Thu Nov 19 2026

Logo

ગરીબોનાં બેલી: મધર ટેરેસા

2026-11-05 11:45:00
Author: Tina Doshi
ગરીબોનાં બેલી: મધર ટેરેસા

ટીના દોશી

નામ: મધર ટેરેસા
ઓળખ: સમાજસેવા
ટપાલ ટિકિટ બહાર પાડ્યાની તારીખ: 27.8.1980
ટિકિટનું મૂલ્ય: 30 પૈસા   

એગ્નેસ ગોન્ઝા બોયાજિજૂ... આ નામ સાંભળ્યું છે?
આ પ્રશ્નના ઉત્તરમાં કોઈ પણ ભાગ્યે જ હકારમાં જવાબ વાળશે, પણ એ જે નામે પ્રખ્યાત થયેલાં એ નામ સાંભળશો તો  કોઈ એવું નહીં કહી શકે કે એ નામ અજાણ્યું છે!

એમનું નામ મધર ટેરેસા... સમાજસેવિકા અને ગરીબોનાં બેલી. કરુણામૂર્તિ, દયાની દેવી અને મમતાળુ માતા તરીકે પ્રખ્યાત. 1948માં  જ ભારતનું નાગરિકત્વ લઈ લીધેલું એમણે. સમાજસેવાના ક્ષેત્રમાં મધરના અણમોલ પ્રદાનને પગલે 1962માં દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી પુરસ્કૃત કરાયાં હતાં. આ જ વર્ષમાં રેમન મેગ્સેસે પુરસ્કાર પણ મધરને મળેલો. એ પછી 1980માં દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી પુરસ્કૃત કરાયાં હતાં. 

આ જ વર્ષમાં 27 ઑગસ્ટ 1980ના રોજ ભારત સરકારે મધર ટેરેસાની સ્મૃતિમાં ત્રીસ પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડેલી. એ પહેલાં 1979માં શાંતિ માટેનો નોબેલ પારિતોષિક મધરને એનાયત કરાયો હતો. જોકે મધર ટેરેસાએ ઇનામની 1,92000 ડૉલરની રકમ લેવાનો ઇનકાર કરીને કહેલું કે એ નાણાં ભારતના ગરીબ લોકોને દાનમાં આપવામાં આવે. નોબેલની રકમનો ઉપયોગ ઉમદા કાર્ય માટે કર્યો. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ નોબેલ પારિતોષિકથી પુરસ્કૃત થનારાં મધર ટેરેસા પ્રથમ ભારતીય મહિલા હતાં! ભારત સરકારે 27 ઑગસ્ટ 1980ના રોજ તેમના માનમાં ત્રીસ પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડી હતી. 

મધર ટેરેસાનો  જન્મ 26 ઑગસ્ટ 1910ના રોજ અત્યારના સ્કોપ્જે મેસિડોનિયામાં થયો હતો. જોકે મધર પોતાનો સાચો જન્મદિવસ 27 ઑગસ્ટને ગણાવે છે, કારણ એ દિવસે તેમને ધર્મની દીક્ષા આપવામાં આવી હતી. પિતા નિકોલા બોયાજૂ એક સાધારણ ઉદ્યોગપતિ હતા. માતા દ્રાણા બોયાજૂ. પાંચ સંતાનોમાં સૌથી નાની એવી  નાજુક નમણી દીકરીનું નામ એમણે એગ્નેસ ગોન્ઝા રાખ્યું. અલ્બેનિયન ભાષામાં ગોન્ઝા એટલે ફૂલની કળી.      

ફૂલની કળી સમી કૂંપળ ગોન્ઝા માત્ર આઠ વર્ષની હતી ત્યારે તેના પિતા નિકોલાનું અવસાન થયું. સંતાનોના ઉછેરની  તમામ જવાબદારી માતા દ્રાણા બોયાજૂ પર આવી. ગોન્ઝાના જન્મ સમયે  તેની મોટી બહેન સાત વર્ષની અને ભાઈ બે વર્ષનો હતો. અન્ય બે બાળકોનું બાળપણમાં જ નિધન થયેલું. ફૂલની કળી ગોન્ઝા નામ પ્રમાણે જ પુષ્પ જેવી કોમળ હતી, મહેનતુ હતી, ભણવાની સાથે ગાવું પણ એને ખૂબ ગમતું. ગોન્ઝા અને તેની બહેન નજીકના ગિરજાઘરમાં પ્રાર્થનાની મુખ્ય ગાયિકાઓ હતી. આ અરસામાં ગોન્ઝા સમાજસેવા ભણી આકર્ષાઈ. જે એના નવજીવનનો સંકેત આપતા હતા!

