સાયન, વિદ્યાવિહાર અને ગોરેગામ-મુલુંડ લિંક પરનો ફ્લાયઓવર વાહનચાલકો માટે ખુલ્લો મુકાશે...
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આખરે મુંબઈગરાની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. મુંબઈના ટ્રાફિક માટે અત્યંત મહત્ત્વના ગણાતા પુલો તૈયાર હોવા છતાં ઉદ્ઘાટનને લઈને તેને ખુલ્લા મૂકવામાં વિલંબ થઈ રહ્યો હતો. છેવટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને હસ્તે સાયન રેલવે સ્ટેશન પાસેનો રેલવે ઓવર બ્રિજ, વિદ્યાવિહાર રેલવે સ્ટેશન પાસેનો રેલવેઓવર બ્રિજ અને ગોરેગામ-મુલુંડ લિંક રોડ પરના ફ્લાયઓવરનું ગુરુવાર, ૨૨ ઑક્ટોબરના બપોરના એક વાગે વર્ચ્યુઅલ પદ્ધતિએ લોકાર્પણ કરવામાં આવવાનું છે.
મુંબઈ મહાનગરના ટ્રાફિક વ્યવસ્થાને વધુ સક્ષમ કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ઊભા કરવામાં આવેલા ત્રણ ફ્લાયઓવરનું લોકાર્પણ મહત્ત્વનું બની રહેવાનું છે. મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ-ટૂ અંતર્ગત મધ્ય રેલવે મારફત છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને કુર્લા વચ્ચે બે વધારાની પાંચમી અને છઠ્ઠી લાઈન નાખવાનું આયોજન છે. આ માટે તેમને જગ્યા ઉપલબ્ધ કરવા માટે સાયન રેલવે સ્ટેશન નજીક રેલવે પર પુલને નવેસરથી બાંધવાનું કામ રેલવેની આવશ્યકતા મુજબ હાથ ધરવામાં આવ્યું હતું.

૧૧૨ વર્ષ જૂનો પુલ જોખમી જાહેર થતા પુલને તોડી પાડીને નવેસરથી બાંધવામાં આવ્યો છે. સાયન સ્ટેશન નજીક પાટા ઉપર રેલવે મારફત ૪૯૬ ટન વજનના ૫૪.૫ મીટર લંબાઈ અને ૨૬ મીટર પહોળા બે સેમી -થ્રૂ સ્ટીલ ગર્ડરનો ઉપયોગ કરી બનાવેલો પુલ પશ્ર્ચિમમાં ધારાવી, બીકેસી, બાન્દ્રા, કુર્લા તેમ જ પૂર્વ બાજુએ ડૉ.બાબાસાહેબ આંબેડકર રોડ અને ઈસ્ટર્નએક્સપ્રેસ હાઈવે જોડનારો મહત્ત્વનો કનેકટર છે.
વિદ્યાવિહાર રેલવે સ્ટેશન પાસે બાંધવામાં આવેલો પુલ ઘાટકોપર પૂર્વમાં રામચંદ્ર ચેંબૂરકર રોડ અને પશ્ર્ચિમમાં લાલબહાદુર શાસ્ત્રી માર્ગને જોડે છે. આ પુલથી પ્રવાસનો સમય ૩૦ મિનિટ પરથી ૧૦ મિનિટ સુધી ઓછો કરવામાં અને ઘાટકોપર સ્ટેશન પાસેના પુલ પરનો ટ્રાફિકનો ભાર ઘટાડવામાં મદદરૂપ થશે. ૬૦૦ મીટર લંબાઈ અને ૧૫.૫૦ અને ૧૭.૫૦ મીટર પહોળાઈના બે લેન પુલ પર છે.
ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેકટ અંતર્ગત ગોરેગામ પૂર્વમાં રત્નાગિરી હૉટલ પાસેના જંકશન પર ૧.૨૬ કિલોમીટર લંબાઈનો ત્રણ બાય ત્રણ લેનનો ફ્લાયઓવર ઊભો કરવામાં આવ્યો છે.

ગોરેગામ પૂર્વમાં જનરલ અરુણકુમાર વૈદ્ય માર્ગથી દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી (ફિલ્મસીટી) રોડ પર સંતોષ નગર સુધીના ફ્લાયઓવરનું બાંધકામ પૂર્ણ થતા તેને ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે. આ ફ્લાયઓવરથી ગોેરેગામ-મુલુંડ લિંક રોડ અંતગર્ત ટ્વિન ટનલ દ્વારા પૂર્વ અને પશ્ર્ચિ ઉપનગરને જોડવાની સાથે જનરલ અરુણકુમાર વૈદ્ય રોડ, દિંડોશી કોર્ટ, હૉટલ રત્નાગિરી જંકશન, વાલભટ્ટી નદી ચોક તેમ જ નજીકના પરિસરમાં ટ્રાફિકમાં ઘટાડો થશે.