મુંબઈઃ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) ની મુંબઈ ઝોનલ યુનિટે સોનાની દાણચોરી (Gold Smuggling) ના એક અતિ હાઇટેક અને અનોખા રેકેટનો પર્દાફાશ કર્યો છે. દુબઈથી મુંબઈ પહોંચેલા ત્રણ ભારતીય મુસાફરો પાસેથી DRI એ એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) ની મદદથી ₹14.81 કરોડની કિંમતનું 9.40 કિલોગ્રામ વિદેશી મૂળનું સોનું જપ્ત કર્યું છે.
તસ્કરોએ એરપોર્ટ સ્ક્રીનિંગ અને કસ્ટમ્સ તપાસમાંથી બચવા માટે સોનાને બારીક પાવડરમાં ફેરવીને રોજિંદા ખાદ્યપદાર્થોના પેકેટમાં મિશ્ર કરી દીધું હતું. આ મામલે ત્રણેય પેસેન્જરોની ધરપકડ કરી સમગ્ર દાણચોરી સિન્ડિકેટના નેટવર્કને ખંગાળવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
23 સપ્ટેમ્બરના રોજ મળેલી ગુપ્ત બાતમીના આધારે DRI અને AIU ની ટીમે દુબઈથી આવેલી ફ્લાઇટના 3 મુસાફરોને અટકાવ્યા હતા. સામાનની તપાસ કરતાં 33.50 કિલોગ્રામ ફૂડ પેકેટ્સ મળી આવ્યા હતા. તસ્કરોએ સોનાને ઝીણા પાવડર સ્વરૂપમાં ફેરવીને સમાન રંગ, ટેક્સચર અને ઘનતા ધરાવતા ખાદ્ય ઉત્પાદનોમાં ભેળવી દીધું હતું. જેમાં મિલ્ક પાવડર, ઓટ્સ, અલગ-અલગ લોટ, કોકોનટ મિલ્ક પાવડર અને ન્યુટેલા જેવા જાણીતા ફૂડ પેકેટનો સમાવેશ થતો હતો.
પકડાયેલા ફૂડ મિશ્રણને ખાસ લેબોરેટરી પ્રોસેસ દ્વારા અલગ કરીને તેની શુદ્ધતા તપાસવામાં આવી હતી. પ્રોસેસના અંતે કુલ 9.40 કિલો વિદેશી માર્કિંગ ધરાવતું શુદ્ધ સોનું બહાર આવ્યું હતું, જેનું બજાર મૂલ્ય આશરે રૂપિયા 14.81 કરોડ આંકવામાં આવ્યું છે. આ તમામ સોનું કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે.
પ્રાથમિક પૂછપરછમાં ત્રણેય આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ એક જ આંતરરાષ્ટ્રીય સોનાની તસ્કરી કરતી સિન્ડિકેટ માટે કમિશન પર 'કુરિયર' (કેરિયર) તરીકે કામ કરતા હતા. DRI હવે દુબઈથી આ કન્સાઇન્મેન્ટ મોકલનારા માસ્ટરમાઇન્ડ, ટ્રાન્સપોર્ટ કોઓર્ડિનેટર્સ અને મુંબઈમાં આ સોનાની ડિલિવરી લેનારા સ્થાનિક જ્વેલર્સ કે રિસિવર્સના નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ કરી રહી છે.