6 જાન્યુઆરી 1929... ગોન્ઝા  ભારત આવી. દીક્ષાર્થી તરીકેનો પોતાનો અજમાયશી કાળ હિમાલય પર્વતમાળા નજીકના દાર્જિલિંગમાં શરૂ કર્યો. મે 1934માં નન તરીકે પ્રથમ ધાર્મિક શપથ લીધા. મિશનરીઓના આશ્રયદાતા અને પ્રોત્સાહક સંત થેરેસે દે લિસિઅકસના નામ પરથી તેણે એ વખતે પોતાના માટે ટેરેસા નામ પસંદ કર્યું. પૂર્વ કલકત્તાની લોરેટો કૉન્વેન્ટ શાળામાં શિક્ષિકા તરીકે સેવા આપતાં હતાં ત્યારે  14 મે 1937ના  તેમણે વિધિપૂર્વકના શપથ લીધા.

થોડા સમય માટે મધર ટેરેસાએ  દાર્જિલિંગની સેન્ટ લોરેટો સ્કૂલમાં અધ્યાપન કાર્ય કર્યું, ત્યાર બાદ કોલકાતાની એક શાળામાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું. બેસહારા અને દિવ્યાંગ બાળકોને જોઈને તથા રસ્તાને કિનારે પડેલા અસહાય રોગીઓની દયનીય સ્થિતિ જોઈને એમનું મન દ્રવી ઊઠ્યું. એમણે ભારતમાં જ રહીને સેવાની સુવાસ પ્રસરાવવાનો સંકલ્પ કર્યો. 

1948માં તેમણે ગરીબો સાથેનું પોતાનું મિશનરી કાર્ય શરૂ કર્યું. તેમણે લોરેટોના પરંપરાગત પોશાકના સ્થાને ભૂરી કિનારીવાળી સાદી સફેદ સુતરાઉ સાડી અપનાવી. ભારતીય નાગરિકત્વ સ્વીકાર્યું અને ઝૂંપડપટ્ટીમાં પોતાનું કાર્ય શરૂ કર્યું. શરૂઆતમાં તેમણે મોતીહિલમાં એક શાળા શરૂ કરી; પરંતુ થોડા જ સમયમાં તેઓ વંચિતો, નિરાધારો અને ભૂખે મરતા લોકોની સંભાળમાં લાગી ગયાં. 

ઑક્ટોબર 1950માં મિશનરીઝ ઑફ ચૅરિટીની સ્થાપના કરી. મધર ટેરેસાના મિશનરીઝ એસોસિએશને 1996 સુધીમાં લગભગ 125 દેશોમાં 755 નિરાધાર ઘરો ખોલ્યાં. ટેરેસાએ શરૂ કરેલા નિર્મળ હૃદય’ આશ્રમ રોગથી પીડિત દર્દીઓની સેવા માટે હતો, જ્યારે ‘નિર્મલા શિશુ ભવન’ આશ્રમ અનાથ અને બેઘર બાળકોને મદદ કરવા માટે સ્થાપવામાં આવ્યો હતો.
 

1952માં કોલકાતા શહેર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી જગ્યા પર મધર ટેરેસાએ સૌથી પહેલું મરણ પથારીએ પડેલાઓ માટેનું ઘર ઊભું કર્યું... ભારતીય અધિકારીઓની મદદથી તેમણે એક ખંડેર હિન્દુ મંદિરને મૃત્યુશૈયાએ પડેલાઓ માટેનું ઘર- કાલિઘાટ, એટલે કે ગરીબો માટેનું નિ:શુલ્ક રુગ્ણાલય શરૂ કર્યું. તેમણે એને કાલિઘાટ, પવિત્ર હૃદય-નિર્મળ હૃદયનું ઘર -એવું નવું નામ આપ્યું. 

