(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન ગણાતી મધ્ય રેલવેનો રેઢિયાળ વહીવટ હવે પ્રવાસીઓની સહનશક્તિની તમામ હદો વટાવી ચૂક્યો છે. સોમવારે સવારે સર્જાયેલી ટેકનિકલ ખામીઓ અને સિગ્નલિંગ ખોરવાઈ જવાના કારણે લોકલ ટ્રેનોનું ટાઈમટેબલ ખોરવાઈ ગયું હતું. સામાન્ય પણે મુલુંડથી સીએસએમટી પહોંચવામાં ફાસ્ટ ટ્રેન દ્વારા જે અંતર માત્ર 40થી 45 મિનિટનો સમય લાગે છે, પરંતુ સોમવારે આ અંતર કાપવા માટે પ્રવાસીઓને અઢી કલાક જેટલો સમય લાગ્યો હતો. અઠવાડિયાના પહેલા જ દિવસે ઓફિસે પહોંચવાની ઉતાવળમાં રહેલા નોકરિયાતો ટ્રેનોમાં કલાકો સુધી ફસાઈ રહેતાં રેલવે પ્રશાસનની કામગીરી સામે પ્રવાસીઓનો ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.
મુલુંડથી નાહુર પહોંચવામાં જ 45 મિનિટ
મુલુંડથી સીએસએમટી જઈ રહેલા એક પ્રવાસીએ પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, સોમવારે સવારે ટ્રેનોના એટલા ધાંધિયા હતા કે માત્ર એક સ્ટેશન એટલે કે મુલુંડથી નાહુર પહોંચવામાં જ ૪૫ મિનિટ લાગી ગઈ હતી. આગળ જતાં સિગ્નલ ન મળવાને કારણે લોકલ ટ્રેન ઠેર-ઠેર અટવાતી રહી અને મુલુંડથી 12.50 નીકળેલી ફાસ્ટ ટ્રેન અંદાજિત 3.50 કલાકે એટલે કે બે-અઢી કલાકે સીએસએમટી પહોંચી હતી. ગરમી, અકળામણ અને ખીચોખીચ ભીડ વચ્ચે અઢી કલાક સુધી ઊભા રહીને મુસાફરી કરવા મજબૂર બનેલા પ્રવાસીઓની હાલત અત્યંત કફોડી બની ગઈ હતી.
દર રવિવારે મેગા બ્લોકનો ઢોંગ, તો પછી સોમવારે આ હાલત કેમ?
પ્રવાસીઓએ સેન્ટ્રલ રેલવેના આયોજન સામે તીખા સવાલો ઉઠાવ્યા છે. રેલવે પ્રશાસન દ્વારા ટ્રેક અને સિગ્નલિંગના સમારકામ તથા સુરક્ષાના નામે દર રવિવારે પાંચથી છ કલાકનો મેગા બ્લોક લેવામાં આવે છે અને પ્રવાસીઓને અસુવિધામાં મુકવામાં આવે છે. પ્રવાસીઓનો આક્ષેપ છે કે આટલા બધા મેન્ટેનન્સ બ્લોક છતાં સામાન્ય દિવસોમાં પણ ટ્રેનો 35થી 40 મિનિટ મોડી દોડવી એ રોજની વાત બની ગઈ છે. જો મેગા બ્લોક પછી પણ બીજા જ દિવસે સિગ્નલો ફેલ થઈ જતા હોય અને વાયરો તૂટતા હોય, તો આ મેગા બ્લોકનો અર્થ શું?
સુવિધા નહીં, પણ અસુવિધા ભોગવવાના પૈસા વસૂલાય છે
સમયસર ઓફિસ ન પહોંચી શકવાને કારણે કર્મચારીઓને લેટ-માર્ક લાગે છે, અડધા દિવસનો પગાર કપાય છે કે પછી બોસની નારાજગી સહન કરવાનો વારો આવે છે. નોકરી કરતા વર્ગને આટલો વિલંબ આર્થિક અને માનસિક બંને રીતે ભારે પડી રહ્યો છે.
રેલવે પ્રશાસન દ્વારા પ્રવાસીઓને વૈશ્ચિક સ્તરની સેવાઓ અને આધુનિક સુવિધાઓ આપવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પ્રવાસીઓ પાસેથી ટિકિટ અને પાસના પૈસા તેમને સુવિધા આપવા માટે નહીં પરંતુ માત્ર યાતના અને અસુવિધા ભોગવવા માટે વસૂલવામાં આવી રહ્યા હોય તેવો અનુભવ પ્રવાસીઓને થઈ રહ્યો છે.