Sat Nov 07 2026

Logo

મુંબઈગરાં સાવધાન! માત્ર એક સપ્તાહમાં મુંબઈ બન્યું વિશ્વનું ત્રીજું સૌથી 'પ્રદૂષિત શહેર', AQI 166ને પાર...

2026-10-21 17:22:26
Author: Darshana Visaria
મુંબઈગરાં સાવધાન! માત્ર એક સપ્તાહમાં મુંબઈ બન્યું વિશ્વનું ત્રીજું સૌથી 'પ્રદૂષિત શહેર', AQI 166ને પાર...

મુંબઈઃ ચોમાસાની વિદાય થતાં જ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હવાનું પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. સ્વિસ એર ક્વોલિટી મોનિટરિંગ સંસ્થા IQAirના તાજા વૈશ્વિક રેન્કિંગ અનુસાર, મુંબઈ માત્ર એક જ અઠવાડિયામાં દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં પાંચમા ક્રમેથી ઉછળીને સીધું ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.

છેલ્લાં કેટલાક દિવસથી શહેરમાં હવાની ગુણવત્તા સતત કથળતાં ધુમાડો અને ધુમ્મસ (Smog)નું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જેના કારણે વિઝિબિલિટીમાં મોટો ઘટાડો નોંધાયો છે અને નાગરિકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ગળાના ઈન્ફેક્શન જેવી આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એના સિવાય બપોર પછી મે મહિનાની આકરી ગરમી જેવો અનુભવ થાય છે, જ્યારે સાંજ સુધી ઉકળાટ રહેવાથી સિઝનલ ફેરફાર 'અસાધારણ' થઈ રહ્યો હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.

મુંબઈનો એક્યુઆઈ 166 પર પહોંચ્યો: 122 શહેરમાં ત્રીજા નંબરે

વૈશ્વિક સ્તરે 122 પ્રમુખ શહેરોની હવાની ગુણવત્તાના સર્વેક્ષણમાં મુંબઈ ત્રીજા ક્રમે આવ્યું છે. મુંબઈનો સરેરાશ AQI 166 નોંધાયો છે, જે 'અનહેલ્ધી' (બિનઆરોગ્યપ્રદ) શ્રેણી તરફ આગળ વધી રહ્યો છે. શહેરમાં સતત ચોથા દિવસે હવાની ગુણવત્તા 'મધ્યમ' એટલે કે મોડરેટ (Moderate)થી ખરાબ કેટેગરીમાં રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ની ‘સમીર ઍપ’ અનુસાર, મુંબઈ અને ઉપનગરોના 26 મોનિટરિંગ સ્ટેશનો પૈકી 13 સ્ટેશનો પર હવાની ગુણવત્તા મધ્યમથી અત્યંત નબળી જોવા મળી છે.

પ્રદૂષણ વધવા પાછળ 'અલ નીનો' અને હવામાનનું કારણ

પર્યાવરણશાસ્ત્રીઓ અને હવામાન નિષ્ણાતોના મતે મુંબઈમાં હવા પ્રદૂષણ અચાનક વકરવા પાછળ વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર છે. પેસિફિક મહાસાગરમાં સક્રિય અલ નીનોના કારણે વૈશ્વિક તાપમાન અને પવનોની પેટર્નમાં મોટો ફેરફાર થયો છે.

ચોમાસું પૂરું થયા પછી દરિયાઈ પવનની ગતિ એકદમ મંદ પડી ગઈ છે. પવન ધીમો પડતાં વાતાવરણમાં એર સરક્યુલેશન (Air Circulation) અટકી જાય છે, જેના લીધે વાહનોનો ધુમાડો, બાંધકામની ધૂળ અને પ્રદૂષિત કણો વાતાવરણના નીચલા સ્તરમાં જ જમા થઈને સ્મોગ રચે છે. તાપમાનમાં વધારો અને હવામાં રહેલો ભેજ પણ પ્રદૂષકોને વાતાવરણમાં સ્થિર રાખવામાં ભાગ ભજવી રહ્યા છે.

આ મામલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)નું કહેવું છે કે સરકારી મોનિટરિંગ સ્ટેશનો અને ખાનગી એજન્સીઓ (જેમ કે IQAir)ના સેન્સર્સ અને ડેટા કેલ્ક્યુલેશનની પદ્ધતિઓ અલગ-અલગ હોય છે. 
ખાનગી સંસ્થાઓ સીમિત ક્ષેત્રના તાત્કાલિક રીડિંગ્સના આધારે ગણતરી કરતી હોવાથી તેની સીધી સરખામણી કરવી યોગ્ય નથી, છતાં પાલિકા પ્રદૂષણ નિયંત્રણ માટે બાંધકામ સ્થળો પર ગાઇડલાઇન્સ અને રસ્તાઓ પર પાણી છંટકાવની કામગીરી સઘન બનાવી રહી છે.

મુંબઈના કયા વિસ્તારોમાં હવા વધુ પ્રદૂષિત?

શહેરના મુખ્ય કમર્શિયલ અને રહેણાંક વિસ્તારોમાં AQIનું પ્રમાણ ઘણું ઊંચું નોંધાયું છે. આવો જોઈએ ક્યાં કેટલું નોંધાયું AQI-

નેવી નગર (કુલાબા): 161


બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC): 149

દેવનાર: 146

બાંદ્રા પૂર્વ (ખેરવાડી): 141

વરલી (સિદ્ધાર્થ નગર): 139

ભાંડુપ પશ્ચિમ: 137

અંધેરી (ચકાલા): 136

ગોવંડી (શિવાજી નગર): 131

બોરીવલી પૂર્વ અને મલાડ પશ્ચિમ: 107