અહીં લાવવામાં આવતા દર્દીઓને તબીબી સારવાર તો મળતી જ પણ તેમને પોતાના ધર્મના રીતિરિવાજો અનુસાર ગરિમાપૂર્વક મરવાની તક પૂરી પાડવામાં આવતી. મુસ્લિમોને કુરાન વાંચી સંભળાવાતું, હિન્દુઓને ગંગાજળ આપવામાં આવતું અને કેથલિકને અંતિમવિધિ મળતી. મધર કહેતાં, ‘એક સુંદર મૃત્યુ, દેવદૂતોની જેમ-પ્રેમભર્યા અને તેઓની જરૂર છે એવા વાતાવરણમાં મૃત્યુ.’ થોડા વખતમાં મધર ટેરેસાએ હાંસેન રોગના, પ્રચલિત ભાષામાં રક્તપિતના નામે ઓળખાતા રોગથી પીડાતા લોકો માટે એક ઘર ખોલ્યું અને આ રુગ્ણાલયને શાંતિનગર-શાંતિનું શહેર નામ આપ્યું. 

ચૅરિટીના મિશનરીઓએ આખા કોલકાતામાં કેટલાંક ચાલતાં રક્તપિત દવાખાનાં પણ ઊભાં કર્યાં જે દવા, પાટાપિંડી અને ખોરાક પૂરો પાડતાં. જેમ જેમ ચૅરિટી મિશનરીઓને વધુ ને વધુ સંખ્યામાં ખોવાયેલાં બાળકો મળતાં ગયા તેમ મધર ટેરેસાને તેમના માટે એક ઘર બનાવવાની જરૂરિયાત અનુભવાઈ. 1955માં  તેમણે અનાથ અને ઘરવિહોણાં બાળકો  માટે સ્વર્ગસમું નિર્મળ શિશુ ભવન, શુદ્ધ હૃદયનાં બાળકોનું ઘર ખોલ્યું. 

મધર ટેરેસાએ પોતાનાં કાર્યો આગળ વધાર્યા. દેશમાં અને દુનિયામાં પણ. ભારતની બહાર પાંચ  સિસ્ટર સાથે 1965માં આશ્રયઘર વેનુઝુએલામાં ખૂલ્યું. એ પછી 1968માં રોમ, તાન્ઝાનિયા અને ઑસ્ટ્રિયામાં ખૂલ્યાં.  સિત્તેરના દાયકામાં તો એશિયા, આફ્રિકા, યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં આવાં ડઝનબંધ ઘરો અને ફાઉન્ડેશનો ખોલવામાં આવ્યાં. 

1980ના દાયકામાં જ્યારે પૂર્વ યુરોપમાં ખુલ્લાપણાનો વાયરો વાયો ત્યારે તેમણે પહેલાં એકવાર તેમને નકારી ચૂકેલા સામ્યવાદી દેશોમાં પણ મિશનરિઝ ઑફ ચૅરિટીને વિસ્તારવાના પ્રયાસ કર્યા અને ડઝનબંધ પ્રોજેક્ટો પર કામ શરૂ કરી દીધું. 1996 સુધીમાં તો તેઓ સોથી વધુ દેશોમાં 517 મિશન ચલાવતાં હતાં. વર્ષો વીતતાં ગયાં તેમ મધર ટેરેસાના મિશનરિઝ ઓફ ચેરિટી બારમાંથી હજારો બન્યાં અને વિશ્વભરમાં 450 કેન્દ્રોમાં ‘ગરીબમાં ગરીબ’ લોકોની સેવામાં પરોવાયાં.

મધર ટેરેસાને પ્રથમ વખત 1983માં તોતેર વર્ષની વયે હાર્ટ અટેક આવ્યો. 1989માં બીજો હાર્ટ અટેક આવ્યો.  13 માર્ચ 1997ના રોજ, તેમણે મિશનરીઝ ઑફ ચેરિટીના વડા પદેથી હોદ્દો છોડ્યો. 5 સપ્ટેમ્બર 1997ના તેમનું અવસાન થયું.  મધરને નોબેલ પારિતોષિક મળ્યું ત્યારનો એમનો સંવાદ મશહૂર બની ગયો છે.  મધર ટેરેસાએ નોબેલ એવોર્ડ સ્વીકાર્યો ત્યારે પ્રશ્ન પૂછાયો, ‘વિશ્વ શાંતિ માટે અમે શું કરી શકીએ?’ મધરે પ્રત્યુત્તર આપતાં કહ્યું, ‘ઘેર જાઓ અને તમારા પરિવારને પ્રેમ કરો...!’