું એક છે અને અહીંથી દરરોજ આશરે 12 લાખ મુસાફરોની અવરજવર કરતા હોય છે. આવી સ્થિતિમાં મુસાફરોની સતત અવરજવર વચ્ચે ચાલતાં બાંધકામનાં કામોમાં સુરક્ષાનાં પૂરતાં ન લેવાતા બે મુસાફરોને ગંભીર ઇજા થઇ હતી.
આટલી મોટી સંખ્યામાં લોકો દરરોજ મેલ એક્સપ્રેસ અને લોકલ ટ્રેનોમાં આ જ સ્ટેશન પરથી પ્રવાસ કરતા હોવા છતાં શું તેમની સુરક્ષા માટે રેલવે કોઈ આવશ્યક પગલાં નથી લઈ રહ્યું કે કેમ તેવા સવાલો નિર્માણ થયા છે.
અહીં જણાવવાનું કે આ જ મહિનાની શરૂઆતમાં પણ સીએસએમટી સ્ટેશનની બહાર એક જૂની ઈમારતની દીવાલ તૂટી પડી હતી. આ ઈમારતને તોડી પાડવાની યોજના હતી. તે ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ એક કાર, બે મોટરસાઇકલ અને પાણીના ટેન્કર ટ્રકને નુકસાન થયું હતું. હવે સ્ટેશનની અંદર છતનો ભાગ તૂટી પડવાની ઘટનાએ પુનર્વિકાસનાં કામ દરમિયાન સુરક્ષાની વ્યવસ્થા અંગે ફરી ચિંતા વધારી છે.